શીતલ. બેટા ઘણા દિવસે દેખાઈ હમણાં ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ છે? શીતલના શેરીમાં રહેનારા પાડોશીએ તેને પૂછ્યું
ના માસી ટાઇમ જ નથી મળતો, શીતલ એ જવાબ આપતા કહ્યું…
એવામાં શીતલ ના પાડોશી નું ધ્યાન તેના હાથ પર ગયું અને તરત જ ટિપ્પણી કરતા કહ્યું શીતલ બેટા, આજે તો વ્રતનો દિવસ છે અને આમ તું ખાલી હાથે ફરી રહી છે?
હાથમાં મહેંદી પણ નથી લગાવી, પહેલા તો હંમેશા સૌથી સુંદર મહેંદી તારા હાથમાં લાગેલી જોવા મળતી અને એ તો બાજુ પર છોડ. આજે તે તું કાયમ પહેરતી તે લાલ લીલી સાડી પણ નથી પહેરી?
ત્યારે શીતલ જવાબ આપતા કહ્યું અરે માસી આજે બધું જલદી જલદી મા થયું એમાં હાથ ઉપર મહેંદી લગાવવાની યાદ જ ન આવી.
શીતલ તેના દીકરાને સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી પરંતુ રસ્તામાં જેટલા લોકો સામા મળે ખાસ કરીને જેટલી સ્ત્રીઓ વ્રત કરેલી સામે મળે કે તરત જ તેના હાથની મહેંદી જોઈ ને શીતલ જાણે વિચારોમાં ખોવાઈ જતી.
બધાના હાથોમાં અવનવી મહેંદી જોઈ ને આજે શીતલને તેના સાસુ ની ખૂબ જ યાદ આવતી હતી, કોઈપણ તહેવાર હોય તહેવારના પહેલા જ દિવસે સાસુ તેને તરત જ કહેતા કે વહુ બેટા આજે મહેંદી લગાવજો કારણ કે તહેવાર ઉપર તો ખાલી હાથ સારા ન લાગે.
એ સમયે સાસુ ની આ વાત ઉપર ખૂબ જ ગુસ્સો આવતો અને તરત જ સામે જવાબ પણ આપતી કે મમ્મી, હું ઘરનું કામ કરું કે પછી મહેંદી લગાવીને સુકાવા સુધી બેસી રહું? મારે ઘણા કામ પડ્યા છે…
સાસુ પણ જાણે શીતલના મનની વાત સમજી લેતા હોય એ રીતે કહેતા અરે બેટા અત્યારે તો તમારે તૈયાર મહેંદી ના કોન મળે છે પરંતુ અમારા જમાનામાં તો આવા તૈયાર મહેંદી ના કોન મળતાં અહીં અમારે જાતે જ બધું બનાવીને મહેંદી નો કોન બનાવવો પડતો. અને એમાં પણ ત્રણથી ચાર કલાક તો મહેંદીને સુકાવી રાખવી પડતી.
અને સાસુમા પોતાની વાત આગળ વધારતાં કહેતા કે ચા પાણી તો હું પણ કરી શકું તું મહેંદી લગાવી લે હવે તો અડધો-એક કલાકમાં મહેંદી તૈયાર થઈ જાય છે.
વારંવાર સાસુ શીતલને કહે રાખે એટલે અંતે શીતલ મહેંદી લગાવતી. અને થોડા કલાકો પછી જ્યારે પોતાના જ હાથ ઉપર એ મહેંદી નો કલર સરસ શોભી રહ્યો છે તેમ જોઈને થોડા જ સમય પછી ખુશ થઈ જતી અને જ્યારે પણ દીકરાને સ્કૂલે મુકવા જાય અથવા પછી બહાર જાય ત્યારે બધા પાડોશીઓની નજર તેના હાથ ઉપર પડતી અને બધા લોકો તેના મહેંદી ના વખાણ કરતા ત્યારે તેને પોતાની સાસુ ઉપર ખુબ જ પ્રેમ આવી પડતો.
શીતલ દીકરાને સ્કૂલે મૂકીને ફરી પાછી ઘરે આવી અને ફરી પાછી સાસુ ની યાદમાં ખોવાઈ ગઈ. શીતલ ના સાસુ ના ગયા પછી શીતલને ઘેરો આઘાત લાગ્યો હતો અને તે તેના સાસુ ને અવારનવાર યાદ કરતી રહેતી.
હજુ શીતલ જમી ન જમી ત્યાં દીકરાને સ્કૂલેથી તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. દીકરાને સ્કૂલે થી તેડીને આવતા આવતા પણ બધા લોકોના હાથમાં મહેંદી જોઈ ને શીતલને જૂના દિવસો યાદ આવતા.