એક વખત ગણેશજીને પૃથ્વી ઉપર માણસની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. તેઓ પોતાનું રૂપ બદલીને પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા.
તેઓ એક બાળકનું રૂપ ધારણ કર્યું હતું, એક હાથમાં એક ચમચી હતી એ ચમચીમાં દૂધ રાખ્યું હતું અને બીજા હાથ માં એક ચપટી ચોખા હતા અને તેઓ ધરતી પર આવીને શેરીએ શેરીએ ફરવા લાગ્યા. તેઓ શેરીએ-શેરીએ ફરતા-ફરતા અવાજ લગાવી રહ્યા હતા કે કોઈ મારા માટે ખીર બનાવી દો, કોઈ મારા માટે ખીર બનાવી દો… પરંતુ તે જ્યાં પણ ગયા ત્યાં તેની ઉપર કોઇએ ધ્યાન આપ્યું નહીં અમુક લોકો તો તેને સાંભળીને તેની મજાક ઉડાવી રહ્યા હતા. ગણેશજી એક પછી એક બધી શેરીમાં ગયા પછી બીજા ગામડામાં ગયા પરંતુ ગણેશજી માટે કોઈ ખીર બનાવવા તૈયાર ન હતું.
સવારથી સાંજ પડી ગઈ પરંતુ હજી ગણેશજી શેરીએ શેરીએ ફરી રહ્યા હતા.
એક ગામડામાં એક ઘરડી સ્ત્રી રહેતી હતી. સ્ત્રીની ઉંમર ખૂબ વધુ હતી. સાંજનો સમય હતો ઘરમાં પોતે સ્ત્રી એકલી જ રહેતી હતી, તેની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હતી. તે સ્ત્રી પોતાના નાના એવા ઘરની બહાર બેઠી હતી એવામાં ગણેશજી એના ઘર પાસેથી નીકળે છે અને તેઓ સતત બોલી રહ્યા હતા કોઈ મારા માટે ખીર બનાવી દો.
આ વાત તે ઘરની મહિલાએ સાંભળી લીધી અને તેને ગણેશજીને કહ્યું લાવ બેટા હું તને ખીર બનાવી દઉં છું. ગણેશજીએ કહ્યું તમારા ઘરમાંથી દૂધ અને ચોખા માટે વાસણ લઇ આવો. એટલે પહેલી મહિલા તેના ઘરમાં અંદર જઈને એક નાનો વાટકો લઈને બહાર આવી.
મહિલા વાટકો લઈને બહાર આવી એટલે ગણેશજી કહ્યું તમારા ઘરમાં સૌથી મોટું વાસણ જે હોય તેને લઈને આવો. મહિલા થોડી મૂંઝાઈ ગઈ પરંતુ પછી તેને વિચાર્યું કે નાનો બાળક છે ચલો તેનું મન રાખવા માટે એ કહે છે એમ કરીએ. અંદર જઈને મહિલા તેનું મોટું તપેલું કે જે માળીયા ઉપર પડયું હતું તે લેવા ગઈ.
મહિલાની ઉંમર પણ વધારે હતી તેનાથી માંડ માંડ ચલાતું હતું અને તપેલું માળીયા ઉપર પડયું હોવાથી મહા મહેનતે તેને તપેલું બહાર કાઢ્યું અને પછી તે તપેલું લઈને બહાર આવી. ગણેશજી એ તપેલામાં ચમચીથી દૂધ નાખતા ગયા. મહિલા આશ્ચર્ય ચકિત થઈ ગઈ કારણ કે તેનું આવડું મોટું તપેલું હતું તેમાં ચમચીથી ગણેશજી દૂધ નાખી રહ્યા હતા અને જોતજોતામાં આખું તપેલું દૂરથી ભરાઈ ગયું. મહિલા એક પછી એક બધા વાસણ બહાર આવતી ગઈ અને ગણેશજી બધા વાસણમાં દૂધ ભરતા ગયા.
આવી રીતે ઘરના દરેક નાના મોટા વાસણ મહિલા બહાર લાવતી રહી અને ગણેશજી તેમાં દૂધ રેડતા ગયા. બધા વાસણો દૂધથી છલોછલ ભરાઈ ગયા.
ગણેશ ભગવાન એ મહિલાને કહ્યું હું સ્નાન કરીને આવું છું ત્યાં સુધીમાં તમે ખીર બનાવી લો હું પછી પાછો આવીને ખાઈશ.