દીકરાએ લગ્નના થોડા મહિના પછી કહ્યું હું મારું પોતાનું ઘર બનાવીને ત્યાં રહેવા જવા માંગુ છું, ઘર બનાવીને માતા-પિતાને ત્યાં લઈ ગયો અને કહ્યું...
દરરોજની જેમ આજે પણ સવારે કાર્તિક તૈયાર થઈને નીચે આવ્યો, દર્શન કર્યા, ચા નાસ્તો કર્યા, ત્યાર પછી ઓફિસે જવા લાગ્યો. ઓફિસે જતા જતા પિતાને કહેતો ગયો પપ્પા નવું ઘર હવે થોડા જ સમયમાં તૈયાર થઈ જશે, કદાચ તો નવરાત્રી પહેલા જ થઈ જશે.
એટલે એવું વિચારી રહ્યો છું નવરાત્રી ઉપર ત્યાં રહેવા જતો રહું. આટલું કહીને ત્યાંથી ઓફિસે જતો રહ્યો.
પિતા ત્યાં હોલમાં બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા અને માતા પણ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને શાક સમારી રહ્યા હતા, કાર્તિકે જે તેના પિતાને કહ્યું તે સાંભળ્યું.
પરેશભાઈ અને ભાવના બેન નું એક માત્ર સંતાન કાર્તિક હતું. છેલ્લા થોડાક દિવસોથી કાર્તિક ઉપરથી આવે તૈયાર થઈ જાય અને ઘરનું કામ કેટલું આગળ વધ્યું તેના સમાચાર આપીને ઓફિસ જતો રહે.
કાર્તિક ના લગ્ન છ મહિના પહેલાં જ કરવામાં આવ્યા હતા, ખૂબ જ ધામધૂમથી એકના એક દિકરાના લગ્ન પરેશભાઈ અને ભાવનાબેન એ કર્યા હતા. કાર્તિક અને તેની પત્ની શીતલ બંને એકબીજાથી ખુશ હતા અને લગ્નજીવનનો આનંદ માણી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
૪ વ્યક્તિના પરિવારને રહેવા માટે પરેશભાઈ નું ઘર નાનું નહોતું, ત્રણ બેડ રૂમનું આ ઘર ખુબ જ સુંદર સજાવ્યું હતું. આખી જિંદગીની કમાણી એ ઘરમાં નાખી દીધી હોય એ રીતે ઘરને એકદમ સુંદર સજાવીને બનાવ્યું હતું.
પરંતુ લગ્નના થોડા જ મહિના પછી જ્યારે કાર્તિકે તેના પિતા પાસે આવીને કહ્યું હતું કે પપ્પા હવે હું પણ એક ઘર બનાવવા માંગુ છું. મારે પણ મારું પોતાનું ઘર હોય એ સપનું પૂરું કરવું છે.
આ સાંભળીને પરેશભાઈ અને ભાવનાબેન બંને આશ્ચર્ય ચકિત રહી ગયા હતા કારણકે લગ્નના થોડાક મહિના પછી જ દીકરો પોતાના બીજા ઘર બનાવવાની વાત કરતો હતો એટલે માતા-પિતાને એમ થયું કે તો આ ઘર કોનું છે?
ત્યારે કાર્તિકે જવાબ આપ્યો કે પપ્પા તો તમારું ઘર છે હું મારા ઘરને મારી મહેનતથી બનાવવા માગું છું. મને ખૂબ જ સારી નોકરી મળી છે અને સેવિંગ્સ પણ કરી ચુક્યો છું. એટલે હવે મારું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માંગુ છું.
માતા-પિતા બંને થોડા દુઃખી થયા આખરે દીકરો કેમ નવું ઘર બનાવવા માંગે છે શું દીકરો અલગ થવા માંગે છે? એમ ઘણા બધા સવાલો તેના મનમાં આવ્યા પરંતુ તેના દીકરાને તેઓએ આગળ એક પણ સવાલ ન કર્યો. પિતાએ માત્ર એટલું કહ્યું ભલે દીકરા તારી જેવી ઈચ્છા.
આ વાત થયા ને પણ આઠ મહિના જેટલો સમય વીતી ગયો હતો અને આઠ મહિનામાં કાર્તિકે અને શીતલ એ બંને એ મળીને ઘર કેવું બનાવવું તેના નિર્ણયો પણ લીધા હતા અને હવે બસ થોડા જ સમયમાં ઘર તૈયાર થઇ જવાનું હતું.
કાર્તિક આ આઠ મહિનાના સમયગાળામાં તેના પિતા સાથે ઘર વિશે ચર્ચા કરતો પરંતુ ગણીને પાંચથી છ વખત માત્ર ઘર વિશે સલાહ માંગી હશે બાકી તો એક બે વખત પરાણે તેના માતા-પિતાને ઘર બનતું હતું એ જોવા લઈ ગયો હતો પરંતુ માત્ર ઘર ની જગ્યા જોઈને બધા લોકો પાછા ફરી ગયા હતા બસ ઘર અંદરથી કઈ રીતે બનશે એ કંઈ ચર્ચા કરવાનું જાણે જરૂરી ન લાગ્યું હોય એવું વર્તન કાર્તિક નું હતું.
માતા-પિતાએ સામેથી પણ તેને કશું પૂછ્યું નહીં, પિતા તો હજુ પણ પોતાની જાતને ક્યારેક સમજાવી લેતા પરંતુ ભાવનાબેન તો જાણે અંદરથી તૂટી ગયા હતા. એકનો એક દીકરો જેને જીવ થી વધારે પ્રેમ કર્યો હોય એના લગ્ન થયાના થોડા જ મહિનામાં એ આવી વાતો કરે અલગ રહેવા માટે ઘર બનાવે. એટલે હવે ધીમે ધીમે તે કાર્તિક નો બોલ્યા વગર જ જાણે તિરસ્કાર કરવા લાગ્યા હોય એ રીતે રહેવા લાગ્યા હતા.
સાસુ-વહુ વચ્ચે ઝઘડા થયા હોય કે આ ઘરમાં રહેવું ન ફાવતું હોય અથવા આ ઘરમાં સગવડતા ઓછી હોય તો વસ્તુ અલગ છે પરંતુ પરેશભાઈ ના ઘરમાં પણ કોઈ ખામી નહોતી અને વહુ સાથે આજ સુધીમાં કોઇ પણ વખત ભાવનાબેન ને જરાપણ ઝઘડો થયો.
શીતલ ના માતા પિતા આર્થિક ધોરણે કાર્તિક કરતા અનેક ગણા પૈસા વાળા હતા પરંતુ શીતલ ના વ્યવહાર માં જરાપણ અભિમાન નહોતું.
ભાવનાબેન ઘણી વખત એકલા હોય ત્યારે વિચારોમાં ખોવાઈ જતા કે આખરે આપણે એવું તે કયું પાપ કર્યું હશે કે જેના કારણે આવું ફળ મળ્યું? એકનો એક દીકરો પણ થોડા જ સમયમાં હવે ઘર છોડીને ચાલ્યો જશે. દીકરી જેવી વહુ પણ થોડા જ સમયમાં ચાલી જશે આવા વિચાર માત્રથી તેની આંખમાંથી આંસુ નીકળી પડતા.
ભાવનાબેન ના સાસુ સસરા ની દિલથી સેવા કરી હતી, કોઈ દિવસ તેના સાસુ સસરાનું જરાપણ અપમાન નહોતું કર્યું. અને તેની સાસુએ તો અંતિમ સમયમાં એવા આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન તને હંમેશા ખુશ રાખશે પરંતુ જાણે કોઈની ખરાબ નજર લાગી ગઇ હોય એમ હવે પરિવાર જાણે અલગ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
ધીરે-ધીરે સમય વીતતો ગયો અને પોતાના દિલને દિલાસો આપીને સમજાવતા રહેતા. એક વખત આ વાત તેઓએ પરેશ ભાઈ ને પણ કરી ત્યારે પરેશભાઈ એ કહ્યું અરે તને જ્યારે પણ મન કરે ત્યારે તું કાર્તિકના ઘરે જતી રહેજે, આપણો દીકરો પ્રગતિ કરી રહ્યો છે આટલી નાની ઉંમરમાં તે ખૂબ જ સારી કમાણી કરી રહ્યો છે અને હવે તે પોતાનું ઘર બનાવી રહ્યો છે તો આ વાત ઉપર દુઃખી ના થવું જોઈએ અલબત્ત તેની પ્રશંસા કરવી જોઈએ.
મનમાં તો પરેશભાઈને પણ દીકરા થી અલગ થવાનું દુઃખ હતું પરંતુ એ દુઃખ માત્ર તેના દિલ પૂરતું જ સીમિત રાખતા. અને કોઈ પણ એને કંઈ પણ પૂછે તો કશું જણાવતા નહીં. કાર્તિક જે પણ કંઈ કહે એમાં પોતે જાણે ખુશ હોય એ રીતે જ વર્તન કરતા.
થોડા સમયમાં ઘરનું બધું કામ પૂરું થઈ ગયું એટલે રોજની જેમ એક દિવસ કાર્તિક નીચે આવીને પિતાને કહ્યું પપ્પા હવે ઘર નું કામ બસ પુરું જ થવા જઈ રહ્યું છે, અને નવરાત્રિમાં જ રહેવા જવાનો વિચાર છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
નવરાત્રી નજીક આવી એટલે ગૃહપ્રવેશની લગભગ બધી તૈયારી કરી ચૂક્યા હતા, શીતલ અને કાર્તિક તો પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. કાર્તિક અને શીતલ અચાનક બંને નીચે આવ્યા અને પિતાના રૂમમાં જઈને કહ્યું પપ્પા આ કપડાં પહેરીને તૈયાર થઈ જાઓ આપણે બસ હવે થોડીવારમાં નીકળવું છે.
તેના માતા અને પિતા બંને માટે નવા કપડાં લઈને કાર્તિક અને શીતલ આવ્યા હતા. પરેશભાઈ માટે કુર્તા પાયજામા અને માતા માટે એક અતિ સુંદર તેની પસંદગી ની સાડી લીધી હતી. બસ કપડા આપીને એ લોકો બહાર નીકળી ગયા એટલે અંદર પરેશભાઈ અને ભાવનાબેન હજુ વિચારી રહ્યા હતા કે શું કરવું એવામાં કાર્તિકે ફરી પાછું કહ્યું મુહૂર્ત નો સમય નજીક છે એટલે જલ્દી તૈયાર થઈ જજો.
માતા-પિતાને અંદરથી જાણે કોઈ ઉત્સાહ નહોતો પરંતુ તેને આવવાનું કહ્યું છે તો જય આવીએ બસ એટલા માટે બંને કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. અને નીચે ઉતરીને ગાડીમાં બેસી ગયા.
આખા રસ્તે ગાડીમાં અંદર ભાવનાબેન તો એક શબ્દ પણ નહોતા બોલી શકતા. ઘણા સમય પહેલા મધુર ઘર જોયું હતું ત્યાર પછી સીધા આજે જઈ રહ્યા હતા, અને અલબત્ત ત્યારે જોયા પછી ફરી પાછું જવાની કાર્તિક ને જરૂર પણ નહોતી લાગી એટલે જ કદાચ માતા-પિતાને લઈને ઘર જોવા નહોતો ગયો.
થોડા સમયમાં ઘર આવ્યું એટલે કાર્તિકે ગાડી ઉભી રાખી, નીચે ઉતરીને ઘર જોયું પરેશભાઈ અને ભાવનાબેન અવાક રહી ગયા. કારણકે ખૂબ જ આધુનિક ઘર ની ડિઝાઇન અને સાથે સાથે બહાર જ એક સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કોઇપણ બહારથી આ ઘર જોવે તો આશ્ચર્ય ચકિત રહી જાય એવું ભવ્ય ઘર બનાવ્યું હતું. કાર્તિકે માતા-પિતાના બંને નો હાથ પકડી અને અંદર લઈ આવતા કહ્યું ચાલો હું તમને અંદર લઈ જાવ.
ઘરનું કામ પુરું થવામાં હતું એ સમયે છેલ્લા કેટલાક દિવસથી તો કાર્તિક તેના માતા-પિતા સાથે બસ સવારે વાત કરતો એ જ બાકી કશું વાત નહોતી કરી.
બંનેને ઘરમાં અંદર લઈ ગયા ત્યાં નેમ પ્લેટ વાંચી અને માતા-પિતા બંને સ્તબ્ધ થઈ ગયા કારણકે નેમ પ્લેટ ઉપર લખ્યું હતું, માતા-પિતા બંનેનું નામ...
ભાવનાબેન નું હૃદય જાણે વધારે ઝડપથી ધડકવા લાગ્યું, શીતલ આ બંને લોકોની થોડી આગળ ઊભી હતી અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહી હતી, માતા પિતા નું રિએક્શન કેવું હશે લગભગ એનો જ વિડીયો ઉતારવાની કોશિશ કરી રહી હતી.
શીતલ ત્યાં ઉભા ઉભા થોડી હસવા લાગી અને કહ્યું આવો મમ્મી પપ્પા તમારા નવા ઘરમાં તમારું સ્વાગત છે.
બન્ને નજીક આવ્યા એટલે શીતલ એ બંનેના હાથમાં નવા ઘરની ચાવી સોંપી દીધી કાર્તિક આવીને તેના માતાપિતાને પગે લાગ્યો અને કહ્યું મમ્મી હવે નવા ઘરમાં ભગવાન માટે તમારા હાથે કંઈક પ્રસાદી બનાવો.
ભાવનાબેન કશું સમજી નહોતા શકતા કે શું થઈ રહ્યું છે, એવામાં તેને પ્રસાદી બનાવવાનું કહ્યું. તેના આંખમાંથી આંસુ સરી પડ્યા, શું બનાવવું તેનો વિચાર કરવા લાગ્યા. અંતે નક્કી કર્યું કે લાડવા બનાવશે જે કાર્તિકને પણ ખૂબ જ ભાવતા.
હજી રસોડામાં જતા હતા ત્યાં જ કાર્તિક હાથ ખેંચીને લઇ ગયો અને કહ્યું જોવા મમ્મી પપ્પા આ તમારો રૂમ છે એમ કહીને તેનો રૂમ તેને બતાવ્યો અને કહ્યું આ રૂમમાં બધું તમારી પસંદગીનું રાખ્યું છે તેમ છતાં જો અમારી પસંદ કરવામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કેજો.
અને પપ્પા જેમ તમારું સપનું હતું કે આપણે જાગીને તરત જ સૂરજની પહેલી કિરણ આપણા રૂમમાં આવે અને તેનાં દર્શન થાય તેમજ બારીની બહાર નજર કરીએ તો હરિયાળી વાળો બગીચો જોવા મળે બસ એ જ રીતે આ ગોઠવણી કરી છે.
અને બગીચામાં તુલસીનું વૃક્ષ પણ રાખ્યું છે જે હંમેશા મમ્મી રાખવા માટે ઇચ્છતા હતા. અને એવામાં જ તેના પિતાની નજર બગીચામાં રહેલા ગુલાબના છોડ પર ગઈ. જુના ઘરે એક ગુલાબ નો છોડ હતો જે છોડ જગ્યાના અભાવને કારણે ત્યાંથી હટાવી દીધો હતો એ જોઇને માતા પિતા બંને ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે કાર્તિક ને તો બધું યાદ છે.
એવામાં કાર્તિક પાછળ ઉભા ઉભા બોલ્યો મમ્મી તમારા હાવભાવ હું જોઈ રહ્યો હતો આટલા સમયથી... એક સમયે મને એવું પણ થયું કે હું બધું તમને સાચું સાચું જણાવી દઉં પરંતુ તમને તો ખબર જ છે કે મને સરપ્રાઈઝ આપવી ખૂબ જ ગમે છે અને એટલા માટે જ મેં તમને આજે સરપ્રાઇઝ આપી.
તમે શું એવું વિચારતા હતા કે હું તમારા બંને વગર એકલો રહી શકીશ. અરે હું તમારા બંને વગર કેવી રીતે ખુશ રહી શકું? અને હા આ સરપ્રાઈઝ તો ખરી જ પરંતુ તમને આજે શીતલ પણ એક નવી સરપ્રાઈઝ આપવાની છે.
માતા-પિતા બંને પાછળ ફરીને શીતલ સામે જોવા લાગ્યા. ત્યારે શીતલ એ ઈશારો કરીને કહ્યું આપણા નવા ઘરમાં હવે નવું મહેમાન આવવાનું છે, ઈશારો કરીને કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે. કાર્તિકે કહ્યું આ વાતની શીતલને પાંચ દિવસ પહેલાં જ ખબર પડી પરંતુ એ તમને કહેવા માટે આવી રહી હતી ત્યારે મેં તેને કહ્યું એક મોટી સરપ્રાઇઝ આપી રહ્યા છીએ તો એની સાથે સાથે બીજી તેનાથી પણ વિશાળ સરપ્રાઈઝ આપીશું.
માતા-પિતા બંને એકદમ રાજી થઈ ગયા અને શીતલ અને તેની સાસુ એકબીજાને ભેટી પડ્યા. દીકરો પણ માતાને ભેટી પડ્યો અને કહ્યું તમે આપેલા સંસ્કાર હું ભૂલી નથી ગયો એટલે હવે ક્યારેય એવું ન વિચારતા કે આપણો દીકરો આપણને છોડીને એકલો રહેવા જશે.
પિતા કહેવા લાગ્યા કે પરંતુ બેટા હવે ઓલા ઘરે કોણ રહેશે એ ઘર હવે ખાલી ખાલી થઈ જશે ત્યારે કહ્યું આ ઘરમા ઓફિસથી નજીક છે એટલે આપણે બધા અહીં જ રહીશું, અને જ્યારે પણ રજા હોય ત્યારે અથવા વીકેન્ડમાં આપણે પેલા ઘરે રહેવા જતા રહેશું.
પરેશભાઈ અને ભાવનાબેન એકદમ ખુશ હતા, પાછલા ઘણા સમયથી જે ચિંતાઓ તેને સતાવી રહી હતી. એ ચિંતા હકીકતમાં સાચી પણ નહોતી અને આજે દિકરાની ઘરે પણ સંતાન આવવાનું છે એ જાણીને પરિવાર આંખો અત્યંત ખુશ થઈ ગયો હતો અને ભાવનાબેનને ખરેખર તેના સાસુ ની યાદ આવી ગઈ જેણે કહ્યું હતું કે તને દુનિયાભરની બધી ખુશીઓ મળે. સાચે જ તેના સાસુ નો હાથ તેના માથા પર હોય એવો અહેસાસ થવા લાગ્યો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.