ડોક્ટર પવન મામૂલી ફી લઈને આજુબાજુના ગામના દરેક લોકોની સેવા કરતા, તેની ફી પણ મામૂલી હતી અને તેઓ દવાઓ પણ સચોટ આપતા જેથી નિદાન પણ તાત્કાલિક થઈ જતું. આજુબાજુના ગામમાં રહેલા દરેક લોકો કોઈપણ તકલીફ હોય તો આ ડોક્ટરની મુલાકાત અચૂક લેતા.
આજુબાજુના બધા ગામના લોકો અહીં આવતા હોવાથી અહીંયા ભીડ પણ રહેતી. એક દિવસની વાત છે જ્યારે દરરોજની જેમ દર્દીઓની ભીડ હતી એક પછી એક બધા દર્દીને ડોક્ટર તપાસી રહ્યા હતા અને જરૂર મુજબ દવાઓ લખી આપતા હતા.
ડોક્ટર જે કેબિનમાં બેસતા હતા તે કેબીન કાચની હોવાથી ડોક્ટરને બહાર આવેલા દર્દીઓ દેખાતા. બહાર આવેલા દર્દીઓમાં આજે એક વૃદ્ધ મહિલા ઉભા હતા. ડોક્ટર બીજા દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે તેની નજર લગભગ બે-ત્રણ વખત એ મહિલા ઉપર ગઈ. જ્યારે પણ ડોક્ટરની નજર જાય ત્યારે એ વૃદ્ધ મહિલા ઉભા ઉભા ડોક્ટર ના દવાખાના તરફ જોઈ રહ્યા હતા.
ડોક્ટર બીજા દર્દીઓને તપાસતાં તપાસતાં પણ મનમાં વિચાર કરી રહ્યા હતા કે તે માજી ઉભા ઉભા શું જોઈ રહ્યા છે. એક પછી એક દર્દી આવી રહ્યા હતા થોડા દર્દી ઓછા થયા એટલે કમ્પાઉન્ડર ને કેબિનમાં આવવાનું કહીને ડૉક્ટર પોતે ઊભા થઈને દવાખાનાની બહાર ગયા.
ઉનાળાનો સમય હોવાથી બહાર ભયંકર ગરમી હતી અને તે ભયંકર તડકામાં તે વૃદ્ધ મહિલા ઉભા હતા એટલે ડોક્ટર તે મહિલા પાસે ગયા અને ત્યાં જઈને તેને પૂછ્યું… બોલોને માજી, તમને શું થાય છે? હું ઘણા સમયથી જોઈ રહ્યો હતો કે તમે અહીં તડકામાં ઉભા ઉભા અંદર દવાખાના તરફ જોઈ રહ્યા છો એટલે વિચાર્યું કે તમારી પાસે આવીને પૂછી લઉ કે તમને શું થાય છે?
તે વૃદ્ધ મહિલા આ સવાલ ડોક્ટરે પૂછ્યું એટલે થોડા અસ્વસ્થ થઈ ગયા પછી થોડા સમય પછી સ્વસ્થ થઈને હિંમત ભેગી કરીને તેને ડોક્ટરને પૂછ્યું બેટા મારે દવા જોઈએ છે, અહીંયા મળશે?
ડોક્ટર તેને મેડિકલ નું એડ્રેસ આપી અને ત્યાં મોકલી શક્યા હોત પરંતુ તે મહિલાની હાલત જોઈને તેને કહ્યું બોલોને કઈ દવા જોઈએ છે, અહીંયા મળી જશે…
માજી ફરી પાછા થોડો સમય કશું બોલ્યા નહીં પછી તેને કહ્યું કે બેટા, મારો એકનો એક દીકરો શહેરમાં રહે છે. દર વખતે તે ઉનાળાની રજાઓમાં બાળકોને લઈને ગામડે રોકાવા આવે છે, પરંતુ આ વખતે તે અહીંયા રોકાવા નથી આવ્યો.
અને તે અહીંયા આ વખતે રોકાવા નથી આવવાનો એ સમાચાર મને બે દિવસ પહેલા મળ્યા હતા. બે રાત થી આ જ વાત વિચારી ને હું પરેશાન થઈ ચૂકી છું. મને બે રાતથી ઊંઘ નથી આવી રહી.
આજે વિચાર્યુ કે તારી પાસેથી દવા લઈ લઉ પરંતુ તારા દવાખાના ની ભીડ જોઈને અહીંયા બહાર જ ઉભી રહી ગઈ અને વિચાર્યું કે જ્યારે કોઈ દર્દી ન હોય ત્યારે તને પૂછીને દવા લઈશ.
ડોક્ટર ત્યાં ઉભા ઉભા ફરી પાછું તે મહિલાને પૂછવા લાગ્યા, હા બોલોને માજી તમારે કઈ દવાઓ જોઈએ છે… તમને હમણાં જ દવાઓ લઈને આપું બોલો કઈ દવાઓ જોઈએ છે?