ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નથી.
વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક લાલ બત્તીવાળી ગાડી સ્કુલની સામે આવીને ઊભી રહે છે, સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું ન હતું કે કોઈ વાહન ત્યાંથી પસાર થાય અથવા સ્કુલના કમ્પાઉન્ડના આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે.
કોઈ વાહન આવ્યાની જાણ થઈ એટલે એક ઘરડાં શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા તેને જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું? ગાડીમાંથી એક માણસ ઉતરે છે ઉંમર લગભગ વીસ થી પચ્ચીસ વર્ષની વચ્ચે હશે. તેના પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકારી હોય તેવું લાગી રહ્યું હતું.
સાહેબને થયું હશે કંઈ કામ માટે આવ્યા હશે, તેને ઇગ્નોર કરી ને ફરી પાછું ક્લાસમાં ભણાવવાનું શરુ કરી દીધું. પેલો માણસ તો સાહેબ ભણાવતા હતા તે ક્લાસની બહાર આવીને ઉભો રહી ગયો, સાહેબ નું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું બોલોને શું કામ હતું?
સાહેબ નું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકારી તો હશે જ, કારણકે ગાડીમાંથી ઉતરીને અહીં ક્લાસ સુધી આવ્યો ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેની ઉપર છત્રી લઈને સાથે ને સાથે ચાલતો હતો.
અંદર આવું સાહેબ? પેલા ભાઈએ જવાબ આપ્યો
માથું ધુણાવીને સાહેબે હા કહી,પેલા માણસે તેની ઉપર છત્રી રાખીને ઊભા રહેલા માણસને ઈશારો કરીને સૂચના આપી કે તું અહીં જ ઉભો રે, પોતે અંદર આવીને રીતસર લાંબો થઈને જાણે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબ ના પગમાં પડી ગયો. પણ શું કામ? સાહેબ પણ આશ્ચર્યમાં પડી ગયા.
તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે આવું પેલા માણસે શું કામ કર્યું? આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી સમજવી પડે.
વાત ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે સાહેબ પણ હજી જુવાન હતા, તે દિવસે પણ ચોમાસુ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોય એ રીતે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. એ સમયે સ્કૂલ નું રીનોવેશન થયું ન હતું એટલે ઉપર છત ની જગ્યાએ છાપરા રાખેલા હતા, જેમાં અનરાધાર વરસાદ ના ટીપાં પડે એટલે એટલો બધો અવાજ ઉત્પન્ન થતો હતો કે શિક્ષક ક્લાસમાં કંઈ પણ આવે તો અડધું સમજાય અડધું ન સમજાય, કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી બહુ ઓછી માત્રામાંપહોંચતો હતો.
શિક્ષક પણ આજે વરસાદ આવ્યો હતો એટલે ખૂબ આનંદમાં આવી ગયા હતા કારણ કે આવો અનરાધાર વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો. તેઓએ બધા વિદ્યાર્થીઓને કહ્યું જો હું તમને બધાને 500 રૂપિયા રોકડા આપો તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓ ની ખરીદી કરશો?
દર વખતે માત્ર શિક્ષણ જ આપવું એવું આ શિક્ષકને માનવું નહોતું, ક્યારેક ક્યારેક તેઓ કંઈપણ ગમ્મત કરાવતા અથવા પછી કોઈપણ એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે મનોરંજન પણ પીરસતા.