અશોકભાઈ ના લગ્ન ઘણા વર્ષો પહેલા થઈ ચૂક્યા હતા, લગ્નના ઘણા વર્ષો પછી તેને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. વર્ષો પછી તેને ત્યાં દીકરી નો જન્મ થયો હોવાથી તેના ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, જેમ જેમ દીકરી મોટી થતી ગઈ તેમ વધુ ને વધુ લાડ થી આખા પરિવાર એ તેને ઉછેરી હતી.
ખાસ કરીને અશોકભાઈ તેની દીકરી જે કહે તે લાવી દેતા અને જેમ જેમ મોટી થતી ગઈ તેમ દીકરી પણ વધુને વધુ પૈસા વેડફવા લાગી તેમજ વધુ બગડી ગઈ. અશોકભાઈ સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે જ્યારે દીકરીને પૈસાની શું કિંમત હોય છે તે જ્ઞાન કરાવવું પડશે નહિતર આ દીકરી બધી સંપત્તિ ખતમ કરી નાખશે.
જો આ જ્ઞાન દીકરીને નહીં કરાવવામાં આવે તો દીકરી તેના જીવનમાં પૈસાની કિંમત નહીં શીખી શકે અને આગળ જતા દીકરીને જ હેરાન થવું પડશે. એક દિવસ અશોકભાઈએ તેની દીકરીને બોલાવીને કહ્યું કે બેટા મેં જે કમાયું છે. તે બધું તને જ મળવાનું છે. મારે કોઈ બીજું સંતાન નથી.
પરંતુ તારી આ પૈસા વેડફવાની ખરાબ આદત જોઈને મને ખૂબ જ ચિંતા થાય છે. જો તું સાબિત નહીં કરી શકે કે તું પૈસા જવાબદારીથી ખર્ચીશ તો હું તને આપવાની જગ્યાએ બધા પૈસાનું દાન કરી દઈશ. બીજા જ દિવસે દીકરી તેના પિતા પાસે આવી.
તેને પિતાને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે પપ્પા આ મારી કમાણી છે. જોકે દીકરીના પિતા પહેલેથી જ જાણતા હતા કે તેને રૂપિયા તેની માતાની પાસેથી લીધેલા છે. તે રૂપિયાને હાથમાં લઈને તરત જ તેને ઘરની બીજી નકામી વસ્તુ પડી હતી તેની સાથે રાખી દીધા. બીજા દિવસે પણ આવું જ થયું દીકરી. પૈસા લઈને આવી પરંતુ પિતાને પહેલેથી જ ખબર હતી કે આ પૈસા તેને તેના કાકા પાસેથી ઉધાર લીધા છે.
ત્રીજા દિવસે દીકરીએ તેની એક મિત્ર પાસેથી પૈસા લીધા અને તેના પિતાને આપ્યા પરંતુ પહેલાની જેમ જ પિતાએ આજે પણ આ રૂપિયાને નકામી વસ્તુ સાથે રાખી દીધા. દીકરી સમજી ગઈ કે કંઈક તો ગડબડ છે, જો તે તેના પિતાને જણાવવા માંગતી હોય કે તે હવે જવાબદાર થઈ ગઈ છે તો તેને પોતે રૂપિયા કમાવવા પડશે.
તેના પછીના દિવસે દીકરી સવારે વહેલી જાગીને કામ શોધવા નીકળી પડી, અનેક જગ્યાએ કામ શોધ્યું, થોડા સમય પછી તેને એક સ્ત્રીએ નોકરી પર રાખી જેમાં તેને સીવણ કામ કરવાનું હતું. દિવસના અંતે તેને તે સ્ત્રીએ સો રૂપિયા આપ્યા, દીકરી તે રૂપિયા લઈને ઘરે જતી રહી.