પત્નીએ પતિ પાસે આવી કહ્યુ છોકરાઓ આપણાથી અલગ થવા માંગે છે, ભાગ પાડી આપો. પતિ આ વાત સાંભળી ગુસ્સે થઈ ગયો અને કહ્યું…

કિશોરભાઈ ની ઉંમર ૭૫ વર્ષની થઇ ચૂકી હતી, તેઓ પોતાના ગામડે ત્રણ દીકરા સાથે એક જ ઘરમાં રહેતા હતા. ત્રણે દીકરાને પરણાવીને વર્ષોથી કિશોરભાઈ નિવૃત્ત જીવન આનંદથી વિતાવી રહ્યા હતા.

એક દિવસ કિશોરભાઈ ની પત્ની એ તેને કહ્યું સાંભળો છો. થોડા દિવસ પહેલા રમેશ મારી પાસે આવ્યો હતો અને બધા લોકોનો વિચાર મારી સમક્ષ રજૂ કર્યો હતો. બધા દીકરા-વહુ હવે આપણાથી અલગ થવા માંગે છે.

કિશોરભાઈ નો સ્વભાવ ગરમ હોવાથી આ વાત સાંભળીને પહેલા તો ગુસ્સે થઈ ગયા અને કહ્યું: શું કામ અલગ રહેવા માંગે છે, આ ઘરમાં શું વાંધો છે? પરંતુ તેની પત્નીએ તેને સમજાવીને કહ્યું હવે તે લોકો મોટા થઈ ચૂક્યા છે એટલે તેઓ ઇચ્છે છે એ રીતે તમે સરખા ભાગ પાડી દો. તેઓ હવે આ ઘરમાં રહેવા નથી માંગતા.

કિશોરભાઈ થોડા દિવસ સુધી કશું ન બોલ્યા એટલે રમેશે તેના પિતાને કહ્યું બાપુજી, હવે અમારે બધાને અલગ થવું છે. અને અલગ રહેવું છે. હું સરપંચ ને બોલાવું છું એની હાજરીમાં જ તમે અમને બધી વસ્તુઓની સરખી રીતે વહેંચણી કરી દો.

કિશોરભાઇ ને ગુસ્સો આવ્યો પરંતુ તે કશું બોલ્યા નહીં. માત્ર રમેશ ને કહ્યું વાંધો નહીં સરપંચ ને બોલાવી લે. હું ભાગ પાડી દઈશ.

રમેશ સરપંચ પાસે ગયો અને આખી વાતની જાણ કરી. સરપંચ સાંજના તેઓની ઘરે આવશે એવું નક્કી કરીને રમેશ પાછો ઘરે આવ્યો જમ્યો અને સાંજે સરપંચ ઘરે આવશે એ વાતની બધાને જાણ કરી.

સાંજે સરપંચ આવ્યા એટલે તરત જ રમેશ પિતા પાસે જઈને બોલ્યો બાપુજી સરપંચ આવી ગયા છે. હવે તમે તમારી રીતે વહેંચણી કરી આપો.

બાપુજી ઘરમાંથી બહાર આવ્યા. સાંજનો સમય હતો. ઢળતી સાંજે એક ખાટલા ઉપર બાપુજી અને સામે સરપંચ બેઠા હતા. અને કિશોર ભાઈ ના ત્રણ દીકરાઓ ત્યાં બાપુજી ના ખાટલા પાસે ઊભા હતા.

સરપંચ વાતની શરૂઆત કરી અને કહ્યું જો છોકરાઓને ભેગા રહેવું તે ફાવતું ન હોય તો ભાગ પાડી આપો એ જ સારી વાત છે. જેટલી વસ્તુઓ છે એ પ્રમાણે સરખી રીતે બધાને ભાગ પાડી દો અને હવે કિશોરભાઈ તમે અને તમારી પત્ની કહો કે તમે કયા દીકરા સાથે રહેશો?

કિશોરભાઈ સરપંચ ને હજુ કંઈ પણ જવાબ આપે તે પહેલા રમેશ બોલી ઉઠ્યો અરે એમાં શું પૂછવાનું હોય, બાપુજી ચાર મહિના મારા ઘરે રહેશે, ચાર મહિના વચલા ભાઈ ના ઘરે રહેશે,અને ચાર મહિના નાના ભાઈને ઘરે રહેશે.

જાણે રમેશ પહેલેથી આ વાત તેના બન્ને ભાઇઓ સાથે નક્કી કરીને આવ્યો હોય એ રીતે બંને ભાઈઓને ઔપચારિકતા માટે પૂછ્યું, આ નિર્ણય બરાબર છે ને? બંને ભાઈઓએ તરત જ કહ્યું હા ઠીક છે. અમને આ નિર્ણય મંજુર છે.

સરપંચ બોલ્યા ચાલો એ તો નક્કી થઈ ગયું કે કિશોરભાઈ અને તેની પત્ની તેના ત્રણેય દીકરાની ઘરે ચાર ચાર મહિના સુધી રહેશે. તો હવે કિશોર દાદા ઘર,જમીન તેમજ બીજી કોઈ મિલકત હોય તેના ભાગ કરી નાખો.

કિશોરભાઈ અંદરથી ખૂબ ગુસ્સે હતા પરંતુ દીકરાઓના મનમાં શું છે એ વાત જાણવા માટે તે કશું બોલ્યા નહીં. એમાં પણ આ ચાર મહિના દરેક દિકરાને ઘરે જઈને કિશોરભાઈ અને તેની પત્નીએ રહેવાનું આ વાતથી તો તેનો ગુસ્સો જાણે આસમાન ઉપર પહોંચી ગયો હતો.

ઘણા સમયથી એક શબ્દ ન બોલેલા કિશોરભાઈ હવે બોલ્યા શેનો ભાગ પાડવો છે? શેની વહેચણી?

પછી બધા દીકરાની સામું જોઈ અને બોલ્યા ભાગ અને વહેંચણી તમે નહીં પરંતુ હું એટલે કે તમારો બાપ કરશે…

સાંભળી લો મારો ફેસલો… ત્રણેય દીકરાઓએ પહેરેલે કપડે આ ઘરમાંથી નીકળી જવાનું છે. પછી ચાર મહિના વારાફરતી વારા મારા ઘરે આવી અને રહેવાનું. એટલે કે ચાર મહિના મોટો રહેશે, બાકીના ચાર મહિના વચલો રહેશે અને પછીના ચાર મહિના નાનકો અહીં રહેવા આવશે. અને આ સિવાયના મહિનાઓની વ્યવસ્થા જેને જેમ કરવી હોય એમ કરી શકે છે…

તમે મારી વહેંચણી કરવા નીકળ્યા છો પરંતુ આ સંપત્તિનો માલિક હજુ હું જ છું.

બાપુજીના મોઢેથી આવા વેણ સાંભળીને બધા દીકરાઓને સમજાઈ ગયું કે તેઓએ કેટલી મોટી ભૂલ કરી છે. તેઓ બધા કિશોરભાઈ ની માફી માંગવા લાગ્યા.

કિશોરભાઈ જે બોલ્યા તે સાંભળી સરપંચ તો આશ્ચર્યચકિત થઈ ગયા પરંતુ ત્યાં હાજર રહેલા ઘણા બીજા વડીલોની પણ આંખ ખૂલી ગઈ.

આજે કિશોરભાઈ ના નિર્ણયને સરપંચ ખુદ કહ્યું કે વાહ કિશોરદાદા આને કહેવાય સાચો નિર્ણય. વહેંચણી દીકરાઓએ નહીં પરંતુ માતા-પિતાએ કરવાની હોય.

આ જ સ્ટોરી મધુર સંગીત સાથે સાંભળીને અનુભવવા માટે નીચેનો વીડીયો અચુક જુઓ અને આવી જ બીજી રસપ્રદ સ્ટોરી સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો…

Subscribe to us on youtube.

error: Content is Protected!