સાહેબ મને લસ્સી પેક કરી આપો ને, દુકાનદારે મોઢુ બગાડીને કારણ પુછ્યુ તો 10 વર્ષની છોકરીનો જવાબ સાંભળી ત્યાં હાજર બધા લોકો…

ઉનાળાની બળબળતી બપોર હતી. બપોરના અંદાજે સાડા બાર વાગ્યા હશે, એટલે સુરજદાદા ના તાપ નો પ્રકોપ પણ એની ચરમસીમાએ હતો. રસ્તે રખડતા કૂતરાઓ પણ છાયો શોધી રહ્યા હતા. શહેરના પર બજારે વચોવચ મનપસંદ કોલ્ડ્રિંક્સ ની દુકાન આવેલી હતી, ઉનાળાના આવા ભયંકર તાપથી બચવા માટે ઘણા લોકો એ દુકાન પાસે ઉભા રહીને ઠંડા પીણાની મોજ બળબળતી ગરમીમાં માણી રહ્યા હતા.

રોડની બીજી બાજુએ એક છોકરી ઊભી હતી, કપડા ફાટેલા તુટેલા અને ખૂબ જ ગંદા દેખાઈ રહ્યા હતા. છોકરીના વાળ પણ વિખરાયેલા, છોકરી રોડની બીજી બાજુ ઘણા સમયથી ઊભી હતી. છોકરીની ઉંમર આશરે 10 થી 12 વર્ષની વચ્ચે હશે. રોડની બીજી બાજુએ ઉભી ઉભી આ છોકરી મનપસંદ કોલ્ડ્રીંક ની દુકાને ઉભા રહીને ઠંડા પીણાની મજા માણી રહેલા લોકો ની સામે તાકી તાકીને જોઇ રહી હતી.

અચાનક એક ભાઈ નું ધ્યાન આ છોકરી પર ગયું, ભાઈ એ જોયું કે છોકરી તાકી તાકી ને ઠંડા પીણા પી રહેલા આ લોકોને જોઈ રહી હતી. પરંતુ છોકરીનું ધ્યાન હજી આ ભાઈ સામે નહોતું ગયું.છોકરીએ નજર ફેરવી એટલે આ ભાઈ પર તેનું ધ્યાન ગયું, તરત જ પેલા ભાઈએ ઈશારો કરીને છોકરીને નજીક બોલાવી. પણ થોડા સમય સુધી તો છોકરી ત્યાં આવી નહીં કદાચ એના ખૂબ ગંદા અને ફાટી ગયેલા કપડા ત્યાં બધા ઉભા રહેલા માણસો પાસે આવતા રોકી રહ્યા હોય તેવું લાગ્યું, થોડા સમય પછી તે હિંમત કરીને રોડ ક્રોસ કરીને એ નજીક આવી.

જે ભાઈ એ ઈશારો કરીને બોલાવી હતી, તે ભાઈએ છોકરીને પૂછ્યું તારે ઠંડુ પીવું છે? છોકરીથી બોલીને તો કંઈ જવાબ ન આપ્યો બસ તેને હા માં પોતાનું માથું ધુણાવ્યું. સાથે સાથે તેના મોઢામાં પાણી પણ આવી ગયું. તરત જ પેલા ભાઈએ દુકાનદારને એક સ્પેશિયલ ડ્રાયફ્રુટ વાળી લસ્સીનો ઓર્ડર આપ્યો, દુકાનદાર લસ્સી બનાવવા માંડ્યો. થોડા સમય પછી લસ્સી બની ગઈ એટલે દુકાનદારે તે ભાઈને ગ્લાસ આપ્યો, એ ભાઈ ક્લાસ પેલી છોકરીને આપ્યો.

આજુ બાજુમાં ઊભા રહેલા લોકો જોઈ રહ્યા હતા કે આ ભાઈ લસ્સી પોતાના માટે નહીં પરંતુ આ છોકરી માટે મંગાવી હતી. છોકરીના હાથમાં ગ્લાસ આવ્યો એટલે એને ગ્લાસમાં નજર કરી તો ડ્રાયફ્રુટ ને જોઈને તેની આંખો જાણે પહોળી થઈ ગઈ, આભાર કઈ રીતે વ્યક્ત કરવો? તેના ચહેરા પર તો પેલા ભાઈ સમક્ષ ઘણો આભાર દેખાઈ રહ્યો હતો, તેમ છતાં તે ભાઈને છોકરીએ કહ્યું સાહેબ મેં જિંદગીમાં કોઈ દિવસ આવી લસ્સી પીધી નથી. સુગંધ પણ કેવી જબરદસ્ત આવે છે. આટલું કહ્યું અને આટલું કહીને તે લસ્સીનો ગ્લાસ પોતાના હોઠ તરફ આગળ વધાર્યો, પરંતુ હજી લસ્સીનો ગ્લાસ નો મોઢા સાથે સંપર્ક થાય તે પહેલા એને જાણે કંઈ વિચાર આવ્યો, પરંતુ તરત જ ગ્લાસ પાછો લઈ લીધો.

દુકાનદારનું કાઉન્ટર થોડું ઊંચું હતું, છોકરી નાની હોવાથી તેની હાઈટ એટલી બધી ન હતી કે કાઉન્ટર ઉપર સહેલાઈથી ગ્લાસ મુકી શકે, થોડી ઉચી થઈને દુકાનદારને આખેઆખો લસ્સી ભરેલો ગ્લાસ પાછો આપ્યો અને દુકાનદાર ને કહ્યું સાહેબ, મને આ લસ્સી પેક કરી આપશો? નાની કોથળીમાં ભરી આપશો તો પણ ચાલશે. દુકાનદારે પહેલા તો થોડું મોઢું બગાડ્યું. ઘણા બધા ગ્રાહકો ઉભા હતા એમા આ કામ કરવાનું આવ્યું એટલે તેને ગુસ્સો આવ્યો અને છોકરીને કહ્યું, અહીં પીવામાં તારું શું જાય છે? લસ્સીનું પેકીંગ કરાવીને તારે ક્યાં જવું છે શું કરવું છે?

બધા લોકો આ વાત સાંભળી રહ્યા હતા, છોકરીએ જવાબ આપ્યો. તેનો અવાજ બદલાઈ ગયો હતો, તેને દુકાનદારને કહ્યું. સાહેબ આ લસ્સી ખુબ સરસ છે. મારા ઘરે મારો નાનો ભાઈ છે? એને આવી સરસ મજાની લસ્સી પીવા નો મોકો ક્યારે મળે? મારે મારા ભાઈ માટે લઇ જવી છે મને પેક કરી આપો ને.

બધા લોકો ત્યાં ઊભા રહીને આ ઘટના પોતાની આંખો થી નિહાળી રહ્યા હતા, છોકરી એ જવાબ આપ્યો એ સાંભળીને ત્યાં હાજર દરેક લોકોને પોતાની બહેન યાદ આવી ગઇ. અમુક લોકોના આંખમાં ખાલી આંસુ નીકળવાના બાકી હતા, બાકી ત્યાં હાજર દરેક લોકો છોકરીનો આ જવાબ સાંભળીને ભાવુક થઇ ગયા હતા.

એ એક બહેન જ હોય છે જે પોતાના ભાઇ માટે પોતાના નસિબનું હોય અથવા પોતાના ભાગનું હોય તો પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય છે. ભાઈ-બહેનના પ્રેમને શબ્દોમાં ક્યારેય વર્ણવી ન શકાય, ખરું ને?

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!