ગણપતિજી એક વખત નાના બાળકનું રૂપ લઇને ધરતી પર આવ્યા, તેઓ શેરીએ શેરીએ જઈને કહેવા લાગ્યા કોઈ મારા માટે ખીર બનાવી આપો…

એક વખત ગણેશજીને પૃથ્વી ઉપર માણસની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. તેઓ પોતાનું રૂપ બદલીને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા.

તેઓ એક બાળકનું રૂપ ધારણ કર્યું હતું, એક હાથમાં એક ચમચી હતી એ ચમચીમાં દૂધ રાખ્યું હતું અને બીજા હાથ માં એક ચપટી ચોખા હતા અને તેઓ ધરતી પર આવીને શેરીએ શેરીએ ફરવા લાગ્યા. તેઓ શેરીએ-શેરીએ ફરતા-ફરતા અવાજ લગાવી રહ્યા હતા કે કોઈ મારા માટે ખીર બનાવી દો, કોઈ મારા માટે ખીર બનાવી દો… પરંતુ તે જ્યાં પણ ગયા ત્યાં તેની ઉપર કોઇએ ધ્યાન આપ્યું નહીં અમુક લોકો તો તેને સાંભળીને તેની મજાક ઉડાવી રહ્યા હતા. ગણેશજી એક પછી એક બધી શેરીમાં ગયા પછી બીજા ગામડામાં ગયા પરંતુ ગણેશજી માટે કોઈ ખીર બનાવવા તૈયાર ન હતું.

સવારથી સાંજ પડી ગઈ પરંતુ હજી ગણેશજી શેરીએ શેરીએ ફરી રહ્યા હતા.

એક ગામડામાં એક ઘરડી સ્ત્રી રહેતી હતી. સ્ત્રીની ઉંમર ખૂબ વધુ હતી. સાંજનો સમય હતો ઘરમાં પોતે સ્ત્રી એકલી જ રહેતી હતી, તેની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હતી. તે સ્ત્રી પોતાના નાના એવા ઘરની બહાર બેઠી હતી એવામાં ગણેશજી એના ઘર પાસેથી નીકળે છે અને તેઓ સતત બોલી રહ્યા હતા કોઈ મારા માટે ખીર બનાવી દો.

આ વાત તે ઘરની મહિલાએ સાંભળી લીધી અને તેને ગણેશજીને કહ્યું લાવ બેટા હું તને ખીર બનાવી દઉં છું. ગણેશજીએ કહ્યું તમારા ઘરમાંથી દૂધ અને ચોખા માટે વાસણ લઇ આવો. એટલે પહેલી મહિલા તેના ઘરમાં અંદર જઈને એક નાનો વાટકો લઈને બહાર આવી.

મહિલા વાટકો લઈને બહાર આવી એટલે ગણેશજી કહ્યું તમારા ઘરમાં સૌથી મોટું વાસણ જે હોય તેને લઈને આવો. મહિલા થોડી મૂંઝાઈ ગઈ પરંતુ પછી તેને વિચાર્યું કે નાનો બાળક છે ચલો તેનું મન રાખવા માટે એ કહે છે એમ કરીએ. અંદર જઈને મહિલા તેનું મોટું તપેલું કે જે માળીયા ઉપર પડયું હતું તે લેવા ગઈ.

મહિલાની ઉંમર પણ વધારે હતી તેનાથી માંડ માંડ ચલાતું હતું અને તપેલું માળીયા ઉપર પડયું હોવાથી મહા મહેનતે તેને તપેલું બહાર કાઢ્યું અને પછી તે તપેલું લઈને બહાર આવી. ગણેશજી એ તપેલામાં ચમચીથી દૂધ નાખતા ગયા. મહિલા આશ્ચર્ય ચકિત થઈ ગઈ કારણ કે તેનું આવડું મોટું તપેલું હતું તેમાં ચમચીથી ગણેશજી દૂધ નાખી રહ્યા હતા અને જોતજોતામાં આખું તપેલું દૂરથી ભરાઈ ગયું. મહિલા એક પછી એક બધા વાસણ બહાર આવતી ગઈ અને ગણેશજી બધા વાસણમાં દૂધ ભરતા ગયા.

આવી રીતે ઘરના દરેક નાના મોટા વાસણ મહિલા બહાર લાવતી રહી અને ગણેશજી તેમાં દૂધ રેડતા ગયા. બધા વાસણો દૂધથી છલોછલ ભરાઈ ગયા.

ગણેશ ભગવાન એ મહિલાને કહ્યું હું સ્નાન કરીને આવું છું ત્યાં સુધીમાં તમે ખીર બનાવી લો હું પછી પાછો આવીને ખાઈશ.

ત્યારે પેલી મહિલાએ તરત જ પૂછ્યું હું આટલી બધી ખીર બનાવીને શું કરીશ? આના ઉપર ગણપતિજી એ જવાબ આપ્યો કે આ ખીર બધા ગ્રામજનોને આપજો.

મહિલાએ ખૂબ પ્રેમથી અને મનથી ખીર બનાવવાનું શરૂ કર્યું જેમ જેમ ખીર બનતી ગઈ તેમ તેમ ખીરની અનેરી અને મીઠી મીઠી સુગંધ એક પછી એક ગામડાના દરેક ઘરમાં પ્રસરવા લાગી. ખીર બની ગયા પછી તે મહિલા દરેક ઘરમાં જઈને ખીર ખાવા નું આમંત્રણ આપવા લાગી.

લોકો તે મહિલાનો પણ મજાક ઉડાવી રહ્યા હતા. કારણ કે તે મહિલાના ઘરમાં પોતાને ખાવા માટે પણ પૂરતું ભોજન ન હતું અને એવામાં આ મહિલા દરેક ઘરે જઈને ખીર ખાવા નું આમંત્રણ આપી રહી હતી એટલે બધા લોકો તેના ઉપર હસી રહ્યા હતા અને તેનો મજાક ઉડાવી રહ્યા હતા.

પરંતુ જેમ જેમ દરેક લોકોના ઘરમાં ખીર ની સુગંધ ફેલાવા લાગી એમ બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો અને સુગંધના કારણે બધા લોકો તે મહિલાના ઘરમાં આવ્યા, જોતજોતામાં આખું ગામડું તે મહિલાના ઘરમાં ભેગું થઈ ગયું.

એ મહિલાની એક વહુ પણ હતી જે તે જ ગામડામાં રહેતી હતી, એને પણ જેવી આ વાતની ખબર પડી કે તરત જ પહેલા તે મહિલાના ઘરે પહોંચી ગઇ ત્યાં ઘરમાં જઈને જોયું તો ખીર થી ભરેલા વાસણો જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું. તેને ખૂબ જ ભૂખ લાગી હતી તરત જ એક વાટકો લઈને તેમાં ખીર કાઢીને દરવાજાની પાછળ બેસીને ખીર નો આનંદ ઉઠાવવાની તૈયારી કરવા લાગી, તે દરવાજા ની પાછળ નીચે બેસવા ગઇ ત્યાં તેના વાટકામાં થી થોડી ખીર જમીન પર ઢોળાઈ. ગણપતિને ભોગ મળી ગયો અને તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા.

હવે આખા ગામડાને ખીર ખવડાવી, મહિલા તેના ઘરમાં બેઠી હતી એવામાં તેનું ધ્યાન ગયું કે જે બાળક સ્નાન કરવા જાવ છું એવું કહીને ગયો હતો એ જ બાળક પાછો આવી રહ્યો હતો. બાળક આવ્યો એટલે તરત જ મહિલાએ કહ્યું ચલ બેટા ખીર તૈયાર છે, તું ભોજન કરી લે. ગણપતિજી એ કહ્યું માં, મને તો મારો ભોગ મળી ગયો છે મારું પેટ એકદમ ભરાઈ ગયું છે. હું તૃપ્ત થઈ ગયો છું હવે તું ખાઈ લે તેમજ તારા પરિવારને અને ગ્રામજનોને ખવડાવ. મહિલાએ જવાબ આપ્યો આ તો ખૂબ જ વધારે છે, બધા લોકોનું પેટ ભરાઈ જશે તેમ છતાં પણ આમાંથી ખીર બચી જશે. આટલી બધી ખીરનું હું શું કરું? ગણેશજી મહિલાને જવાબ આપ્યો બચેલી ખીરને અલગ અલગ વાસણમાં રાખી ને ઘર ના ચારે ખૂણા માં રાખી દેજો.

મહિલાએ એવું જ કર્યું, બધા લોકો એ ખાધી તેમ છતાં ઘણી ખીર બચી હતી એટલે જુદા જુદા વાસણમાં ખીરને રાખીને ઘર ના ચારે ખૂણા માં રાખી દીધી.

રાત પડી ગઈ હતી એટલે મહિલા સુઈ ગઈ, બીજા દિવસે સવારે ઊઠીને શું જોયું? તેને ઘરના ચારે ખૂણામાં જે વાસણમાં ખીર રાખી હતી એ જ વાસણમાં ખીર ની જગ્યાએ સોનામહોરો, હીરા, ઝવેરાત અને મોતી થી બધા વાસણ છલોછલ ભરેલા હતા. તે મહિલા એકદમ ખુશ થઈ ગઈ કારણ કે તેની બધી દરિદ્રતા દૂર થઇ ગઇ હતી અને હવે તે આરામથી રહેવા લાગી.

ગણેશજીને એટલી જ પ્રાર્થના કે જેમ મહિલાની ઉપર કૃપા વરસાવી એવી જ કૃપા આપણી ઉપર પણ વરસાવે. તો કહો ગણપતિ બાપ્પા મોરિયા.