પવનની લહેરથી સાડીનો પાલવ લહેરાઈ રહ્યો હતો, જયારે અંજનાને પહેલી વાર પગની પાયલનો રણકાર સંભળાયો. એ પાયલ તેના પતિ ગૌરવે પહેરાવી હતી. લગ્ન પછી પહેલી એનિવર્સરી ના દિવસે પતિએ પત્નીને આ ભેંટ આપતા પત્ની ખુશ થઈ ગઈ હતી.
ધીમે ધીમે લગ્નના વર્ષો વીતતા ગયા, ક્યારેક હાસ્યના ધોધ વચ્ચે નાનકડાં ઝઘડા રૂપી તોફાન આવતાં રહ્યાં, પણ અંજના પોતાના જ સાગરમાં તરતી રહી. પરંતુ એક સાંજે ગાઢ કાળા વાદળોની જેમ મુશ્કેલી ફેલાઈ ગઈ અને ભારે વરસાદ પડ્યો.
અંજના અને ગૌરવ વચ્ચેની એ લડાઈ ઝેરી વેલાની જેમ સંબંધની એ દાંડી પર ચઢતી રહી. આંસુની નદીઓ વહેતી રહી, હ્રદયના ટુકડા વિખરતા રહ્યા, અને આખરે પતિ સાથે મોટો ઝઘડો થયા પછી નિરાશામાં અંજના એ તેના ભાઈ કાર્તિકને ફોન કર્યો.
ફોન કરતાની સાથે કાર્તિકે કહ્યું અરે બહેન! ઘણા સમય પછી ફોન આવ્યો, કેમ છો બધા? ને આંખમાં આંસુ ને અવાજમાં હતાશા સાથે પતિ સાથેની અનબન કહી દીધી. ભાઈએ માત્ર એટલા જ શબ્દો કહ્યા, “ઘરે આવી જા બહેન, તારા માટે આ ઘર ના દરવાજા કાયમ ખુલ્લા જ છે” આ શબ્દો તેના તૂટેલા મનના દોરાને બાંધવા માટે સૌથી મજબૂત તાંતણા બની ગયા.
તે તેના ભાઈના ઘર તરફ ચાલી નીકળી. જે તેના માતા-પિતા વિના અધૂરું ઘર હતું પણ ભાઈ એ કોઈ દિવસ કમી આવવા નહોતી દીધી. કાર્તિક ઘરના દરવાજે હાથ લંબાવીને ઊભો હતો. એની આંખોમાં ભેજ ચમકી રહ્યો હતો પણ ચહેરા પર પ્રેમનો દીવો બળી રહ્યો હતો.
તે સાંજે અંજના સમજી ગઈ કે વાસ્તવિક ઘર ફક્ત ઇંટોથી નથી બનતું તે તમારા ચાહનારાઓથી બનેલું હોય છે.
શરૂઆતમાં તો કંઈ વાંધો નહોતો પણ આ બહેન કાયમ માટે અહીં જ રોકાઈ જશે તો એ શંકાના કારણે કાર્તિકની પત્ની શીલાની મીઠાશમાં છુપાયેલું ઝેર ધીમે ધીમે બહાર આવવા લાગ્યું. “બહેન, તમે બહુ જીદ્દી છો હવે ઘરે પાછા ફરવાનું મન બનાવી લો” તે ક્યારેક કટાક્ષના સ્વરમાં કહેતી.
ધીરે ધીરે અંજનાને લાગવા માંડ્યું કે તે આ ઘરમાં હવે મહેમાન માત્ર બની ગઈ છે.