મીના સામાન્ય પરિવારની એકદમ સુંદર અને હોશિયાર દીકરી હતી. તેના પિતાજી ને નાની દુકાન હતી. મીના મોટી થતા હવે તેના માતા પિતાએ નક્કી કર્યું કે સારું ઘર જોઈ ને મીનાના લગ્ન કરી નાખવા, બધા સગાને પણ કહેવામાં આવ્યું કે સારો દીકરો હોય ત્યાં વાત કરજો.
થોડા દિવસ પછી મીનાના ફઈ એક વેવારીક વાત લઇ ને આવ્યા. જે છોકરો ભણેલ ગણેલ હતો અને સુખી પરિવાર હતો. જેમાં ભરત અને તેના માતા બે જ રહેતા હતા. ભરત ને એક બહેન હતી પણ સાસરે હતી જોવાનું ગોઠવાયું. અને મીના ને અને ભરત ને બધી રીતે અનુકૂળ લાગ્યું. એટલે સગાઇ કરવાનું નક્કી કરી નાખ્યું.
સગાઈ થયા પછી બંને પરિવારે ભેગા થઈને લગ્નનું પણ નક્કી કર્યું, બંને પરિવારની સંમતીથી લગ્ન સાદાઈથી નક્કી કરવામાં આવ્યા અને બે મહિના પછી સાદાઈથી લગ્ન પણ થઇ ગયા. મીના સાસરે આવીને રહેવા લાગી.
મીના ના સાસુ અને પતિ બહુ પ્રેમ થી મીના ને રાખતા હતા, એટલે મીના પણ સાસરે આવી અને ખૂબ જ ખુશ હતી. એક દિવસ સવારે અચાનક મીરાના સાસુએ તેને એક બોક્સ આપ્યું, તે બોક્સ તને ખોલીને જોયું તો અંદર સોનાનો ચેન હતો. આવી કિંમતી ભેટ આપી એટલે મીનાએ કહ્યું કે આની શું જરૂર હતી મમ્મી?
ત્યારે તેની સાસુએ જવાબમાં કહ્યું કે હું ઘણા સમયથી આપવા માંગતી હતી, પરંતુ બનતા થોડી વાર લાગી એટલે અત્યારે આપી રહી છું. તું પ્રસંગ આવે ત્યારે આને પહેરજે. તને પસંદ આવ્યો? ત્યારે મીનાએ કહ્યું મને તો અત્યંત પસંદ આવ્યો.
ભરતને નોકરીના કામથી વારંવાર બહાર ગામ જવાનું થતું, એક દિવસે આવી જ રીતે ભરતને નોકરીના કામ ને લીધે થોડા દિવસો માટે બહારગામ જવાનું હતું એટલે તેના મમ્મી એ તેને કહ્યું કે આ વખતે તમે બંને દીકરા વહુ સાથે જાઓ અને ફરી આવો.
ત્યારે મીનાએ કહ્યું કે મમ્મી અત્યારે મારા પપ્પાની તબિયત સારી નથી તો થોડા દિવસો માટે હું પિયર જતી આવું, ફરવા તો અમે પછી પણ જઈ શકીશું. પિયર જતા પહેલા મીના એ તેના સાસુ પાસે જઈને પૂછ્યું તમે આપેલો ચેન પહેરતી જાઉં? ત્યારે સાસુએ કહ્યું એ ચેન તારો જ છે બેટા, તું તારા મમ્મી ના ઘરે ચેન પહેરીને જાય તેમાં મને શું વાંધો? તું જયારે ઈચ્છે ત્યારે પહેરી શકે છે, બસ સાચવીને પહેરજે.