રાત્રીના લગભગ સાત વાગ્યાનો સમય હતો, એક છોકરો એક શૂઝની દુકાનમાં આવે છે. છોકરો દેખાવથી અને પહેરવેશથી તો ગામડા નો રહેવાસી લાગી રહ્યો હતો. દુકાનદારે આ અંદાજ તરત જ લગાવી દીધો હતો. તેના મોઢા ઉપર એક અલગ પ્રકારનું જ તેજ દેખાઈ રહ્યું હતું.
છોકરા ને જોઈને તેની ઉંમર નો અંદાજો લગાવી એ તો આશરે ૨૦ થી ૨૨ વચ્ચે ની ઉમરનો એ છોકરો હશે.
જેવો દુકાનમાં અંદર પ્રવેશે છે કે દુકાનદારની પહેલી નજર તેના પગ પર જાય છે, સ્વાભાવિક છે કે કોઈપણ બુટ-ચપ્પલ ના વ્યાપારી ની પહેલી નજર ગ્રાહકના પગ પર જતી હોય છે.
દુકાનદારે તેના પગ પર જોયું પરંતુ તેના પગ પર તો લેધરના બૂટ પહેરેલા હતા. અને એકદમ વ્યવસ્થિત રીતે ચમકાવેલા પણ હતા.
આ બધું જોઇને તેને તેના મોઢા સામુ નજર કરી અને પૂછ્યું બોલો ને શું જોઈએ છે?
છોકરાએ કહ્યું મારે મારી માતા માટે ચપ્પલ જોઈએ છે, પરંતુ મને ટકાવ હોય એવા ચપ્પલ જ બતાવજો. કારણકે જો ચપ્પલ ટકાઉ નહીં હોય તો લાંબો સમય સુધી ટકશે નહીં અને એ મને ચાલશે નહીં.
દુકાનદારે કહ્યું શું તમારી માતા આવી છે? અથવા એના પગ નું માપ શું છે એ જણાવી શકો?
આથી પેલા છોકરાએ પોતાના ખિસ્સામાંથી પોતાનું પર્સ કાઢ્યું અને એમાંથી એક કાગળ બહાર કાઢ્યો નોટબુક નો આ કાગળ લગભગ ચાર ગડી વાળીને પર્સમાં રાખ્યો હોય એવું જણાઈ રહ્યું હતું.
એ કાગળ ખોલ્યો હતો એ કાગળમાં બોલપેનથી બંને પગની outline બનાવેલી હતી. જેથી કરીને તેની માપના ચપ્પલ લઈ શકાય.
દુકાનદારે આવું જોઈને કયું અરે બેટા મારે તો ચપ્પલ ના માપ માટે નંબર જોઈતો હતો.
આટલું સાંભળીને છોકરો ભાવુક થઈ ગયો હોય તેવું લાગ્યું, તેને તરત જ કહ્યું કે હું તમને શું માપ જણાવો એ કહો મને સાહેબ? મારી માતાની જિંદગી આમ ને આમ જ પગમાં ચપ્પલ સિવાય જ વીતી ગઈ.
મારી માતા મજૂરી કરે છે, જાનવરોની જેમ મહેનત કરી કરીને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો, ગણાવ્યો અને હવે મારી નોકરી લાગી ગઈ છે.
અને આજે મને પહેલો પગાર મળ્યો છે. દિવાળી નજીક છે એટલે રજાઓ માટે ઘરે જઈ રહ્યો છું તો વિચાર્યું કે માતા માટે કંઈક લઈને જાવ.
વિચાર કર્યા પછી મનમાં આવ્યું કે આજે પહેલા પગારથી માતા માટે ચપ્પલ લઇને જવું છે જેથી માતા હવે ઉઘાડા પગે ચાલ્યા ન કરે…
દુકાનદાર બધી પરિસ્થિતિ સમજી ગયો તરત જ તેને એક સારી ટકાઉ ચપ્પલ દેખાડી જેની કિંમત 700 રૂપિયા હતી…
આની કિંમત સાતસો રૂપિયા છે, ચાલશે ને? દુકાનદારે પેલા છોકરાને પૂછ્યું.
તો છોકરા એ જવાબ આપતા કહ્યું હા ઠીક છે.
જાણે એ ચપ્પલ લેવા માટે ખૂબ જ ઉત્સુક હોય એ રીતે કોઇપણ કિંમત દેવા તૈયાર હોય તેવું ચહેરા પર દેખાઈ રહ્યો હતો…
દુકાનદારે તેને પૂછયું બેટા તારો પગાર કેટલો છે?
છોકરાએ જવાબ આપતા કહ્યું કે અત્યારે મારો પગાર ૧૦૦૦૦ રૂપિયા છે. જેમાંથી છથી સાત હજાર રૂપિયા રહેવા અને ખાવા-પીવામાં ખર્ચ થઇ જશે બાકીના ત્રણ હજાર માતા માટે.