ભૂમિ અને તેના સાસુ બંને રસોડામાં રોજનું કામ કરી રહ્યા હતા અને ભૂમિ રસોઈ બનાવી રહી હતી. થોડા સમય પછી પતિ ઘરે જમવા આવવાના હોવાથી રસોઈનો સમય થઈ ગયો હતો અને બાળકો પણ સ્કૂલેથી ફરી પાછા થોડા જ સમય પછી ઘરે આવવાના હતા.
બાળકો ઘરે આવે કે તરત જ ભૂખ્યા હોવાથી જમવાનું માંગતા અને એટલા માટે જ રોજની જેમ આજે પણ વહુ જમવાનું તૈયાર કરી રહી હતી. ભૂમિ ના લગ્ન થયાને સાત વર્ષ થઈ ચૂક્યાં હતાં. લગ્નના બે વર્ષ પછી ભૂમિ અને કાર્તિકને twins એક દીકરો અને દીકરી આવ્યા હતા.
ભૂમિ ને પિયરમાં એક ભાઈ પણ હતો જેના લગ્ન થઈ ચૂક્યા હતા. થોડા દિવસો પછી રક્ષાબંધન પણ હતી એટલે ભૂમિ વિચારી રહી હતી કે આ વખતે રક્ષાબંધન માં ભાઈને રાખડી બાંધવા માટે તે જઈ આવશે. અને સવારથી સાંજ સુધી બની શકે તો પિયરમાં રોકાશે.
ભૂમિએ રસોડામાંથી બહાર આવીને ઘડિયાળમાં નજર કરી કેટલા વાગ્યા છે, ઘડિયાળ નો સમય એક વાગવામાં 10 મિનિટની વાર હતી. ભૂમિ ફરી પાછી રસોડામાં જાય તે પહેલા તેની શેરીમાંથી loud speaker માં અવાજ આવ્યો.
ભૂમિ સાંભળવા માટે ઊભી રહી ગઇ કે શું અવાજ આવી રહ્યો છે, લાઉડ સ્પીકરમાં કોઈ બોલી રહ્યું હતું. સેલ આવી ગયો છે… સેલ… સેલ… સેલ… લઈ જાઓ એક થી એક નવી સુંદર નવી ડિઝાઈન ની સાડીઓ ખૂબ જ સસ્તી કિંમતો ઉપર… રક્ષાબંધનના તહેવારમાં તમારી બહેનો, નણંદો ને આપવા માટે એક સુંદર ભેટ… 50% ઓછામાં… 1000 રૂપિયાની સાડી માત્ર 500 રૂપિયામાં… જલ્દી ખરીદી કરો… જલ્દી ખરીદી કરો… સેલ સ્ટોક સીમિત રહે ત્યાં સુધી જ ચાલુ રહેશે…
ભૂમિ એ આખા સેલ ની વાત સાંભળી પછી ફરી પાછી રસોડામાં જઈ રહી હતી એવામાં રસોડામાં ઉભા રહેલા સાસુ એ પણ આ વાત સાંભળી હતી સાચુ બહાર આવ્યા અને ભૂમિને કહ્યું, વહુ જા તું બહાર જઈને તારા ફઈ સાસુ માટે સાડી લઈ લે, નહીંતર જો તારા સસરા લેવા જશે તો એ મોંઘી સાડી ઉઠાવી લાવશે.
સાસુમા પોતાની નણંદ વિશે આવું વિચારી રહ્યા હતા અને તેની નણંદ પ્રત્યેની ભાવના તેના શબ્દોમાં છલકાઇ રહી હતી. તે પોતાની નણંદ માટે બને તેટલી સસ્તી સાડી લેવા માંગતા હતા, ભૂમિને આ બધું જોઇને થોડું દુઃખ થયું અને ક્ષણવારમાં જ તે વિચારવા લાગી કે જો મારા ઘરમાં મારી ભાઈની પત્ની એટલે કે મારી ભાભી પણ મારા વિશે આવું જ વિચારતા હશે ને? દર વર્ષે એવું જ થતું હશે?
ભૂમિ ઉભા ઉભા વિચારોમાં ખોવાઈ ગઈ હતી, સાથે સાથે તેને થોડો ગુસ્સો પણ આવ્યો કારણ કે તે તેની સાસુએ કહ્યું તેના સાથે સહમત નહોતી વર્ષમાં એક વખત બહેન કે નણંદ રાખડી બાંધવા આવે તો તેને વર્ષમાં એક વખત પણ સાડી આપવી એ પણ સેલમાંથી સસ્તા માં સસ્તી?
ભૂમિને તેના મનમાં અચાનક જ એક વિચાર આવ્યો અને તરત જ તેને નક્કી કર્યું કે આજે તે પોતાની સાસુને મોઢેથી નહીં પરંતુ કંઈક કરીને સમજાવવાની કોશિશ કરશે.
ભૂમિ તરત જ બહાર લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું તે ગાડી પાસે ગઈ. તે ગાડીમાં એક વેપારી સાડી લઈ ને બેઠો હતો, ત્યાં જઈને ભૂમિએ કહ્યું મને સેલમાંથી બે સાડી આપો.
વેપારી એ ભૂમિ ને પૂછ્યું બહેન આવો તમને સાડીની ડિઝાઈન બતાવું, તમને જે પસંદ આવે તે લઈ લો. ભૂમિ એ થોડા ગુસ્સામાં કહ્યું મારે ડિઝાઇન નથી જોવી, તમે કોઈપણ ડિઝાઇનવાળી 2 સાડી આપી દો.