મારે કામ હોવાથી બજારમાં ગયો હતો, કામ પૂરું થયા પછી ખુબ જ ભુખ લાગી હતી એટલે એક લોજમાં ઉભો રહ્યો. સામાન્ય રીતે હું ક્યારેય બહાર ભોજન નથી કરતો કારણકે સીમિત આવક હોવાથી બહારનો એક્સ્ટ્રા ખર્ચો મારા ખિસ્સાને પરવડે તેમ નથી. પરંતુ આજે કડકડતી ભુખ લાગી હતી. અને લોજમાં પણ લખ્યું હતું કે 30 રૂપિયા ની થાળી, જેમાં પુરી શાક મળતા હતા.
એક પ્લેટ ખરીદીને હું ત્યાં જમવા માટે બેસી ગયો. હું જમવાનું શરૂ કરું તે પહેલાં મારું ધ્યાન પડ્યું કે ત્યાં બહાર બે છોકરાઓ આવ્યા. કદ પરથી તેઓની ઉંમર લગભગ દસ-બાર વર્ષની હશે.
ચહેરા ઉપર સવારથી કશું ખાધું ન હોય એવો હાલ હતો. બંનેની હાલત એવી હતી, કપડાં જરા પણ સ્વચ્છ નહીં અને થોડા ફાટેલા પણ હતા. કદાચ તેઓ આજુબાજુમાંથી કચરો ભેગો કરવાનું કામ કરતા હોય એવું લાગ્યું કારણકે તેની સાથે એક થેલો પણ હતો જેમાં કચરો પડ્યો હતો.
તરત જ તે બંને છોકરાઓ લોજમાં આવ્યા અને 2 થાળી નો ઓર્ડર કર્યો, થાળી આવી એટલે એ છોકરા થાળી લઈને જમવા બેઠા. થોડા સમય પછી આજુબાજુ નજર કરી તો દરેક લોકો જમી રહ્યા હતા તેની થાળીમાં સલાડ હતું. અને આ લોકોની થાળીમાં સલાડ નહોતું. આ સિવાય સલાડ માટે રાખેલું વાસણ પણ ખાલી થઈ ચૂક્યું હતું.
બંનેમાંથી એક છોકરો ઊભો થયો અને ફરી પાછો દુકાનદાર પાસે જઈને કહ્યું ભાઈ આમાં અમને સલાડ આપો સલાડ નથી. દુકાનદારે તેને કહ્યું સલાડ નથી ભાઈ તમે જે છે તે ખાઈ લો. જમવાનો સમય પસાર થઈ ગયો હતો મોડું પણ થઈ ગયું હતું લગભગ બપોરના ત્રણ વાગ્યા હશે, દુકાનદાર પણ છોકરાઓને જવાબ આપી રહ્યો હતો તેમાં થોડો ગુસ્સો પણ દેખાતો હતો.
હું ફરી પાછો મારા જમવા માં ધ્યાન આપવા લાગ્યો, કારણકે મને લાગ્યો કે હવે તે છોકરો આવીને પાછો બેસી જશે અને જમીને તરત નીકળી જશે. પરંતુ તેના પછી જે થયું તે માટે હું તૈયાર નહોતો.
મારી નજર ફરી પાછી છોકરાઓ બેઠા હતા ત્યાં પડી ત્યારે જોયું કે બહારથી તે છોકરો લીંબુ મરચા લાવી રહ્યો છે, આ કોઈ સામાન્ય લીંબુ મરચાં નહોતા જેને તે ખરીદીને લાવ્યો હોય. આ લીંબુ મરચા માં કાળો દોરો બાંધ્યો હતો હું તરત જ સમજી ગયો કે આ ક્યાંકથી લીંબુ મરચાં લટકાવેલા લઈને આવ્યો છે.
મારું એ છોકરા ઉપર ધ્યાન વધુ પડ્યું, તે છોકરા ના ચહેરા ઉપર સલાડ મળી જવાની ખુશી આ લીંબુ મરચા મળતાં જ આવી ચૂકી હતી. બીજા છોકરા પાસે આવીને બેસી ને બંને લોકો સલાડ ની જેમ આ લીંબુ મરચા ખાવા ની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ મારાથી રહેવાયું નહીં અને મેં તેને કહ્યું અરે ભાઈ, તું આ લીંબુ મરચા ક્યાંથી લઇ આવ્યો છે. તને ખબર પડે છે કે નહીં કે આ લીંબુ મરચા માં કંઈક બીજું ન થઇ જાય તેનું ધ્યાન રાખજે.
મારાથી થોડું આકરા શબ્દોમાં કહેવાય ગયું અરે ભાઈ આ લીંબુ મરચા ને બહાર ફેંકી દે. એ ન ખવાય.
તે બાળકો એ મારી વાત સાંભળી, મારી સામે પણ જોયું. પરંતુ જાણે મને સાંભળ્યો જ ન હોય એમ ફરી પાછા પોતે જમવા માં વ્યસ્ત થઈ ગયા. અને મારી વાતને જાણે સાંભળી જ નહીં.