જ્યોતિષીએ કહ્યું હાથ બતાવ તો ખેડૂતે જમીન તરફ હથેળી રાખીને હાથ બતાવ્યો જ્યોતિષીએ કારણ પુછ્યુ તો ખેડૂતે એવો જવાબ આપ્યો કે જ્યોતિષ…

એક રાજા જ્યોતિષવિદ્યામાં ખૂબ માનતા એટલા માટે જ તેના રાજ્યમાં રહેલા વિખ્યાત જ્યોતિષને રાજ જ્યોતિષ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને રાજા જ્યાં પણ જાય ત્યાં તેની સાથે રાજ જ્યોતિષી એ રહેતા.

ઘણી વખત એવું પણ બનતું કે રાજ્યની પરિસ્થિતિ કેવી છે અથવા લોકો કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે તે જોવા માટે વેશ પલટો કરીને રાજા રાજ્યમાં નીકળતા અને આ સમયે પણ રાજ જ્યોતિષ રાજાની સાથે વેશપલટો કરીને નીકળતા. એક વખત આવું જ બન્યું બંને રાજા અને રાજા ની સાથે રાજ જ્યોતિષ બંને વેશ પલટો કરીને રાજ્ય ના પ્રવાસે ગયા.

થોડા સમય સુધી તેઓ આગળ જઈ રહ્યા હતા એવામાં સામેથી કોઈ એક ખેડૂત આવી રહ્યો હતો પરંતુ રાજાએ અને રાજ જ્યોતિષી બંને વેશપલટો કરી નાખ્યો હતો એટલે ખેડૂત ચાહે તો પણ ઓળખી ન શકે કે આ કોણ છે.

જ્યોતિષી એ ખેડૂતને ઊભો રાખ્યો અને તેને ખેડૂતને પૂછ્યું કે અરે ભાઈ આ રીતે ઉતાવળે ઉતાવળે કઈ બાજુ જઈ રહ્યો છે? તને ખબર તો છે કે આ દક્ષિણ દિશા છે અને એમ પણ આજે ગુરૂવાર છે આજે તો આ સામો કાળ કહેવાય.

જ્યાં પણ જઈ રહ્યો હોય એક કામ કર અહીંથી પાછો વળી જા અને શુભ ચોઘડિયું જોઈને આવતીકાલે ઘરેથી નીકળી જજે.

ખેડૂત ને તો ખબર હતી નહીં કે સામે રાજા અને રાજ જ્યોતિષી ઉભા છે તેને તરત જ જવાબ આપી દીધો કે મહારાજ જો આ સામો કાળ મને નડવાનો હોત તો હું ઘણા સમય પહેલાં જ એનો ભોગ બની ગયો હોત કારણકે આજે હું પહેલી વખત આ દિશામાં ગુરુવારે જઈ રહ્યો હોવ તેવું નથી બની રહ્યું હકીકતમાં તો હું દરરોજ આ દિશામાં જાઉં છું અને ગુરુવારે પણ આ જ દિશામાં થી ચાલતો હોઉં છું.

ખેડૂતની વાત સાંભળીને જ્યોતિષી મૂંઝાયા તે અંદરોઅંદર વિચારવા લાગ્યા કે ખેડૂત આવી રીતે સામે જવાબ આપી દીધો એટલે જ્યોતિષીની વાતની તેના પર જરા પણ અસર થઈ નથી અને જો આ વાત રાજા પણ માની લેતો શું થાય એટલે રાજા પાસે પોતાનું સાચું દેખાડવા માટે તેને ખેડૂતને કહ્યું મને જરા તારો હાથ બતાવતો.

એટલે ખેડૂતે જ્યોતિષી બાજુ હાથ ધર્યો. પરંતુ સામાન્ય રીતે કોઈપણ લોકો તમને હાથ બતાવવાનું કહે એટલે આપણે હથેળી બતાવીએ છીએ હથેળી આકાશ તરફ રાખીને હાથ બતાવીએ છીએ પરંતુ એથી ઊલટું ખેડૂતે હથેળી જમીન તરફ રાખી હતી એટલે જ્યોતિષી તો રીતસરના ગુસ્સે થઈ ગયા અને બોલી ઉઠ્યા કે અરે મૂર્ખ તને ખબર નથી પડતી કે હથેળી જમીન તરફ રાખીને હાથ ન બતાવી શકાય આ તે વળી કઈ હાથ બતાવવાની રીત છે?

આ સાંભળીને ખેડૂત મરક મરક હસવા લાગ્યો પછી તેને હસતા હસતા જવાબ આપ્યો કે તમે જાણો છો મહારાજ કે હથેળી કોણ ફેલાવે છે? જે લોકોને મહેનત કર્યા વગર કોઈપણ વસ્તુ મેળવી લેવી હોય એવા લોકો જ બીજા સામે હથેળી લંબાવે છે. મને તો આ મારી ધરતીમાતા બધું જ આપે છે એટલે સ્વાભાવિક રીતે મારી હથેળી તો એની તરફ જ લંબાઈને.

આ બધી વાત સાંભળીને જ્યોતિષી તો વધુ ગુસ્સે થવા જઇ રહ્યો હતો પરંતુ રાજાએ પરિસ્થિતિ પારખી લીધી અને તેને બધું જ સમજાઈ ગયું. રાજાએ તરત જ જ્યોતિષીને ત્યાંથી પાછા વળી જવા માટે કહી દીધું પરંતુ એ તો જ્યોતિષ હતા એને તરત જ કહ્યું કે પણ મહારાજ આજે તો ગુરૂવાર છે જવાબમાં રાજા પણ હસવા લાગ્યા કારણ કે તેની પણ હવે વિવેકબુદ્ધિ જાગી ચૂકી હતી. રાજાએ કહ્યું આપણને કંઈ જ નહીં નડે ચલો જલ્દી કરો રાજ્ય નું કામકાજ ખોટી થાય છે.

આ સ્ટોરી માં થી સમજવા મળે છે કે કોઈપણ સંજોગો હોય કોઈ પણ પરિસ્થિતિ હોય પરંતુ જો આપણામાં રહેલી વિવેકબુદ્ધિ જાગી જાય તો એ હંમેશા આપણને સાચા રસ્તે લઈ જાય છે.

બીજું કે આત્મશ્રદ્ધા એટલે કે પોતાની ઉપર નો ભરોસો પણ આપણને સતત કાર્યરત રાખે છે અને આવો જ આત્મા ભરોસો મુશ્કેલીમાંથી અથવા કોઈ પણ વણસી ગયેલી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે મદદરૂપ થાય છે અને તમારા પ્રયાણ પ્રગતિના પંથે કરાવે છે.

જો આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી કેવી લાગી તે માટે કમેન્ટ માં રેટીંગ પણ આપજો.

error: Content is Protected!