રેલવેના થર્ડ ક્લાસના ડબ્બામાં આજે બધા લોકો મુસાફરી કરી રહ્યા હતા, એ બધા લોકો માં હાજર એક સંત પણ હતા જે ઘણા દૂરથી વારાણસી દર્શન કરવા માટે આવી રહ્યા હતા. તેમજ ઉત્તર પ્રદેશના અનેક દેવસ્થાનોમાં તેઓએ દર્શન કરવા નું નક્કી કર્યું હતું.
ત્રણ દિવસથી સંત સતત મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ એ સંતને ત્રણ દિવસમાં એક પણ વખત જમવાનું નહોતું મળ્યું. તે સંત કોઈ દિવસ બહાર જમતા નહીં, અને ત્રણ દિવસથી સતત મુસાફરી કરી રહ્યા હોવાથી કોઈના ઘરે થી જમવાનું મળે તેવું નહોતું.
સંત ને ભૂખ તો ખૂબ જ લાગી હતી, પરંતુ સંજોગો એવા હોવાથી તેને જમવાનું મળ્યું નહોતું. તે પોતાના મનમાં આને ભગવાન ની પરીક્ષા સમજી રહ્યા હતા. કારણકે ભગવાન ઉપર તેઓને અત્યંત શ્રદ્ધા હતી.
મુસાફરી દરમિયાન જે પણ નવું સ્ટેશન આવે ત્યાં તેઓ પાણી પીને ફરી પાછા પોતાની જગ્યાએ બેસી જતા. તે સંત સાથે મુસાફરી દરમિયાન એક વેપારી પણ મુસાફરી કરી રહ્યો હતો. એવામાં એક સ્ટેશન આવ્યું એટલે સંત બહાર નીકળ્યા.
પરંતુ આજુબાજુમાં નજર કરી તો, સ્ટેશનમાં ક્યાંય પણ પાણીની વ્યવસ્થા નહોતી. ભૂખ અને તરસથી ખુબ જ માથું ફાટી રહ્યું હતું. તેઓને દરેક સ્ટેશનમાં જમવાનું ન મળતું પરંતુ પાણી મળી જતું, અને આ સ્ટેશનમાં પાણી પણ ન મળ્યું. સંત ફરી પાછા વિચારવા લાગ્યા કે ભગવાન હજુ પણ વધુ પરીક્ષા લઈ રહ્યા છે.
પાણી પણ ન મળ્યું એટલે સંત ફરી પાછા ટ્રેનમાં બેસવા માટે ટ્રેનમાં જઈ રહ્યા હતા એવામાં તેને જાણ થઈ કે આ સ્ટેશન ઉપર train અડધો કલાકથી પણ વધારે રોકાવાની છે. બહાર નીકળીને તે સંત એક વૃક્ષ પાસે જઈને બેસી ગયા.
તેની બાજુમાં મુસાફરી કરી રહેલો વેપારી પણ બહાર આવ્યો, તે વેપારી તેનું ટિફિન ખોલી અને જમવા લાગ્યો. સંત ની હાલત વધુ ને વધુ ગંભીર થતી હતી, હવે કદાચ બેભાન થઈ જાય તેવું લાગી રહ્યું હતું.
એવામાં અચાનક એક માણસ સંત પાસે દોડતો દોડતો આવ્યો, માણસે સાદા કપડાં પહેર્યા હતા. દોડતો દોડતો આવીને જાણે સંતને વર્ષોથી ઓળખતો હોય એમ આવીને બાજુમાં બેસી ગયો. તેની પાસે એક થેલી હતી એ થેલીમાંથી ટિફિન કાઢ્યું સાથે પાણીની એક બોટલ કાઢી અને કહ્યું ચાલો મહારાજ ભોજન કરી લો.