શ્રદ્ધા શૃંગાર સ્ટોર. આ મોટા શહેરમાં મારી એક નાની શ્રૃંગાર દુકાન છે. મારા પતિ રણવીરે મારા નામે ખોલી હતી. આજે એક નવું દંપતિ મારી દુકાને આવ્યું છે. સ્ટાફે મને કહ્યું કે સવારથી તેઓ બીજી વાર આવ્યા છે. એક કંગન તેમને પસંદ છે પણ તેમના હિસાબે કિંમત વધારે છે.
તેમને જોઈને મારી આંખો સામે દુકાનનો પાયો, મારું અસ્તિત્વ, અને મારી વાર્તા તરવરી આવી. આવી જ રીતે લગ્ન પછી પહેલી વાર અમે રણવીર સાથે મેળામાં ગયા હતા. મને કાચની ચૂડીઓનો એક સેટ ગમ્યો હતો. તે સમયે આઠ રૂપિયાની હતી અને અમે ખરીદી શક્યા નહીં. રણવીર વારંવાર પાંચ રૂપિયાની વાત કરતા, પરંતુ વેપારીએ આપવાની ના પાડી દીધી.
રણવીરને એ ચૂડીઓ મને ન અપાવી શકવાનો અફસોસ જિંદગીભર રહ્યો. કારણ કે એ દિવસે હું પહેલી વાર તેમની સાથે મેળામાં ગઈ હતી અને મેં કંઈક પસંદ કર્યું હતું. એ દિવસે તેમના મનમાં આ દુકાનનો પાયો નંખાયો હતો. તેઓ મને એટલો પ્રેમ કરતા હતા કે ફરી કદી કંઈ માગવું પડ્યું નહીં. મારી ખુશીઓ માટે તેમણે રાતદિવસ એક કરી નાખ્યા.
આ બધું યાદ કરીને મારી ભીની આંખો તેમની ફૂલ ચડાવેલી તસવીર તરફ ગઈ, જેના કાચમાં આ દંપતિ દેખાઈ રહ્યું હતું.
“સાહેબ! સવારે જ કહ્યું હતું કે હજારથી ઓછી કિંમત નહીં થાય,” સ્ટાફે કહ્યું.
“ચાલો, કોઈ વાત નહીં! ફરી કોઈ વાર લઈ લઈશું,” બંને સીધા-સાદા ગામડાના લાગતા હતા, બિલકુલ અમારા જેવા. છોકરી મારી જેમ પરિસ્થિતિ સમજી રહી હતી, અને છોકરામાં રણવીરની જેમ તેને અપાવવાની તમન્ના અને જિદ. આ પ્રેમને હું અનુભવી રહી હતી.
“એક વાર ફરી જોઈ લોને, જો સાતસો સુધી પણ…”
“એક જ વાત કેટલી વાર કહું સાહેબ, નહીં થઈ શકે,” જાણે કે હું રણવીરનો હાથ પકડીને મેળાની એ દુકાનેથી પાછી આવી રહી હતી અને તેઓ નિરાશ થઈને પગલાં પાછા લઈ રહ્યા હતા… આ દંપતિ પણ દુકાનમાંથી બહાર નીકળવા જ વાળા હતા.