ભિખારીએ બે વખત પાણી માગ્યું, જેવું ત્રીજી વખત માંગ્યું કે દુકાનદાર ગુસ્સે થઈ ગયો અને ભિખારીને કહ્યું…

ઉનાળાનો સમય હતો, ગરમી દિવસે ને દિવસે વધતી જતી હતી. આજે પણ એવું જ હતું જાણે ગરમીનો પારો 50 ઉપર ચાલ્યો ગયો હોય એવી ગરમી મહેસૂસ થતી હતી.

દુકાનમાં એક શેઠ બેઠા હતા, બપોરે જમવા નો ટાઈમ થઇ ચુક્યો હતો. શેઠની દુકાનમાં લગભગ ત્રણેક જેટલા માણસ કામ કરતા હતા, બપોરે જમવાનો સમય થાય એટલે ત્રણે જણા જમવા જતા અને એક કલાક પછી બધા લોકો પાછા આવી જતા.

શેઠનો ધંધો પણ ખૂબ ચાલતો, પરંતુ હા સ્વભાવે થોડા અભિમાન વાળા હતા.

બપોરના માણસ જમવા ગયા હતા એટલે તે પોતે ત્યાં બેસીને હિસાબ કરી રહ્યા હતા. શેઠ નું ટિફિન તો દુકાનમાં જ આવી જતું, તે જમવા જતા નહીં.

એવામાં ત્યાંથી એક ભિખારી પસાર થઈ રહ્યો હતો, શેઠ ની દુકાન શિવાય આજુબાજુમાં કોઈની દુકાન ખુલ્લી ન હતી, કારણકે જમવાનો સમય હોવાથી લગભગ દરેક લોકો પોતાની દુકાન બંધ કરીને જમવા જતા, અને શેઠ નિત્યક્રમ પ્રમાણે ટીફીન આવ્યું એટલે ટિફિનમાંથી જમીને પછી ત્યાં બેઠા બેઠા હિસાબ કરી રહ્યા હતા.

ભિખારી ની નજર શેઠ ની દુકાન પાસે ગઈ, તે ઘણા સમયથી બજારમાં આમતેમ આંટા મારી રહ્યો હતો. પગમાં ચપ્પલ પણ થોડા તૂટેલા એવા પહેર્યા હતા એટલે ચાલવાનું ફાવતું ન હતું. ઘણા સમયથી તેને તરસ લાગી હતી પરંતુ આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી.

ઘણા સમય ચાલ્યા પછી આખરે તેને પેલા શેઠ ની દુકાન જોઈ એટલે મનોમન વિચાર્યું કે હાંશ અહીં મને પાણી મળી જશે.

શેઠની દુકાનમાં ઠંડા પાણીનો જગ કાયમ માટે પડ્યો રહેતો, દુકાનમાં પ્રવેશીને દુકાન ના છેડા સુધી જાય ત્યારે દુકાન ના અંતમાં જ પાણીનો જગ રાખેલો હતો.

દુકાન સુધી પેલો ભિખારી ગયો પછી જોયું તો શેઠ બેઠા-બેઠા હિસાબ કરી રહ્યા હતા, એટલે તરત જ તેણે શેઠને કહ્યું માલિક બહુ તરસ લાગી છે મને થોડું પાણી આપશો?

શેઠ હિસાબ કરી રહ્યા હતા એટલે ચશ્મા નીચેની બાજુ હતા. મોઢું તો તેનું નીચે જ હતું પરંતુ આંખની નજર ઉંચી કરીને જોયું કે કોણ બોલાવી રહ્યું છે? જોયું કે ભિખારી જેવો કોઈ માણસ છે. તેણે કહ્યું માણસ બહાર ગયો છે, થોડા વખત સુધી ત્યાં ઉભો રહે હમણાં માણસ આવી જશે.

ભિખારી ને થયું ઠીક છે હું અહીં થોડા સમય સુધી ઊભો રહી જાઉં છું. આટલા સમય સુધી રાહ જોઈ તો થોડા સમય હજુ રાહ જોઈ શકીશ.

એક મિનિટ બે મિનિટ એમ ધીમે ધીમે સમય વીતતો ગયો, તે વારંવાર શેઠ ની સામે જોઈ રહ્યો હતો પરંતુ શેઠ તો હિસાબ કરવામાં જાણે મગ્ન થઈ ગયા હતા.

અંદાજે 15 મિનિટ જેટલો સમય વીતી ગયો પરંતુ ત્યાં માણસ આવ્યો નહીં એટલે પેલા ભિખારીને ફરીથી શેઠને કહ્યું કે શેઠ થોડું પાણી આપો ને મને ગળુ સુકાઈ રહ્યું છે.

શેઠે ફરી પાછો તોછડાઈથી જવાબ આપતા કહી દીધું કે હજુ માણસ નથી આવ્યો, માણસ આવશે એટલે તને પાણી મળી જશે.

ભિખારી ફરી પાછો ત્યાં ઊભો રહી ગયો, પાંચ મિનિટ જેટલો સમય ફરી પાછો પસાર થયો માણસ આવ્યો નહીં એટલે ભિખારી એ તરત જ પેલા શેઠને કહ્યું કે શેઠ મારે માત્ર એક જ ગ્લાસ પાણી પીવું છે, આ તરસને કારણે જીવ જતો હોય તેવું લાગે છે.

શેઠ હવે ગુસ્સે થઈ ગયા અને ગુસ્સે થઈને કહ્યું અરે તને ખબર નથી પડતી, મે કેટલી વાર તને કહ્યું કે માણસ નથી માણસ આવે એટલે તને પાણી આપી દેશે.

ભિખારીએ શેઠ ને જવાબ આપતા કહ્યું કે સાહેબ, તમે જ થોડી વાર માણસ બની જાવ ને.

ભિખારીના આ શબ્દો સાંભળીને શેઠ શું જવાબ આપે, તેની પાસે જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.

આ સ્ટોરી માં થી ઘણું શીખવા મળે છે કે ઘણી વખત જાણતા કે અજાણતા આપણાથી પણ એવું વર્તન થઇ જતું હોય છે.

આપણે બધા અધિકારીઓ, એન્જિનિયર, ડોક્ટર, વકીલ, ખેડૂત, બિઝનેસમેન, સેલ્સમેન તો દરરોજ હોઈએ છીએ. પરંતુ ધ્યાન રાખવું કે આપણા હોદ્દા માં એટલા ના જોડાઈ જઈએ કે ક્યારેક માણસ બનવાનું જ રહી જાય.

જો તમને સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ આપજો.

error: Content is Protected!