દરરોજની જેમ આજે પણ સવારે કાર્તિક તૈયાર થઈને નીચે આવ્યો, દર્શન કર્યા, ચા નાસ્તો કર્યા, ત્યાર પછી ઓફિસે જવા લાગ્યો. ઓફિસે જતા જતા પિતાને કહેતો ગયો પપ્પા નવું ઘર હવે થોડા જ સમયમાં તૈયાર થઈ જશે, કદાચ તો નવરાત્રી પહેલા જ થઈ જશે.
એટલે એવું વિચારી રહ્યો છું નવરાત્રી ઉપર ત્યાં રહેવા જતો રહું. આટલું કહીને ત્યાંથી ઓફિસે જતો રહ્યો.
પિતા ત્યાં હોલમાં બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા અને માતા પણ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને શાક સમારી રહ્યા હતા, કાર્તિકે જે તેના પિતાને કહ્યું તે સાંભળ્યું.
પરેશભાઈ અને ભાવના બેન નું એક માત્ર સંતાન કાર્તિક હતું. છેલ્લા થોડાક દિવસોથી કાર્તિક ઉપરથી આવે તૈયાર થઈ જાય અને ઘરનું કામ કેટલું આગળ વધ્યું તેના સમાચાર આપીને ઓફિસ જતો રહે.
કાર્તિક ના લગ્ન છ મહિના પહેલાં જ કરવામાં આવ્યા હતા, ખૂબ જ ધામધૂમથી એકના એક દિકરાના લગ્ન પરેશભાઈ અને ભાવનાબેન એ કર્યા હતા. કાર્તિક અને તેની પત્ની શીતલ બંને એકબીજાથી ખુશ હતા અને લગ્નજીવનનો આનંદ માણી રહ્યા હતા.
૪ વ્યક્તિના પરિવારને રહેવા માટે પરેશભાઈ નું ઘર નાનું નહોતું, ત્રણ બેડ રૂમનું આ ઘર ખુબ જ સુંદર સજાવ્યું હતું. આખી જિંદગીની કમાણી એ ઘરમાં નાખી દીધી હોય એ રીતે ઘરને એકદમ સુંદર સજાવીને બનાવ્યું હતું.
પરંતુ લગ્નના થોડા જ મહિના પછી જ્યારે કાર્તિકે તેના પિતા પાસે આવીને કહ્યું હતું કે પપ્પા હવે હું પણ એક ઘર બનાવવા માંગુ છું. મારે પણ મારું પોતાનું ઘર હોય એ સપનું પૂરું કરવું છે.
આ સાંભળીને પરેશભાઈ અને ભાવનાબેન બંને આશ્ચર્ય ચકિત રહી ગયા હતા કારણકે લગ્નના થોડાક મહિના પછી જ દીકરો પોતાના બીજા ઘર બનાવવાની વાત કરતો હતો એટલે માતા-પિતાને એમ થયું કે તો આ ઘર કોનું છે?
ત્યારે કાર્તિકે જવાબ આપ્યો કે પપ્પા તો તમારું ઘર છે હું મારા ઘરને મારી મહેનતથી બનાવવા માગું છું. મને ખૂબ જ સારી નોકરી મળી છે અને સેવિંગ્સ પણ કરી ચુક્યો છું. એટલે હવે મારું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માંગુ છું.
માતા-પિતા બંને થોડા દુઃખી થયા આખરે દીકરો કેમ નવું ઘર બનાવવા માંગે છે શું દીકરો અલગ થવા માંગે છે? એમ ઘણા બધા સવાલો તેના મનમાં આવ્યા પરંતુ તેના દીકરાને તેઓએ આગળ એક પણ સવાલ ન કર્યો. પિતાએ માત્ર એટલું કહ્યું ભલે દીકરા તારી જેવી ઈચ્છા.
આ વાત થયા ને પણ આઠ મહિના જેટલો સમય વીતી ગયો હતો અને આઠ મહિનામાં કાર્તિકે અને શીતલ એ બંને એ મળીને ઘર કેવું બનાવવું તેના નિર્ણયો પણ લીધા હતા અને હવે બસ થોડા જ સમયમાં ઘર તૈયાર થઇ જવાનું હતું.
કાર્તિક આ આઠ મહિનાના સમયગાળામાં તેના પિતા સાથે ઘર વિશે ચર્ચા કરતો પરંતુ ગણીને પાંચથી છ વખત માત્ર ઘર વિશે સલાહ માંગી હશે બાકી તો એક બે વખત પરાણે તેના માતા-પિતાને ઘર બનતું હતું એ જોવા લઈ ગયો હતો પરંતુ માત્ર ઘર ની જગ્યા જોઈને બધા લોકો પાછા ફરી ગયા હતા બસ ઘર અંદરથી કઈ રીતે બનશે એ કંઈ ચર્ચા કરવાનું જાણે જરૂરી ન લાગ્યું હોય એવું વર્તન કાર્તિક નું હતું.
માતા-પિતાએ સામેથી પણ તેને કશું પૂછ્યું નહીં, પિતા તો હજુ પણ પોતાની જાતને ક્યારેક સમજાવી લેતા પરંતુ ભાવનાબેન તો જાણે અંદરથી તૂટી ગયા હતા. એકનો એક દીકરો જેને જીવ થી વધારે પ્રેમ કર્યો હોય એના લગ્ન થયાના થોડા જ મહિનામાં એ આવી વાતો કરે અલગ રહેવા માટે ઘર બનાવે. એટલે હવે ધીમે ધીમે તે કાર્તિક નો બોલ્યા વગર જ જાણે તિરસ્કાર કરવા લાગ્યા હોય એ રીતે રહેવા લાગ્યા હતા.
સાસુ-વહુ વચ્ચે ઝઘડા થયા હોય કે આ ઘરમાં રહેવું ન ફાવતું હોય અથવા આ ઘરમાં સગવડતા ઓછી હોય તો વસ્તુ અલગ છે પરંતુ પરેશભાઈ ના ઘરમાં પણ કોઈ ખામી નહોતી અને વહુ સાથે આજ સુધીમાં કોઇ પણ વખત ભાવનાબેન ને જરાપણ ઝઘડો થયો.
શીતલ ના માતા પિતા આર્થિક ધોરણે કાર્તિક કરતા અનેક ગણા પૈસા વાળા હતા પરંતુ શીતલ ના વ્યવહાર માં જરાપણ અભિમાન નહોતું.
ભાવનાબેન ઘણી વખત એકલા હોય ત્યારે વિચારોમાં ખોવાઈ જતા કે આખરે આપણે એવું તે કયું પાપ કર્યું હશે કે જેના કારણે આવું ફળ મળ્યું? એકનો એક દીકરો પણ થોડા જ સમયમાં હવે ઘર છોડીને ચાલ્યો જશે. દીકરી જેવી વહુ પણ થોડા જ સમયમાં ચાલી જશે આવા વિચાર માત્રથી તેની આંખમાંથી આંસુ નીકળી પડતા.
ભાવનાબેન ના સાસુ સસરા ની દિલથી સેવા કરી હતી, કોઈ દિવસ તેના સાસુ સસરાનું જરાપણ અપમાન નહોતું કર્યું. અને તેની સાસુએ તો અંતિમ સમયમાં એવા આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન તને હંમેશા ખુશ રાખશે પરંતુ જાણે કોઈની ખરાબ નજર લાગી ગઇ હોય એમ હવે પરિવાર જાણે અલગ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
ધીરે-ધીરે સમય વીતતો ગયો અને પોતાના દિલને દિલાસો આપીને સમજાવતા રહેતા. એક વખત આ વાત તેઓએ પરેશ ભાઈ ને પણ કરી ત્યારે પરેશભાઈ એ કહ્યું અરે તને જ્યારે પણ મન કરે ત્યારે તું કાર્તિકના ઘરે જતી રહેજે, આપણો દીકરો પ્રગતિ કરી રહ્યો છે આટલી નાની ઉંમરમાં તે ખૂબ જ સારી કમાણી કરી રહ્યો છે અને હવે તે પોતાનું ઘર બનાવી રહ્યો છે તો આ વાત ઉપર દુઃખી ના થવું જોઈએ અલબત્ત તેની પ્રશંસા કરવી જોઈએ.
મનમાં તો પરેશભાઈને પણ દીકરા થી અલગ થવાનું દુઃખ હતું પરંતુ એ દુઃખ માત્ર તેના દિલ પૂરતું જ સીમિત રાખતા. અને કોઈ પણ એને કંઈ પણ પૂછે તો કશું જણાવતા નહીં. કાર્તિક જે પણ કંઈ કહે એમાં પોતે જાણે ખુશ હોય એ રીતે જ વર્તન કરતા.
થોડા સમયમાં ઘરનું બધું કામ પૂરું થઈ ગયું એટલે રોજની જેમ એક દિવસ કાર્તિક નીચે આવીને પિતાને કહ્યું પપ્પા હવે ઘર નું કામ બસ પુરું જ થવા જઈ રહ્યું છે, અને નવરાત્રિમાં જ રહેવા જવાનો વિચાર છે.
નવરાત્રી નજીક આવી એટલે ગૃહપ્રવેશની લગભગ બધી તૈયારી કરી ચૂક્યા હતા, શીતલ અને કાર્તિક તો પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. કાર્તિક અને શીતલ અચાનક બંને નીચે આવ્યા અને પિતાના રૂમમાં જઈને કહ્યું પપ્પા આ કપડાં પહેરીને તૈયાર થઈ જાઓ આપણે બસ હવે થોડીવારમાં નીકળવું છે.