વાત તાજેતરની છે, હમણાં થોડા દિવસ પહેલાં જ મારે વસ્તુ લેવા અર્થે બહાર જવાનું થયું. મોટાભાગે જે કામ માટે બહાર નીકળ્યો હોય તે કામ પતાવીને સીધું પાછા ફરવું એ જ મારી આદત છે. પરંતુ આ વખતે ખબર નહીં કેમ પરંતુ કંઈક અલગ થયું.
હું જે વસ્તુ લેવા ગયો હતો એ વસ્તુ લઈને પાછી ફરતી વખતે એક દુકાનની સામે એક દાદા એક થેલો ખભા પર લટકાવી ત્યાં ઊભા હતા જમણા હાથેથી ખભા પર લટકાવેલા થયેલા ને ટેકો આપી રહ્યા હતા અને ડાબા હાથમાં ચાર ચશ્મા પકડી રાખ્યા હતા. જમણા હાથેથી જે રીતે તેઓ થેલા ને ટેકો આપી રહ્યા હતા એ જોતાં જ લાગતું હતું કે ઘણા સમયથી થયેલો ઊંચકીને થાકી ગયા હશે એટલે કદાચ જમણા હાથેથી થેલા ને જરા ટેકો આપીને ખભાને આરામ મળે તેઓ પ્રયાસ કરી રહ્યા હોય.
ડાબા હાથમાં જે ચશ્મા પકડીને રાખ્યા હતા તે ચશ્મા જોઈને પ્રાથમિક એવી માહિતી મળતી હતી કે લગભગ બેતાલા ચશ્મા હશે તેમ છતાં હું ત્યાં નજીક ગયો અને દાદાને પૂછ્યું દાદા નંબરવાળા ચશ્મા છે, તેઓએ કહ્યું હા બધા બેતાલા ચશ્મા છે. એટલે મેં દાદા ને પૂછ્યું શું તમારી પાસે નંબર વગરના ચશ્મા હશે?
દાદાએ કહ્યું ના એવા તો નથી, તમારે કેવા ચશ્મા જોઈએ છે? મેં દાદાને કહ્યું મારે ફ્રેમ લેસ ચશ્મા જોઈએ છે જો તમારી પાસે એવા હોય તો મને બતાવો. દાદા તે શબ્દ સાંભળીને થોડા મૂંઝાયા, જાણે સાંભળ્યું ન હોય એ રીતે મને કહ્યું કેવા? મેં જવાબમાં કહ્યું મારે ફ્રેમ વગર ના ચશ્મા જોઈએ છે, થ્રી પીસ, તમારી પાસે હશે?
દાદાએ કહ્યું એવા તો મારી પાસે નહીં હોય, પરંતુ જ્યારે મેં પહેલી વખત તેઓને પૂછ્યું ત્યારે જ તેઓના ચહેરા ના હાવભાવ જોઈને લાગ્યું કે શબ્દને બરોબર સમજી ન શક્યા અથવા કદાચ તેઓને ખબર જ ન હતી કે આ શબ્દ નો અર્થ શું થાય. આ ચશ્મા કઈ પ્રકારના કહેવાય.
જો ઘણા વર્ષોથી ચશ્મા નો વેપાર કરતા હોઈએ તો આ શબ્દને તરત જ ઓળખી જોઈએ પરંતુ દાદા આ શબ્દને ન ઓળખી શક્યા એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ દાદાએ ચશ્માનો વેપાર નવો નવો શરૂ કર્યો હોય.
દાદાને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવીએ તો લગભગ ૭૦થી ૭૫ વર્ષની ઉંમરના હશે. મેં સહજતાથી દાદા ને પૂછ્યું દાદા એક વાત પૂછું એનો જવાબ આપશો, તમે આ ચશ્મા નો ધંધો હમણાં શરૂ કર્યો છે કે ઘણા વર્ષોથી વેપાર કરો છો?
મારો અંદાજ તો સાચો નિકળ્યો કારણ કે દાદાએ જવાબ આપતા કહ્યું મેં હમણાં થી જ ચશ્મા નો વેપાર ચાલુ કર્યો છે.
૭૦ થી ૭૫ વર્ષની ઉંમરે પણ કમાવવા માટે ઘરનું ગુજરાન ચલાવવા માટે કે જે પણ કોઈ કારણ હોય તેના માટે નવો વેપાર ચાલુ કરવો તે ખૂબ જ આશ્ચર્યજનક વાત કહેવાય. મેં તેઓને પૂછ્યું દાદા તમે કેમ આ ઉંમરે નવો ધંધો શરૂ કર્યો?