ગોંડલ તાલુકાનું વાછરા ગામ માં રહેતા દામજીભાઈ સોરઠીયા ખેતીકામ કરીને પોતાના પરિવારને મદદ કરતા હતા. થોડા દિવસો પહેલાં બનેલી ઘટનામાં જ્યારે તેઓ પોતાના ખેતરે હતા ત્યારે એક બાજ પક્ષી એ મધપૂડા ને છંછેડયો હતો જેના કારણે ઝેરી મધમાખીઓ વિફરી હતી.
અને જ્યાં મધપૂડો હતો ત્યાં નજીકમાં જ આવેલા ખેતરમાં મજુરી કામ કરી રહેલા શ્રમિક પરિવારના ચાર નાના બાળકો રમી રહ્યા હતા જેમાં મધમાખીઓએ સીધો હુમલો આ માસૂમ બાળકો ઉપર કર્યો હતો, આ દોઢથી છ વર્ષ સુધીના ઉંમરના માસુમ બાળકો ઉપર હુમલો થતો જોઈ દામજીભાઈ તરત જ બાળકો પાસે દોડી ગયા હતા અને બાળકોને ઝડપથી ગોડાઉનમાં લઈ ગયા ત્યાર પછી ગોડાઉન નો દરવાજો બંધ કરી દીધો.
સામાન્ય રીતે આવી ગંભીર પરિસ્થિતિઓ માણસ પોતાનો જીવ બચાવવા માટે દૂર ભાગતો હોય છે પરંતુ પરિસ્થિતિ પામી ગયેલા દામજીભાઈ એ એક પણ વધુ વિચાર કર્યા વગર તરત જ પોતાનો જીવ જોખમમાં મુકી અને બધા બાળકોને બચાવવા માટે નીકળી ગયા હતા. અને એ ચારે બાળકોનો જીવ બચી ગયા પછી મધમાખીઓ હવે દામજીભાઈ ઉપર તૂટી પડી હતી અને અસંખ્ય ડંખ માર્યા હતા.
તરત જ સારવાર માટે તેને ગોંડલની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ ઝેરી મધમાખીઓ ના ડંખ ના કારણે તેઓ અવસાન પામ્યા હતા. તેઓના પ્રયાસથી શ્રમિક પરિવારના તો ચારેય બાળકો બચી ગયા પરંતુ તેઓ એ પોતાનો જીવ ગુમાવી દીધો. ઝેરી મધમાખીઓ ના ડંખ ની પીડા ભોગવ્યા પછી પણ સેવાભાવી સ્વભાવ ના દામજીભાઈ ના ચહેરા ઉપર બાળકોના જીવ બચાવ્યા નો સંપૂર્ણ સંતોષ દેખાતો હતો.