દર્શિત અને રાધિકા બંને નાનપણથી એક શેરીમાં સાથે જ રહેતા હતા, બંને લોકો પાડોશી હોવાથી બંને નો પરિવાર પણ એકબીજાને ઓળખતા. સ્કૂલ સાથે પૂરી થયા પછી કોલેજમાં પણ બંનેને સાથે જ એડમિશન મળ્યું અને બંને કોલેજમાં પણ સાથે જ હતા.
વર્ષોથી સાથે જ અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા પણ હતી, દર્શિત ના પિતા સરકારી નોકરી કરી રહ્યા હતા જ્યારે રાધિકાના પિતાને પોતાનો ધંધો હતો. કોલેજનો અભ્યાસ પણ પુરો થઈ ગયો હોવાથી બંને નોકરી શોધી રહ્યા હતા. અને સાથે સાથે રાધિકા માટે તેના પિતા લગ્ન માટે પણ વિચારી રહ્યા હતા.
રાધિકા ની ઉંમર પણ લગ્ન જેવી થઈ ચૂકી હોવાથી તેના પિતાએ સારું પાત્ર મળી જાય તો લગ્ન કરવા માટે તપાસ ચાલુ રાખી હતી. એક સંબંધી હસ્તે એક સંબંધ નું માંગુ આવ્યુ હોવાથી રાધિકાના પિતાએ છોકરા વાળા ને ઘર જોવાનું આમંત્રણ આપ્યું અને સાથે સાથે દીકરીને પણ જોઈ લે.
બે દિવસ પછી નો સમય નક્કી થયો હોવાથી, રાધિકાને પણ વાત કરી કે તને જોવા માટે એક છોકરો આવવાનો છે. તને પસંદ પડે તો આપણે આગળ વધીશું, બે દિવસ પછી છોકરા વાળા ઘર જોવા માટે આવ્યા. ઘર જોયા પછી ચા પાણી નાસ્તો કરાવવામાં આવ્યા અને થોડા સમય પછી તેઓ નીકળી ગયા. જતાં જતાં તેઓ રાધિકા ના પિતા ને કહેતા ગયા કે અમે તમને કાલે જવાબ આપીશું.
બીજા દિવસે સવારે રાધિકા ના પિતા ફોન માટે રાહ જોઈ રહ્યા હતા, સવારે તૈયાર થઈને નાસ્તો કર્યા પછી પણ તેઓ ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ ફોન ન આવ્યો, રાધિકાના પિતાનો દુકાને જવાનો ટાઈમ થઈ ચૂક્યો હોવાથી તેઓ દુકાન જવા નીકળી ગયા. જતાં જતાં કહેતા ગયા કે મને ફોન આવશે તો હું જે કંઈ હશે તે જાણ કરીશ.
તે દુકાને પહોંચ્યા અને થોડા સમય પછી તરત જ તેના ફોનની ઘંટડી વાગી, ફોન ઉપાડ્યો ત્યારે વાત કરતા કરતા સામેવાળાએ એવી જાણવાની કોશિશ કરી કે દીકરીના પિતા લગ્ન માં શું શું આપશે? રાધિકાના પિતાને ધંધો ખૂબ જ સારો ચાલતો હોવાથી આલીશાન બંગલામાં રહેતા હતા અને તેનું ઘર જોઈને ઘણા લોકોને લાલચ થઈ જતી.
અને રાધિકા ના પિતા બધી વાતમાં ત્યાં જ અટકી જતા કારણ કે તેનું માનવું એવું હતું કે તે પોતાની દીકરીને લગ્નમાં ગમે તેટલું આપે પરંતુ તેનાથી તેના દીકરી અને જમાઈ ની જીંદગી થોડી ચાલવાની છે, માણસ દહેજની અને રૂપિયાની માંગણી કરે છે તો તેનું એવું માનવું હતું કે શું તેના દીકરા માં એટલી તાકાત નથી કે કોઈ ની દીકરી ને પરણી ને પોતાના ઘરે લઈ જાય અને સુખ શાંતિથી રાખી શકે.