આ વખતે જો પગાર વધે તો પતિ તેની પત્નીને એનિવર્સરી માં કુલર ભેટમાં આપવાનો હતો, પરંતુ એનિવર્સરીના દિવસે પગાર આવ્યો તેમાં તેને…

અભય ના લગ્ન થયાને થોડો જ સમય થયો હતો, અભય પોતે સામાન્ય નોકરી કરતો હતો જેમાંથી ઘરનો મહિનાનો ખર્ચ નીકળી જતો. ઘરમાં અભયના માતા-પિતા અભય અને તેની પત્ની એમ કુલ ચાર સભ્યો રહેતા હતા.

લગ્નને છ મહિના ઉપરનો સમય થઈ ચૂક્યો હતો.

અભયને આ પગાર માં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ પડતું હોવાથી તેને તેના સાહેબને બે મહિનાથી પગાર વધારવા માટે કહ્યું હતું. પરંતુ આવતા મહિને આવતા મહિને એમ કહી તેના સાહેબ આ વાત ને ટાળી દેતા. ઘણી વખત કોઈ વધારાનો ખર્ચ આવી જાય તો અભય પોતાની થોડી ઘણી બચતમાંથી તે ખર્ચ ઉઠાવતો.

થોડા સમય પછી અભયના લગ્નને એક વર્ષ થવાનું હતું. ઘણા સમયથી અભય એક જ વિચારમાં હતો. એનિવર્સરી ઉજવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, પરંતુ સાથે સાથે જ્યારે પગાર હાથમાં આવતો અને એક પછી એક ઘર ખર્ચમાં બધા રૂપિયા વપરાઈ જતા ત્યારે ફરી પાછો મનમાં ને મનમાં વિચારતો કે એનિવર્સરી આ વખતે નહીં ઉજવી શકાય.

અભય દર મહિને બધા જ ખર્ચનો હિસાબ રાખતો, અને કઈ જગ્યાએ ઓછો ખર્ચ કરીને બચત કરી શકાશે એ તેની પત્નીને પણ સમજાવતો. તેની પત્ની પણ સમજુ હોવાથી અભયની બધી વાત સમજતી અને બને તેટલી કરકસર કરીને ઘર ચલાવવાનો પ્રયત્ન કરતી.

આમ અભય મહિને મહિને થોડા પૈસા બચાવતો, હવે એનિવર્સરી ને થોડા જ દિવસો બાકી હતા અને અભય પાસે થોડા પૈસા પણ બચેલા પડ્યા હતા. પરંતુ એનિવર્સરી ના દિવસે પત્નીને ભેટ તરીકે શું આપવું? એ બધુ વિચારતો, પરંતુ સાથે એમ પણ નક્કી કર્યું હતું કે જે ભેટ લેશે તે એનિવર્સરી ના દિવસે જ લેવા જશે. કારણ કે ઘણી વખત અભય સાથે એવું બનતું કે બચાવેલા પૈસા બીજે ક્યાંય ખર્ચે તે પહેલા અચાનક જ કોઈ બીજો ખર્ચો આવી જાય તો તેમાં ખર્ચ થઇ જતા.

ગરમીના દિવસો હોવાથી ઘરમાં અત્યંત ગરમી થતી, લગ્ન વખતે જ કુલર વસાવવું હતું પરંતુ પૈસાની તંગીને કારણે તે સમયે કુલર લેવાનું રહી ગયું. અભય હવે વિચારી રહ્યો હતો તો તેનો પગાર વધી જશે તો આવનારા પગારમાંથી તે એનિવર્સરી ની ભેટ ની સાથે કુલર પણ લઈને જશે.

એનિવર્સરીનો દિવસ હતો, અભય નો પગાર તો આવી ગયો હતો પરંતુ તેનો પગાર આ વખતે પણ વધીને નહોતો આવ્યો. એટલે આ વખતે પણ કુલર લેવાનું રહી જશે બસ આ જ વિચાર તેને આવ્યા કરતો. પત્નીએ સામેથી કોઈ દિવસ કુલર લઈ આવવાની વાત નહોતી કરી, તેમ છતાં અભય વિચારતો કે હું એને એનીવર્સરી ની ભેંટ સાથે કુલર પણ લઈ આપીશ.

એનિવર્સરી ના દિવસ સુધી તેને બચાવેલા પૈસા ખર્ચ નહોતા થયા, એટલે નોકરીમાંથી રજા મળી એટલે તરત જ તે પત્ની માટે ચાંદીની પાયલ ની એક જોડી લેવા ગયો, ત્યાંથી બહાર બજારમાં જઈને એક કેક ની ખરીદી કરી. અને બજારમાંથી સારી લાગી એવી પત્ની માટે થોડી બંગડી લીધી. બાજુમાં જ ફ્રીઝ કુલર વગેરેની દુકાન હતી, બહારથી કુલર જોઈને અભય દુકાનની અંદર ગયો કુલર નો ભાવ પણ પૂછ્યો પરંતુ તેની પાસે એટલા બધા પૈસા બચ્યા નહોતા એટલે દુકાનદારને કહ્યું હું પછી આવીને લઈ જઈશ.

બધું લઈને ઘરે પહોંચે છે, ઘરે જઈને તરત જ ફ્રેશ થઈને બધા લોકો જમવા બેસે છે. જમી લીધા પછી અભય અચાનક જ તેની પત્નીને કહ્યું હેપ્પી એનીવર્સરી, પત્નીએ જવાબમાં કહ્યું કેટલી વખત કહેશો, સવારના અત્યાર સુધીમાં મને કેટલી વખત તમે હેપી એનિવર્સરી કહી દીધું.

અભય એ કહ્યું સવારથી અત્યાર સુધીમાં ઘણી વખત કહ્યું હશે, પરંતુ અત્યારે કીધું તે ખૂબ જ સ્પેશ્યલ છે. એમ કહી પોતાના ઓફિસના બેગ માંથી ચાંદીની પાયલ કાઢીને તેની પત્નીને દેખાડી. પાયલ જોઈને પત્ની એકદમ ખુશ થઈ ગઈ, પછી તરત જ કેક પણ લઈ આવ્યો અને બધા લોકોએ સાથે એક ખાઈ ને તેની એનિવર્સરી ઉજવી.

ઉજવણી પૂરી થઈ હોવા છતાં અભય હજુ પણ કુલર ના વિચારમાં ખોવાયેલો હતો, એટલે તેની પત્નીએ તેને પૂછ્યું તમે શું વિચારી રહ્યા છો? અભય ઈશારો કરીને કહ્યું હું કશું નથી વિચારી રહ્યો.

તેમ છતાં પત્નીને થોડો અંદાજો આવી ગયો એટલે તેણે કહ્યું તમે મારા માટે ચાંદીની પાયલ લઈ આવ્યા છો આપણે બધા કેક ખાઈને ઉજવણી કરી આનાથી વિશેષ ખુશી શું હોય? તેમ છતાં તમે ખુશ નથી એવું લાગી રહ્યું છે, શું વાત છે કહો ને?

અભય એ કહ્યું અરે કંઈ જ નથી. હું કંઈ નથી વિચારી રહ્યો. પત્ની આવું બોલી એટલે અભય પણ ખુશ થઈ ગયો, કારણ કે તેના મગજમાં હવે કુલર નો વિચાર જતો રહ્યો, અભય વિચાર કરી રહ્યો હતો કે દરેક લોકો પ્રેમમાં એવું ઈચ્છે છે કે તેઓ તાજમહેલ બનાવે પરંતુ જીવનનું સત્ય તો એ જ છે કે બે ટાઈમ ની રોટલી નો જુગાડ થઈ જાય.

અભય તેની પત્નીને ખુશ જોઈને પોતે પણ અંદરથી ખુશ થઈ ગયો, અભય એ જ વિચારી રહ્યો હતો કે જિંદગી કેટલી આસાન થઈ જાય છે જ્યારે તમારા સાથી તમને પરખનારા નહીં પરંતુ સમજનારા હોય.

મિડલ ક્લાસ લોકો વિદેશમાં ફરવા જઈને અથવા મોંઘીદાટ ભેટ સોગાદો આપીને ભલે એનિવર્સરીને ન ઉજવી શકે, પરંતુ એ મોંઘીદાટ એનિવર્સરી ઉજવનારાઓની ખુશીઓ ને ટક્કર મારે એવી ખુશી મિડલ ક્લાસ લોકોમાં પણ જોવા મળે છે. ખરું ને?

તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો, અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

error: Content is Protected!