રાજા હર્ષવર્ધન ની પાડોશી રાજા સાથે યુદ્ધ માં હાર થઈ અને તેને બંધક બનાવી અને હાથકડી પહેરાવી ને પાડોશી રાજા ની સામે લાવવામાં આવ્યા જે પોતાની જીત થવાથી અતિ ખુશ હતા. હારેલા રાજા સામે આવતા તેને કોઈ પણ સજા આપ્યા પહેલા કહ્યું કે તમે મને એક સવાલ નો જવાબ એક મહિનામાં આપી શકો તો તમારું રાજ્ય તમને પાછું આપી દેવામાં આવશે અને સજા પણ માફ કરી આપવામાં આવશે. આટલું કહી અને સવાલ રજુ કર્યો.
એક સ્ત્રી ની બધા પાસેથી શું અપેક્ષા હોય છે? પ્રશ્ન પૂછ્યા બાદ જીતેલા રાજા એ કહ્યું કે જવાબ શોધવો અઘરો છે. અને એટલા માટે જ તમને એક મહિના નો સમય આપવામાં આવે છે.
અને એક મહિના માં જવાબ આપી શકો નહિ તો આખી જિંદગી કેદખાના માં રહેવું પડશે. અને રાજા હર્ષવર્ધને આ પ્રસ્તાવને મંજુર કરી લીધો. અને જવાબ માટે તે વિદ્વાનો સાથે તથા ગૃહિણીઓ, નૃત્યાંગનાઓ, દાસીઓ, વેશ્યાઓ, રાણીઓ, સાધ્વીઓ, તેમજ નાની દીકરીઓથી માંડી ને વૃદ્ધ સ્ત્રીઓ ને મળી ને આ સવાલ નો જવાબ શોધવાની કોશિશ કરી.
પરંતુ દરેક ની અપેક્ષા અલગ અલગ હતી. કોઈ ને સોના ચાંદી કોઈ ને હીરા જવેરાત કોઈ ને પરિવાર નો પ્રેમ તો કોઈ ને રાજપાઠ ની અપેક્ષા હતી. આમ ને આમ એક મહિનાનો સમય પૂરો થવા આવ્યો હતો અને રાજા હર્ષવર્ધન એક સંતોષપૂર્ણ જવાબ શોધી શક્યા નહોતા.
ત્યારે કોઈ અનુભવી વૃદ્ધે તેને કહ્યું કે દૂર દેશ માં એક જાદુગર સ્ત્રી રહે છે, તમે તેની પાસે દરેક વાત નો જવાબ મળી રહે છે. તો તમને આ વાત નો પણ જવાબ મળી શકે છે. અને રાજા હર્ષવર્ધન તેના મિત્ર જયરાજ સાથે દૂર દેશ માં રહેતી જાદુગર સ્ત્રી પાસે જાય છે.
અને પોતાના પ્રશ્ન નો જવાબ પૂછે છે ત્યારે તે જાદુગર સ્ત્રી એ કહ્યું કે હું તમને તમારા પ્રશ્ન નો સાચો જવાબ તો આપું પણ મારી એક શરત છે, રાજા ના મિત્ર જયરાજ ની સામે જોતા કહ્યું કે તમારા મિત્ર ને મારી સાથે લગ્ન કરવા પડશે.
એ જાદુગર સ્ત્રી મોટી ઉંમર ની તો હતી સાથે સાથે એકદમ જાડી અને કદરૂપી પણ હતી. રાજા હર્ષવર્ધને તેના મિત્ર જયરાજ નું જીવન બરબાદ કરવાની ના કહી દીધી પરંતુ જયરાજે પણ રાજા માટે પોતાના જીવન નો ભોગ આપવાનું જાણે નક્કી જ કરી નાખ્યું હોય એમ તેને રાજા ની એક પણ વાત માની નહિ.