ચારે બાજુ ઘનઘોર અંધારું છે અને બંધ રૂમમાં એક ખૂણે બેસેલી બંસી વિચારી રહી હોય છે અને ભગવાન સાથે એકલી એકલી વાતો કરતી હોય છે.
હે ભગવાન મેં એવા તે શું કર્મ કર્યા છે? તે તમે મારી આવી પરીક્ષા લો છો. શું મારે મારી આખી જિંદગી આજ વિચારમાં પીસાવાનું છે કે મારા ગયા પછી મારા મમ્મી પપ્પા નું શું? લોકો રાત્રે એ વિચારીને સુતા હોય છે કે કાલનો મારો દિવસ કેવી સારી રીતે પસાર થશે, પરંતુ હું તો અહીં એવું વિચારીને શું ઓછું કે કાલે મારા મમ્મી પપ્પા ને મારા લીધે ક્યુ નવું મેણું સાંભળવું પડશે.
ના તો મને મારા જીવનમાં બહેનની હૂંફ મળી કે ના ભાઈ નો પ્રેમ મળ્યો, ન તો કપડામાં ભાગીદારી કરતી બહેન મળી કે ન તો નાની નાની વાતોમાં ભૂલ કાઢનાર વીરો મળ્યો.
તેની ભગવાન સાથે વાત ચાલુ હતી એવામાં મનીષાબેને રસોડામાંથી અવાજ કર્યો બીટુ ક્યાં છો તું?? ચાલ આપણે જમી લઈએ.
બંસી આંસુ લુછતી કહે છે એ હા આવી, હે ભગવાન હવે તમે જ મને સાચો રસ્તો બતાવજો.
બંસી રસોડામાં જઈને પૂછે છે પપ્પા નથી આવ્યા હજી?
“ના, એમનો ફોન હતો કે એમને કામ છે તો તે હવે રાત્રે જ આવશે, તો આપણે હવે જમી લઈએ.” મનિષાબેને જવાબ આપતા કહ્યું
મનિષાબેન જમવા નું પીરસે છે.
જમતા જમતા તેને કહ્યું બીટુ તને ખબર છે આપણી પાડોશીની છોકરી રાધુનું નક્કી કર્યું. છોકરો સરકારી નોકરી કરે છે અને પરિવાર પણ સારો છે, તેની તો હવે જિંદગી સુધરી ગઈ હવે તારા માટે પણ આવો જ પરિવાર શોધવો છે.
બંસી એ જવાબ આપતા કહ્યું મમ્મી તે પાછી લગ્નની વાત શરૂ કરી દીધી,. જમવા ટાઇમે તો શાંતિ રાખો, અને તમે રાધુ ની વાત કરો છો તો તેના ગયા પછી તો તેના મમ્મી પપ્પાને સાચવવા તેનો ભાઈ છે, તમારું કોણ?
“એ બધી વાત તું મુક, હવે તું મારી વાત સાંભળ, તારા માટે એક ખૂબ જ સરસ માંગુ આવ્યું છે. મારા ને તારા પપ્પાના મગજમાં તો આ ઠેકાણું બેસી ગયું છે. હવે તું હા કહે એટલી જ રાહ છે, તો તું એક વખત છોકરાને મળી લે. છોકરાનું નામ માધવ છે. તેને પોતાનો જ ધંધો છે. બહુ મોટી ફેક્ટરીનો માલિક છે. સારું એવું કમાઈ લે છે અને લોકો પણ ખાનદાની છે. લેતું એક વખત બાયોડેટા તો જોઈ લે, કેવો સરસ છોકરો છે.” મનિષાબેન એ કહ્યું.
ફોટો જોઈને શરમાતા શરમાતા બંસીએ કહ્યું પણ મારે લગ્ન નથી કરવા.
મનીષાબેન એ કહ્યું કે છોકરો સારો છે તું એકવાર મળી તો લે.
બંસી કહે પણ હું ક્યાં ના પાડું છું કે છોકરો સારો નથી. મનમાં તે પોતે પણ હરખાઈ રહી હોય છે.
પછી ગંભીર થતા કહે છે પરંતુ મારે લગ્ન નથી કરવા.
મનીષા બેને કહ્યું છોકરો સારો છે, તેનો પરિવાર પણ સારો છે તો તું મળી તો લે એક વખત. તે મનમાં વિચારી રહ્યા હતા કે બીટુ ને છોકરો તો ગમ્યો છે પરંતુ થોડી હઠ પકડીને બેઠી છે.
અંતે બે દિવસ પછી બંસી છોકરાને જોવા માટે તૈયાર થઈ જાય છે.
મનિષાબેન બધી તૈયારી કરી રહ્યા હોય છે, હાસ બે દિવસે આ છોકરી માની છે. કેટલી બધી તૈયારી કરવાની બાકી છે, હમણાં એ લોકો આવતા જ હશે.
છોકરો અને તેનો પરિવાર આવે છે.
બંસીના માતા-પિતા પરિવારનું અભિવાદન કરે છે, આવો… આવો… જય શ્રી કૃષ્ણ.
થોડા સમય પછી બંસી બધા માટે પાણી લઈને આવે છે, પાણી આપ્યા પછી બંસી ત્યાં બેસી જાય છે.
એવા મા મનિષા બેને કહ્યું બીટુ, માધવ ને આપણું ઘર તો બતાવ, અને તમે બંને થોડી વાતો પણ કરી લો.