ગામ ના પ્રસિદ્ધ મહાદેવજી ના મંદિર માં આજે એક ચમત્કાર થયો. મંદિર માં સવાર ની આરતી માં એક થાળ પ્રગટ થયો. તેના ઉપર એક કાગળ ની ચીઠી ચોંટાડેલ હતી, જેમાં લખ્યું હતું કે મારા સૌથી વહાલા ભક્ત પાસે આ થાળ આપો આપ પહોંચી જશે. અને જોતજોતામાં આખા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા.
ગામના બધા માણસો મંદિરમાં ઝડપથી આ થાળ જોવા પહોંચવા લાગ્યા. આમ ને આમ બપોરના બાર વાગી ગયા. હવે મંદિર બંધ કરવા નો સમય થઇ ગયો. જેથી પૂજારી એ કહ્યું કે ગામના બધા માણસો ને સાંજે આરતી માં ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવે છે. જેથી મહાદેવજી ના વહાલા ભક્ત ને આ થાળ પ્રસાદી રૂપે મળી શકે.
સાંજે આખું ગામ આરતીમાં હાજર થઇ ગયું ત્યાં મંદિર ની બહાર ઘણા ભિક્ષુક પણ હતા. પણ બધા ને અત્યારે એ વાત ની ઉતાવળ હતી કે મહાદેવજી નો વહાલો ભક્ત કોણ છે? સાંજે આરતી થઇ ને વારાફરતી બધા લોકો મહાદેવજીની નજીક જાય અને દર્શન કરે. પણ થાળ જરા પણ આઘો પાછો થયો નહિ.
બધા વિચારવા મંડ્યા કે ગામ માં હવે તો કોઈ બાકી નથી તો આ વહાલો ભક્ત છે કોણ? ગામ ના બધા માણસો મંદિરમાં અને આજુ બાજુ માં બેસી ગયા એવામાં એક નાના ગામડાનો એક વ્યક્તિ તે ગામ પાસે થી પસાર થયો. મંદિર જોઈ ને તેને પણ એમ થયું કે ચાલ હું પણ દર્શન કરતો જાઉં.
બહાર બેઠેલા એક ભિક્ષુક ને ગંભીર બીમારી હતી. તે સુતો સુતો કણસતો હતો. એ માણસ મંદિર માં જઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન આ ભિક્ષુક પર ગયું,તે તરત જ તે ભિક્ષુક પાસે ગયો અને તેની તકલીફ વિષે જાણ્યું. તેને ભિક્ષુકને કહ્યું કે હું હમણાં જ મંદિર માં દર્શન કરી ને બહાર આવું એટલે તને અમારા ગામ માં લઇ જઈશ અને ત્યાં એક સારા વૈદ્ય છે. તેની પાસે તારી દવા કરાવી આપીશ.