અષાઢ મહિનાની એક કાળી અંધારી રાત હતી, બહાર ખૂબ જ ભયંકર વરસાદ થઇ રહ્યો હતો. નાની એવી ઝૂંપડીમાં રાકેશ અને તેની પત્ની બંને સૂઈ રહ્યા હતા, તે ઝૂંપડીમાં બે માણસો સુવે એટલે ત્રીજા માણસ માટે જગ્યા ન રહે એટલી નાની ઝૂંપડી હતી.
ભયંકર વરસાદ થઇ રહ્યો હોવાથી ઝૂંપડીમાં ઉપર તાલપત્રી રાખેલી હતી પરંતુ તેમાંથી પણ થોડું થોડું પાણી ઝૂંપડીમાં અંદર આવતું હતું. પતિ પત્ની ને આવી રીતે સુવાની આદત હોવાથી આ પાણી તેમને કંઈ પરેશાન નહોતું કરી રહ્યું. બંને સુઈ રહ્યા હતા.
એવામાં મધરાત્રી નો સમય થયો અને કોઈએ દરવાજો ખખડાવ્યો. રાકેશ જાગી ગયો તેની ઊંઘ ઊડી એટલે તેનું ધ્યાન ગયું કે કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. રાકેશ ભલે નાના એવા ઘરમાં રહેતો હતો પરંતુ તે ખૂબ જ સજ્જન માણસ હતો. તેને તેની પત્ની ને જગાડી ને કહ્યું, માલતી જરા જાગી જા… અને દરવાજો ખોલી દે કોઈ આવ્યું છે. તેની પત્ની દરવાજા પાસે જ સુતી હતી.
માલતી જાગી અને તરત જ તેના પતિને કહેવા લાગી પરંતુ અત્યારે અડધી રાત્રે કોણ આવ્યું હશે, અને આવા વરસાદમાં જો કોઈ આશરો માગવા આવ્યું હશે તો તમે ના પણ પાડી શકશો?
પતિએ જવાબ આપતા કહ્યું અરે આટલો ભારે વરસાદ થઈ રહ્યો છે જરૂર કોઇ આશરો માગવા માટે જ આવ્યું હશે. તું દરવાજો ખોલે.
પત્નીએ કહ્યું પરંતુ અહીં જગ્યા નથી, તો આપણે કઈ રીતે અહીં જગ્યા કરીશું?
રાકેશ જવાબ આપ્યો બે લોકોના સુવા માટે પૂરતું છે એવી રીતના ત્રણ લોકો અહીં બેસી પણ શકે છે તેના માટે પણ પૂરતું છે. તું દરવાજો ખોલી આપ. જે આપણા દરવાજે આવ્યો છે તે પાછો ન જવો જોઈએ.
પત્નીએ દરવાજો ખોલ્યો, હકીકતમાં પતિ-પત્ની જે વિષે ચર્ચા કરી રહ્યા હતા એવી જ રીતે કોઈ આશરો શોધતું શોધતું અહીં આવ્યું હતું, અને ખુબ જ અનરાધાર વરસાદ વરસતો હોવાથી તરત જ તેને અંદર બોલાવ્યા. ત્રણેય લોકો બેસી ગયા અને વાતચીત કરવા લાગ્યા. હવે સૂવાની જગ્યા ન હતી.
થોડો સમય પસાર થયો કે ફરી પાછો કોઈએ દરવાજો ખખડાવ્યો. ફરી પાછું રાકેશે તેની પત્ની માલતીને કહ્યું દરવાજે કોણ આવ્યું છે જરા દરવાજો ખોલો.
માલતી એ કહ્યું હવે તમે શું કરશો? આપણી પાસે જગ્યા નથી ફરી પાછો કોઈ આશરો માંગ્યો તો આપણે શું કરીશું?
રાકેશ એ કહ્યું ભલે બેસવાની જગ્યા ન હોય પરંતુ ઉભા રહેવાની ઘણી જગ્યા છે, આપણે ઊભા રહીશું. તમે દરવાજો ખોલો. અત્યારે આવા વરસાદમાં લગભગ કોઈ ખૂબ જ મજબુર માણસ જ આવ્યો હશે.
પત્નીએ દરવાજો ખોલ્યો બહાર ઊભેલા અજાણ્યા વ્યક્તિ આશરો માંગવા માટે જ આવ્યા હતા, અનરાધાર વરસાદ હજુ ચાલુ હતો અને તેની ઝુંપડીમાં ચાર લોકો હવે થઈ ચૂક્યા હતા.