એક કપલ હતું, તેઓના લગ્નને 7 વર્ષ થઈ ચુક્યા હતા. લગ્ન જીવન ની શરૂઆત માં તે કપલ ખુબ જ સુખેથી રહેતું હતું, પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે કોઈ ને કોઈ બાબતમાં નાનો મોટો ઝઘડો થતાં રહેતો. તેઓને સંતાનમાં એક દીકરો હતો જે ત્રણ વર્ષનો હતો.
એક દિવસ રવિવાર હોવાથી, પતિ ના ઓફિસમાં આજે રજા હતી. એટલા જ માટે તે આરામથી સુઈ રહ્યો હતો. પરંતુ કોઈને કોઈ વાતને લઈને આજે ફરી પાછો તે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પત્નીથી પતિને થોડું બોલાય ગયું.
જેનું માઠું લગાડીને પતિ અત્યંત ગુસ્સે થઈ ગયો, અને પોતે પણ સામે બોલવા લાગ્યો. બોલતા બોલતા તેનો ગુસ્સો વધતો જતો હતો. અત્યંત ગુસ્સામાં તે ઘરની બહાર નીકળી ગયો. પત્ની હજુ કંઈપણ વાત કરે અથવા સામો જવાબ આપે તે પહેલા તે ઘરની બહાર નીકળી ગયો.
પાછળ પત્ની પણ રસોડામાંથી ઘરના દરવાજા સુધી આવી, ત્યાં સુધીમાં તેના પતિદેવ તો ઘરની બહાર ચાલી ગયા હતા, દરવાજે ઊભી રહીને પત્નીએ નજર કરી પરંતુ આજુબાજુમાં ક્યાંય દેખાયા નહીં. એટલે તેને ચિંતા થવા લાગી કે તેઓ ક્યાં ચાલ્યા ગયા હશે?
પત્ની ઊભી વિચારવા લાગી કે એક તો કાતિલ ઠંડી ચાલી રહી છે, અને સવારમાં તેઓએ સ્વેટર પણ નથી પહેર્યું. આજે સવારનો ચા પણ નથી પીધો. એક પછી એક બધા વિચારો આવવા લાગ્યા, તેના પતિ કંઈ ખોટું પગલું તો નહીં ભરી લે ને એવા વિચારો પણ તેને આવવા લાગ્યા.
અને આ બાજુ તેનો પતિ તો ગુસ્સામાં નીકળી ગયો હતો, ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. ચાલતા ચાલતા વિચારી રહ્યો હતો કે હવે હું ક્યારેય આવી ઝઘડાળુ પત્ની સાથે વાત પણ કરવાનો નથી. મારો રવિવાર બગાડી નાખ્યો, જ્યારે હોય ત્યારે ઝઘડા કરવાનું બહાનું જ શોધતી રહે છે.
માણસને એક રવિવારના દિવસે પણ શાંતિથી રહેવા નથી દેતી, કોઈપણ આ વાતને લઈને ઝઘડો શરૂ કરી દે છે. થોડે દૂર ગયા પછી પતિને એહસાસ થવા લાગ્યો કે આજે જરા ઠંડી પણ ખૂબ જ વધારે છે, પરંતુ ઘરથી દુર નીકળી ગયો હતો હવે શું કરવું?
એવામાં ચાલતાં-ચાલતાં એક ચા ની દુકાન દેખાઈ, દુકાન થોડે દૂર હતી પરંતુ હિંમત કરીને એટલું ચાલી ગયો અને ત્યાં જઈને ચા નો ઓર્ડર આપ્યો. એવું વિચારીને કે ગરમાગરમ ચા પીવાથી થોડી ઠંડી ઓછી થઈ જશે. ચા નો ઓર્ડર આપીને તે ત્યાં રહેલા બાંકડા પર બેસી ગયો.
અને બાજુમાં નજર કરી તો ત્યાં ચા પીવા માટે તેના જ પાડોશી પણ બેઠા હતા. તેની સામે જોઈને હસ્ય એટલે પાડોશીએ પૂછ્યું કે, શું વાત છે આજે તો સવાર સવારમાં તમે અહીં ચા પીવા માટે આવી ગયા છો? ઘરેથી પત્ની પિયર ગયા છે કે શું?
તેના પાડોશી વૃદ્ધ હતા, લગભગ ૮૦ વર્ષની ઉંમર હશે. દરરોજ સવારે અહીં જ ચા પીવા માટે આવતા હતા, તેઓ તો સ્વેટર ટોપી મોજા વગેરે બધું પહેર્યું હતું. પત્ની વિશે પૂછ્યું એટલે ફરી પાછો પતિ ગુસ્સે થઈ ગયો, અને કહ્યું કે મારી પત્ની કાયમ મારી સાથે ઝઘડો કર્યા કરે છે.
પોતાની વાત આગળ વધારતાં પતિએ કહ્યું કે આખો દિવસ મારી સાથે કોઈ ને કોઈ બહાનું શોધી ને ઝઘડતી રહે છે. અને અત્યારે પણ આજે સવારે જ એવું થયું, એટલે આજે તો હું ઘરની બહાર જ નીકળી ગયો. પરંતુ રસ્તામાં ઠંડી લાગી એટલે અહીં ચા પીવા માટે આવ્યો છું. આજે તો હું મારી પત્ની થી કંટાળી ગયો છું.