એક કપલ ની આ વાત છે, છ મહિના પહેલા સગાઈ થઈ હતી, ત્યાર પછી લગ્ન પણ કરી દેવામાં આવ્યા. તે બંને લગ્નજીવનથી એકદમ સુખી હતા, અને તેઓનું જીવન સુખી રીતે સાથે સાથે સાદાઈથી જીવતા હતા. પરંતુ તેઓને સંતાન ન થતા હતા. એક પણ તરકીબ કહો કે એક પણ ડોક્ટર કોઈ બાકી રાખ્યા નહોતા. અંતે 7 વર્ષ પછી એક બાળકનો જન્મ થયો. પરિવારમાં ખુબ ખુશી ની લાગણી પ્રસરી ગઈ, બાળકનું નામ વિવેક રાખવામાં આવ્યુ. આ સંતાનને બંને કપલ ખુબ લાડકોડ થી ઉછેરતા, અને બાળક પણ લાખોમાંનો એક કહીએ તો ચાલે તેવો. નામ જેવો જ ગુણી.
પાંચ વર્ષ નો થયા પછી વિવેકનું ભણવાનું પણ ચાલુ કરાવી દીધુ, અને ભણતર માં પણ હોંશીયાર.
જેમ મોટો થતો તેમ વધુ સમજતો જાય બોલતો થયા પછી શેરીમાં રમવા જાય અને બધાની સાથે ભળી જાય તેવો સ્વભાવ. કોઈનું દુખ જરા પણ સહન ન થાય, ક્રીકેટ જેવી રમત માં પણ કોઈ આઉટ થઈ નીરાશ થઈને જાય તે વિવેક ને ન ગમતુ. તે એને ફરીથી દાવ આપતો.
જોત જોતામાં વિવેક ને 10 વર્ષ થઈ ગયા. જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમ નો સમય, વિવેક ને મેળામાં જવું બહુ જ ગમતુ, માટે દર વર્ષે તેના માતા-પિતા ગામડે થી 30 કિ.મી. દુર મેળો ભરાતો પણ ત્યાં અચુક લઈ જતા અને એને જે જોઈએ તે લઈ દેતા.
સાતમ નો દિવસ આવ્યો એટલે માતા-પિતાએ વિચાર્યુ કે આપણે આજે જઈ આવીએ શહેરમાં ખરીદી પણ થઈ જાય અને વિવેક ને મેળામાં પણ ફરાઈ જાય.
બંને વિવેક ને લઈને નીકળી પડ્યા. ગામડે થી બસ મળી જતી પણ હાઈવે પર ઉતારી દેતી અને ત્યાંથી શહેર માં જવુ હોય તો એકાદ કિલોમીટર ચાલવું પડે, શહેર પહોંચી ને ખરીદી પતાવી ત્યાં સાંજના ૭ વાગી ગયા. અને પછી ગયા મેળામાં અને આખો મેળો ફરી વળ્યાં, ત્રણ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ના પડી, પછી જમી કરીને પાછુ હાઈવે બાજુ જવા લાગ્યા.
હાઈવે પર ચાલી ને જતા હતાં ત્યારે અચાનક પાછળથી પુરઝડપે આવતા ખટારા એ વિવેક ને હડફેટે લઈ લીધો. અને મા-બાપ ની નજરસમક્ષ ઘટનાસ્થળે જ તેના એક ના એક દિકરા નું કમકમાટી ભર્યુ મોત થયુ.