“જુઓ, વાત નીકળી છે તો કહું,” અમે ધીમેથી વાત આગળ વધારી. “આ ઓનલાઈન દુનિયા દેખાય છે એટલી સીધી નથી. એક સમય હતો જ્યારે લોકો પોતાના ઘરના ઉંબરાને જ પોતાની દુનિયા સમજતા, અંગત વાતો બહાર જતી નહોતી. પછી સમય બદલાયો, લોકો બહાર નીકળ્યા, મળવા લાગ્યા. પણ હવે તો જાણે ઉંબરો જ તૂટી ગયો છે. સોશિયલ મીડિયાએ દુનિયાને બહુ નજીક લાવી દીધી છે, પણ સાથે સાથે અંગતતા અને સુરક્ષાનો ખ્યાલ રાખવો પણ મુશ્કેલ બનાવી દીધો છે. એક નાનકડી પોસ્ટ કે રીલ ક્યારે ક્યાં પહોંચી જાય અને શું રૂપ લઈ લે, એ કોઈ નથી જાણતું. લોકોના વખાણ વચ્ચે ક્યારેક નકારાત્મકતા અને ખરાબ નજર પણ આવી શકે છે. આ એક એવો ખુલ્લો ઓટલો છે જ્યાં કોઈ પણ આવીને બેસી શકે છે અને ગમે તે ટિપ્પણી કરી શકે છે.”
અમારી વાત સાંભળીને તેના પિતા થોડા ગંભીર થઈ ગયા. “પણ આ તો આજની જરૂરિયાત છે ને? બિઝનેસ હોય કે પર્સનલ, કનેક્ટેડ રહેવું જરૂરી છે.”
“જરૂરિયાત અને નશો, બંનેમાં ફરક છે,” અમે અમારી વાત પર મક્કમ રહ્યા. “આખો દિવસ આ જ દુનિયામાં વ્યસ્ત રહેવાથી સાચા સંબંધો માટે સમય નથી મળતો. પરિવાર સાથે બેસવા, વાત કરવા માટે કે પોતાના માટે પણ નહીં. આ એક virtual reality છે જે ક્યારેક વાસ્તવિકતાથી દૂર કરી દે છે.”
અમારી વાત પૂરી થાય તે પહેલાં જ તેમની દીકરી અસ્વસ્થ થઈને ઉભી થઈ અને “મારે એક જરૂરી કોલ લેવાનો છે” એમ કહીને બીજા રૂમમાં જતી રહી.
દીકરીના પિતા અસ્વસ્થતાથી સોફા પર પડખાં બદલતા જોઈને મિત્ર ઊભો થયો. અમે કશું બોલ્યા વિના હાથ જોડીને બહાર નીકળી ગયા.
આ સ્ટોરી વિશે તમારો અભિપ્રાય જરૂરથી આપજો…