માતાની નિંદર અડધી રાત્રે ઉડી તો જોયું તો પરિણીત દિકરો તેના પલંગમાં તેની બાજુમાં સુતો હતો, માતાએ પુછ્યું, કેમ અહિં સુતો છે? વહુ થી નારાજ છે? દિકરાએ કહ્યુ…

મધરાત્રીનો સમય હતો, ઘડિયાળ માં લગભગ બે વાગ્યા હશે. બે મહિના પહેલાં જ જશોદાબેનના પતિ ગુજરી ગયા ત્યારથી તેઓને જાણે નીંદર જ ન આવતી, પતિ ગુજરી ગયા પછી જશોદાબેનને નીંદર પુરી ન થતી તો ક્યારેક અડધી રાત્રે નીંદર ઉડી જતી.

આજે પણ કંઇક એવું જ થયું, થોડા સમય સુધી નિંદર આવી હતી ફરી પાછી જશોદાબેન નીંદર ઉડી ગઈ. પલંગની બાજુમાં રહેલી ઘડિયાળ સામે નજર કરી ને જુએ છે તો ઘડિયાળ માં બે વાગ્યા હતા. રૂમની બારી ખૂલી હોવાથી ચંદ્રનો હળવો પ્રકાશ રૂમમાં પથરાઈ રહ્યો હતો.

જશોદાબેન પલંગની બીજી બાજુ નજર કરે છે તો તેનો દીકરો ત્યાં સૂતો હતો. દીકરો તેની રૂમમાં વહુ ની સાથે સૂવાની જગ્યાએ અહીં માતાના પલંગમાં આવીને જાણે બાળક સૂતું હોય એમ આડીઅવળી રીતે સૂતો હતો.

દીકરાને તેના રૂમની જગ્યાએ પોતાના રૂમમાં જોયો એટલે જશોદાબેન પહેલાં તો થોડા ગભરાઈ ગયા, દીકરો બાળકની જેમ જ સૂતો હતો અને કોઇપણ ટેકા વગર સૂતો હોવાથી જશોદાબેને તેના દીકરાના માથા પર હાથ ફેરવીને તેના માથા ની નીચે ઓશીકુ રાખ્યું ફરી પાછો દીકરાના માથા પર હાથ ફેરવીને દીકરા ને પૂછ્યું કેમ બેટા અહીં સૂતો છે? પરેશાન છો?

દીકરાએ જવાબ આપ્યો અને મમ્મી એવું કંઈ નથી, દીકરા ના માથા પર હાથ ફેરવ્યો એટલે તેના દીકરાની કાચી નીંદર પણ જાણે ખૂલી ગઈ હતી અને હવે થોડું પડખું ફરીને તે માતા ની વધુ નજીક આવી ગયો.

જશોદાબેનને પણ પતિના અવસાન પછી રાત્રિના હળવી હળવી નીંદર જ આવતી અને એમાં પણ દીકરાની આ બેચેની જોઈને તેઓ થોડા વધારે ગભરાઈ ગયા. તેઓએ દીકરાને પૂછયું બેટા આજકાલ હું જોઉં છું કે તું અડધી રાત્રે મારા પલંગ પર આવીને સૂઈ જાય છે, શું વહુ થી નારાજ છો?

અરે ના મમ્મી એવું કંઈ નથી. દીકરાએ તેની માતાને જવાબ આપ્યો.

જશોદાબેન નીંદર ઉડી ગઈ હતી એટલે તેઓ પલંગ પર બેઠા થયા બેઠા થઈને પલંગની બાજુમાં જ ટેબલ માં રાખવામાં આવેલી બોટલ માંથી એક ઘૂંટડા જેટલું પાણી પીને ફરી પાછી બોટલ ટેબલ પર રાખી દીધી.

જશોદાબેન પલંગ પર પાછળ ટેકો રાખીને બેઠા હતા. તેને નીંદર ઉડી ગઈ હતી એટલે દીકરા ને પૂછ્યું તો પછી શું વાત છે બેટા?

દીકરાએ જવાબ આપ્યો અરે કંઈ જ નથી મમ્મી… ના, નથી એમ ટૂંકા જવાબ આપીને તે તેની માતા ના દરેક સવાલ ને ટાળવાનો પ્રયત્ન કરતો રહ્યો.

“અરે દીકરા તારા મનમાં શું છે, જે હોય તે કહે ને?” તેની માતાએ ફરી પાછું પૂછ્યું… માતાએ કહ્યું તારી બેચેની જોઈને મારુ દિલ ગભરાય છે.

દીકરાએ પોતાનું માથું માતાના ખોળામાં રાખી દીધું પછી માતાના બંને હાથને પોતાના માથા પર રાખીને તેણે માતાને કહ્યું મમ્મી તમને યાદ છે, હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે પપ્પા એ મારો રૂમ અલગ કરી નાખ્યો હતો.

પોતાના માટે અલગ રૂમની જીદ તો તે જ કરી હતી ને, એ પણ યાદ હશે ને તને? માતાએ તેને યાદ અપાવવાની કોશિશ કરી.

હા એ મને યાદ છે પરંતુ હું જ્યારે સુઈ જાવ તો ત્યાર પછી તમે એ રૂમમાં આવીને મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા ઘણી વખત મારી જ બાજુમાં સૂઈ જતા હતા.

માતાએ કહ્યું અને સવારે જ્યારે પણ તું મને તારી બાજુમાં સૂતી જોવે છે એક જ સવાલ પૂછતો યાદ છે…

હા મને યાદ છે મમ્મી… દીકરાએ જવાબ આપ્યો

માતા અને દીકરો વર્ષો પહેલાની ભુલાઈ ગયેલી વાતો યાદ કરી રહ્યા હતા…

માતાએ તેના દીકરાને કહ્યું, “તને યાદ છે તો કહે કે તું મને શું પૂછતો હતો?” માતાને એવું જ લાગી રહ્યું હતું કે સવારે પહેલી ઘણી વાતો સાંજ સુધીમાં ભૂલી જનારા દીકરાને વર્ષો પહેલાની વાત તો કઈ રીતે યાદ હશે… અને એવું જ વિચારીને તે હસી પડી.

પરંતુ દીકરાએ કહ્યું હું તમને એ જ સવાલ પૂછતો કે શું તમે પપ્પા થી નારાજ છો?

દીકરાની અદભુત યાદશક્તિ ની ક્ષમતા જોઈને માતાના ચહેરા ઉપર અચાનક એક અદભુત મુસ્કુરાહટ આવી પડી તેના દીકરાને પૂછ્યું હા સાચી વાત પરંતુ બેટા તને એવું કેમ લાગતું હતું?

આજે વર્ષો પછી કદાચ મનમાં રહેલા એક સવાલ ને તે જાણી લેવા માંગતી હતી, જેને જાણવા માટે નો સમય લગભગ આજથી પહેલા ક્યારેય મળ્યો ન હતો.

દીકરાએ જવાબ આપ્યો હું તમને એટલા માટે સવાલ પૂછતો હતો કારણકે હું તમને અને પપ્પાને કાયમ સાથે જોવા માંગતો હતો.

પિતાને યાદ કરતા કરતા દીકરાએ પોતાના માથા પર રાખેલા તેની માતાના બંને હાથ ઉપર પોતાની પકડ પહેલાં કરતાં પણ વધારે મજબૂત કરી નાખી હતી.

દીકરા હું પણ તને હંમેશા વહુ સાથે જ જોવા માંગું છું, તેની માતાએ નીચે ઝૂકીને દીકરાના માથા ને ચૂમતા કહ્યું…

મમ્મી તમે ત્યારે પપ્પાને રૂમમાં એકલા છોડીને મારી પાસે કેમ આવી જતા હતા?

વર્ષો પછી દીકરો પોતાના મનમાં ઉભી થયેલી જિજ્ઞાસાને માતા સામે એક સવાલ પૂછીને રાખી રહ્યો હતો…

દીકરા મને એવો ડર લાગતો કે એકલા રૂમમાં તું ક્યાંક ડરી ન જાય… અને એટલા માટે જ હું ઘણી વખત તારા રૂમ માં આવી ને તારા માથા પર હાથ ફેરવતા ફેરવતા ત્યાં જ સૂઈ જતી હતી.

દીકરાએ કહ્યું માં હવે પપ્પા નથી ને તો મને પણ ડર લાગે છે.

કેમ દીકરા? માતા પોતાના દીકરા નો ડર જાણવા માટે અધીર બની ગઈ હતી…

“મને પણ એ ડર લાગે છે કે ક્યાંક તમે તમારા એકલાપણા થી ડરી ન જાઓ… એટલા માટે જ હું…” બસ આનાથી વધુ દીકરાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો માત્ર દીકરા ના આંસુ માં જ બધા શબ્દ વહી ચૂક્યા હતા…

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેંટમાં 1 થી 1o ની વચ્ચે રેટીંગ પણ આપજો.

error: Content is Protected!