વર્ષો પછી મિત્રના ઘરે ગયો, ઘરે ગરીબી જોઈને એવું કંઈક કર્યુ કે મિત્રની દરીદ્રતા…

બે મિત્રો હતા, બાળપણથી જ બંને મિત્રો સાથે જ સ્કૂલમાં ભણતા અને હાઈસ્કુલ સુધી બંને મિત્રો સાથે જ રહ્યા હતા. પરંતુ high school પછી એક મિત્રને શહેરમાં જવાનું થયું એટલે તે મિત્ર શહેરમાં ગયો અને બીજો મિત્ર ગામડામાં જ રહેતો હતો.

શહેર માં રહેનારો મિત્ર ભણી-ગણીને ત્યાં જ સેટ થઈ ગયો, તેનો આખો પરિવાર શહેરમાં રહેવા આવતો રહ્યો હોવાથી તે મિત્રને હવે ગામડે જવાનું ખૂબ જ ઓછું થતું.

અને ગામડા માં રહેનારો મિત્ર પણ ગામડે જ સેટ થઇ ગયો હતો.

પોત પોતાની જીંદગીમાં વ્યસ્ત થઈ જનારા બંને મિત્રો સાથે સમય જતાંની સાથે એકબીજા સાથેનો સંપર્ક ઓછો થતો ગયો. અને થોડા વર્ષો પછી શહેરમાં રહેનાર વ્યક્તિ તે કોઈ કારણોસર તે ગામડા પાસેથી નીકળવાનો હતો એટલે તરત જ તેને તેના બાળપણના મિત્ર ની યાદ આવી ગઈ.

એ મિત્રે મનમાં વિચાર્યું કે ચાલો હું એ મિત્રને મળીને જ આગળ વધુ… એટલે ગામડે પ્રવેશ કર્યા પછી તે પોતાના મિત્રના ઘરે ગયો. ઘરે જઈને તે આશ્ચર્ય પામ્યા કારણ કે તેનો મિત્ર એકદમ ગરીબ અવસ્થામાં જીવન વીતાવી રહ્યો હતો. મિત્રની દરિદ્રતા જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય પણ લાગ્યું અને સાથે સાથે મિત્ર નો એક ભાઈ તેમજ તેનો પરિવાર આવી દરિદ્રતા માં જીવી રહ્યો હોવાથી તેને દયા પણ આવી.

મિત્રને મળીને તેની સાથે વાત કરી, ઘણા વર્ષો પહેલાંની વાતો અને યાદો બંને મિત્રોએ તાજી કરી. એવામાં અચાનક જ સાંજ પડતાની સાથે તેનું ધ્યાન પડ્યું કે તેના મિત્રનો ભાઈ ઘરની પાછળ રહેલા વૃક્ષ પરથી થોડો સરગવો તોડી ને લઇ આવ્યો અને બહાર જઈને એ સરગવાને વેચીને થોડા પૈસા ભેગા કરી ઘરે આવ્યો. પૈસા ઓછા હોવાથી મિત્રોના તે ભાઈ એ કહ્યું મારે તો આજે ઉપવાસ છે તમે બંને મિત્ર જમવા બેસી જાઓ.

મિત્રને પહેલા તો જમવાનું મન ન થયું પરંતુ આગ્રહ જોઇને અંતે તે અને તેનો મિત્ર બે જ વ્યક્તિ જમવા બેઠા, રાત પડી એટલે મિત્રોએ આગ્રહ કરીને આવનાર વ્યક્તિને રોકી રાખ્યો. બીજા દિવસે સવારે બહારગામ નીકળવાનું હોવાથી આજની રાત તે મિત્રોને ઘરે સુવાનો હતો.

સુતા સુતા તે એ જ વિચાર કરી રહ્યો હતો કે આ મિત્રની દરિદ્રતાને કેવી રીતે દૂર કરવી? ઘણા વિચાર કર્યા પછી અચાનક જ તેના મનમાં એક વિચાર આવ્યો… અને તરત જ તેના મિત્ર નું ધ્યાન ન હોય એ રીતે પોતાના જગ્યા પર થી ઉભો થઇ ને અડધી રાત્રે પાછળ જઈને પેલું સરગવાનું વૃક્ષ કાપી નાખ્યું. અને તરત જ સવાર પડવાની રાહ જોયા વગર તે બહારગામ ભાગી ગયો.

સવાર થતાંની સાથે જેવું મિત્રનું ધ્યાન પાછળ ગયું કે તરત જ તે આશ્ચર્યચકિત થઇ ગયો. બધા લોકોએ તેના મિત્રની ખૂબ જ નિંદા કરી. એવું જ કહી રહ્યા હતા કે કેવો દયા વગર નો મિત્ર હતો, બંને ભાઈઓની રોજીરોટી નો એક માત્ર સહારો હતો એ વૃક્ષને એક જ ઝટકામાં ખતમ કરી નાખ્યું. બંને ભાઈઓની આંખમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જે વૃક્ષોના કારણે તેના ઘરનું રોજગાર ચાલી રહ્યું હતું એ જ વૃક્ષ આજે તુટેલુ સામે પડ્યું હતું.

આ વાતને અંદાજે પાંચ વર્ષ જેટલો સમય થયો, એ સમય દરમિયાન બંને મિત્રો વચ્ચે કોઈ જ વાતચીત થઈ ન હતી. પછી અચાનક જ શહેરમાં રહેનાર આ મિત્રને ફરી પાછું તે ગામડે થી નીકળવાનું થયું એટલે વિચાર કર્યો કે પેલા મિત્રના ઘરે જઈ આવે.

ભલે પાંચ વર્ષ પહેલા પરંતુ તેને જે કાર્ય કર્યું હતું એનો તેને મનમાં ખૂબ જ ડર લાગતો, એટલે ભય સાથે તે ગામડા માં પ્રવેશ કર્યો અને કદાચ કોઈ તેને મારવા લાગે અથવા બોલવા લાગે તો એ સાંભળવા પણ તૈયાર હતો.

ગામડા માં પ્રવેશ કર્યા પછી સામે મિત્ર ના ઘર પાસે પહોંચ્યો તો ત્યાં મિત્ર નું ઘર જ નહોતું, એની જગ્યા પર એક બીજું નવું મકાન હતું. આજુબાજુમાં તપાસ કરી તો ખબર પડી કે મિત્ર એ જ મકાનમાં રહે છે એ નવું મકાન તેના મિત્ર નું જ છે, તે બહાર ગયા હોવાથી સહ પરિવાર હમણાં પાછા ફરશે. થોડા સમય સુધી રાહ જોયા પછી મિત્ર નો પરિવાર પાછો આવ્યો. મિત્ર અને તેનો ભાઈ તરત જ આવી ને પેલા ભાઈના પગે પડી ગયા અને કહ્યું કે જો તે દિવસે તમે તે વૃક્ષ કાપ્યું ન હોત તો કદાચ આજે અમે આટલા સમૃદ્ધ ન થઈ શક્યા હોત. અમે આટલી બધી મહેનત જ ન કરી હોત. ધીમે ધીમે અમને સમજાઈ ગયું કે તે પેલી રાતે તે વૃક્ષને શું કામ કાપ્યું હતું.

આ સ્ટોરીમાં થી ખુબ જ સામાન્ય બાબત શીખવા મળે છે કે જ્યાં સુધી આપણે સહારે અથવા કોઈ ના આધાર પર રહીએ છીએ ત્યાં સુધી આપણે આત્મનિર્ભર થઈને પ્રગતિ નથી કરી શકતા, જ્યાં સુધી સહારો મળે છે ત્યાં સુધી આપણે આળસમાં ને આળસમાં આપણી દરિદ્રતાને પણ અપનાવી લઈએ છીએ. અને આપણે ત્યાં સુધી કંઈ કરતા નથી જ્યાં સુધી તેની અત્યંત આવશ્યકતા ઊભી ન થઈ જાય.

આપણા જીવનમાં જ પણ આવા ઘણા વૃક્ષ લાગેલા હશે, પરંતુ જો આપણે પ્રગતિ કરવા ઈચ્છતા હોઈએ તો કોઈ વિદ્વાન મિત્ર ની રાહ જોયા કરતા પોતે જ એક ઝટકામાં એ વૃક્ષને કાપી અને આપણી પ્રગતિ નો રસ્તો ખોલવો જોઈએ.

આપણે જ્યારે પણ જરૂરતથી વધારે કોઈના પર આધાર રાખીએ ત્યારે આપણા વ્યક્તિગત વિકાસ માં એક ખૂબ જ મોટી બાધા બની જાય છે. તમે જો wildlife વિશે જાણતા હોય તો ખબર જ હશે કે મોટાભાગના પશુ પક્ષી પોતાના બાળકોને ઊંચાઈ થી સીધા ઊંડા પાણીમાં ધકેલી દે છે અને તે પોતે તેના બાળકોને એક તક આપતા હોય છે કે તેનો બાળક બધા પ્રયાસો કરીને પોતાની જાતે કિનારા પર આવે અને એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં દરેક પરિસ્થિતિઓનો સામનો કરીને દર વખતે માનસિક રૂપે તેમજ શારીરિક રૂપે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!