એક વ્યક્તિની ઉંમર લગભગ 30 વર્ષની હશે, ઓફિસના કામથી આજે તેને બહારગામ જવાનું હતું. બહારગામ જવા માટે ટ્રેન નો સમય થઈ ચૂક્યો હતો, હવે જો થોડું પણ મોડું કરે તો તે રેલવે સ્ટેશન પર સમયસર પહોંચી શકે નહીં અને તેની ટ્રેન પણ ચૂકાઈ જાય તેમ હતી.
ઘરે કોઈ એવું વ્યક્તિ ન હતું જે તેને રેલ્વે સ્ટેશન સુધી મુકવા આવી શકે. એટલે તેને વિચાર્યું કે કેબ કરીને જતો રહું. તે માણસે ટેક્સી બુક કરાવી અને ટેક્સીની રાહ જોવા લાગ્યો.
થોડા સમય પછી ટેક્સી આવી ગઈ એટલે ટૅક્સીમાં બેસીને રેલવે સ્ટેશન જવા રવાના થઈ ગયો.
જેવો પેલો માણસ ટેક્સીમાં બેસે છે કે ટેક્સી ડ્રાઈવર તરત જ તેની સામે હસીને ગુડ મોર્નિંગ કહે છે અને બેસ્યા પછી તેના હાથ માં ન્યૂઝપેપર આપે છે.
તે ન્યુઝપેપર વાંચી રહ્યો હતો એવામાં થોડા સમય પછી આગળ રોડ ક્રોસિંગ સમયે અચાનક જ જમણી બાજુથી એક ગાડી આવી અને ત્યાંથી નીકળવાની કોશિશ કરી, ટેકસી વાળાએ અચાનક બ્રેક મારી અને અકસ્માત થતાં થતાં બચાવી લીધો. અચાનક ટેક્સી માં બ્રેક લાગી એટલે પેલા માણસનું ધ્યાન તરત જ આગળ જતું રહ્યુ.
ગાડીવાળા એ ત્યાં ઉભી રાખી, ગાડીમાંથી નીચે ઉતરીને અને ટેકસીવાળા ને ગુસ્સે થઈને ખરું-ખોટું સંભળાવવા માંડ્યો. ગાડીવાળો જે અપશબ્દો બોલી રહ્યો હતો તે બધા શબ્દો ટેક્સી નો કાચ ખુલ્લો હોવાના કારણે અંદર સુધી સંભળાઈ રહ્યા હતા પાછળ બેઠા બેઠા પેલો માણસ પણ વિચારી રહ્યો હતો કે વાંક ગાડી વાળાનો હોવા છતાં તે પોતે ટેકસીવાળા ને કેવા અપશબ્દો કહી રહ્યો છે. નક્કી ટેક્સીવાળો હમણાં સામે પણ તેને અપશબ્દો સંભળાવશે.
પરંતુ એથી ઊલટું ટેકસી વાળા ભાઈ એ બે હાથ જોડીને માફી માંગતો હોય એવી મુદ્રા બનાવી અને ત્યાંથી નીકળવા માંડ્યા. પાછળ બેઠેલા ભાઈને આ ખૂબ અજુગતું લાગ્યું. તેને પણ ગાડીવાળા પ્રત્યે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે તેનો જ વાંક હતો તેમ છતાં તે ટેકસી વાળા ને ખરું-ખોટું સંભળાવી રહ્યો હતો.
તેનાથી રહેવાયું નહીં એટલે ટેક્સી વાળા ભાઈને તેને પૂછ્યું હમણાં પેલા ગાડીવાળા એ તમને જે અપશબ્દો કહ્યા તો તમે તેને સામે કેમ માફી માંગીને જવા દીધા તમને કંઈ તેને કહેવાનું મન ન થયું? તમે તેને સામું કંઈ કહ્યા વગર જ કેમ જવા દીધો?
ટેકસી વાળા એ જવાબ આપ્યો અરે સાહેબ આપણા નસીબ સારા છે નહીં તો જો અકસ્માત થયો હોત તો સવાર સવારમાં જ આપણે કદાચ હોસ્પિટલમાં પણ જવું પડ્યુ હોત. જવાદો ને સાહેબ, ભગવાનની કૃપાથી અકસ્માત થતા બચી ગયો.