વાત ઘણા સમય પહેલાની છે, હું એક દિવસ સવારે ચાલી ને ઘર ની જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા જઈ રહ્યો હતો. ત્યારે એક નાના મકાન માથી કોઈ રડી રહ્યું હોય તેવો અવાજ આવી રહ્યો હતો. મકાન અત્યંત નાનું અને નળિયાવાળું હતું. વધુ નજીક જતા ખબર પડી કે બાળક ના રડવાનો અવાજ આવી રહ્યો છે તે અવાજમાં એટલું બધું દર્દ હતું કે હું તે ઇગ્નોર કરી ને ત્યાં થી આગળ ચાલી ના શક્યો.
અને ત્યાં જ ઉભો રહી ગયો રડવાનું ઘણી વાર થી ચાલુ હતું એટલે હું હિંમત કરી ને તે ઘરની બારી પાસે ઉભો રહ્યો અને અંદર નજર કરી, અંદર એક બાળક રડી રહ્યું હતું અને તેની બાજુમાં ઊભેલી સ્ત્રી કદાચ એની માં હશે એવું લાગ્યું. બે વ્યક્તિ જ અંદર મકાનમાં હતા. બાજુમાં ઊભેલી સ્ત્રી કે જે તે બાળકની મા હતી તે પણ રડી રહી હતી.
મારાથી રહેવાયું નહીં એટલે ઘરમાં અંદર ગયો અને એ સ્ત્રી ને મેં પૂછ્યું, કે બહેન તમે તમારા છોકરા ને કેમ માર મારી ને રડાવી રહ્યા છો અને સાથે સાથે તમે પણ રડી રહ્યા છો? તો તે સ્ત્રીએ જવાબ આપ્યો કે ભાઈ આના પિતાજી ગુજરી ગયા છે. અમારી પાસે કોઈ પણ જાત ની પૈસા ની સગવડતા નથી. જેથી હું લોકો ના ઘરે કપડાં વાસણ અને સાફ સફાઈ નું કામ કરીને ગુજરાન ચલાવું છું.
ખૂબ જ મહેનત કરીને આને ભણાવવા નિશાળે બેસાડ્યો છે, માંડ માંડ કરકસર કરી ને ચલાવું છું ત્યારે આના ફીના પૈસા ચૂકવી શકાય છે. અને આ છોકરો છે કે સમજતો જ નથી, રોજ સ્કૂલે મોડો જાય છે. અને સ્કૂલે થી છૂટી ને ઘરે પણ મોડો આવે છે. તમે જ કહો કે મારવા સિવાય મારી પાસે આને સમજાવવા માટે કયો રસ્તો છે? રસ્તા માં રમત માં લાગી જાય છે. અને સાંજે પણ ઘરે આવે ત્યારે કપડાં સાવ મેલા કરીને આવે છે. મેં છોકરા ને અને તેની માતા ને થોડું આશ્વાસન આપ્યું અને સમજાવ્યું પછી હું તો મારા કામે નીકળી ગયો.
આ વાત રાત્રે સૂતાં સૂતાં પણ મારા મગજમાં ચાલતી હતી કે એક નો એક બાપ વગર નો દીકરો આવું વર્તન કરે તો પછી માં પણ બીજું શું કરે? થોડા દિવસ પછી હું સવારે શાકભાજી લેવા શાકમાર્કેટ ગયો ત્યારે અચાનક જ મારી નજર એક છોકરા ઉપર પડી તે છોકરો શાક ની મોટી મોટી ભારી લઇ ને મજૂરો જતા હતા એમાંથી જે શાક નીચે પડી જતું તે વિણતો હતો.
એટલે મેં નજીક જઈને જોયું તો આ એ જ છોકરો હતો જે રોજ તેની માતા ના હાથ નો માર ખાતો હતો અને રડતો હતો. આ જોઈને મને પણ કુતૂહલ થવા લાગ્યું કે આખરે વાત શું છે? હવે જાણવું જ પડશે એટલે હું ખબર ન પડે તે રીતે છાનો માનો તે છોકરા ની પાછળ ચાલવા લાગ્યો.
જેની પાસે રહેલી મોટી થેલી જે આવા શાક થી ભરાઈ ગઈ, એટલે થોડે દૂર જઈ ને એક દુકાન ની પાસે આવેલી ફૂટપાથ પર બધું શાક અલગ અલગ કરીને વેચવા લાગ્યો. દુકાન કરતા સસ્તા ભાવે વેચતો હોવાથી તેનું શાક ઝડપથી વેચાઈ ગયું. છોકરો શાક વેચીને નવરો થઈને ઉભો થઇ ને થોડે દૂર એક કપડાવાળા ની દુકાન માં ગયો.
શાક માંથી જે પૈસા મળ્યા હતા એ દુકાનદાર ને ત્યાં રાખેલી પોતાની ચોપડા ની થેલી લઇ ને નિશાળે ગયો. રસ્તા માં તેનું મોઢું ધૂળ ને પરસેવા વાળું થઇ ગયું હતું. જે ધોઈ નાખ્યું, નિશાળે પહોંચ્યો ત્યારે એક કલાક મોડું થયું હતું જ્યાં તેના શિક્ષકે તેને સજા રૂપે ચાર પાંચ ફડાકા લગાવી દીધા. ત્યારે મારા થી રહેવાયું નહિ અને તેના શિક્ષક પાસે પહોંચી ને રોક્યા, ત્યારે શિક્ષકે મને કહ્યું કે આ છોકરો રોજ આવી રીતે મોડો આવે છે. અને રોજ મારા હાથ નો માર ખાઈ છે પણ કઈ સમજતો નથી તેના ઘરે પણ મેં બે ત્રણ વખત જાણ કરી છે.
છોકરો માર ખાધા પછી બેસી ને ભણવા માંડ્યો. મેં તેના શિક્ષક નો મોબાઈલ નંબર લીધો અને ઘરે આવી ગયો ત્યારે યાદ આવ્યું કે હું તો શાકભાજી લેવા ગયો હતો. અને કઈ પણ લીધા વગર જ ઘરે પાછો આવી ગયો. એ માસૂમ છોકરા એ સાંજે ઘરે આવી ને પાછો માં ના હાથ નો માર ખાધો.