વૃદ્ધાશ્રમમાં એક ખૂણામાં બેસીને સવિતાબેન જાણે કોઈ બાળક રોઈ રહ્યું હોય તેમ ધ્રુસકે અને ધ્રુસકે રડી રહ્યા હતા. અને અતીત ના વિચાર માં ડૂબી ગયા હતા. એ વિચારો વર્ષો જુના તેના લગ્ન થયા તે સમયના હતા, લગ્ન થયા પછી કેવી ધામધૂમ કરવામાં આવી હતી,
તેના સાસુએ અને સાસરીમાં બધાએ કેવો સ્નેહ દાખવ્યો હતો, સાસુના મોઢા પર તો દીકરી થી વધારે તેની વહુનું નામ આવતું, આખો દિવસ બસ સવિતા સવિતા કરતા થાકતા જ નહિ, સવિતા આ ખાઈ લે, સવિતા આજે અહીં જવાનું છે આ પહેરજે, સવિતા જો આજે તારા માટે આ સાડી લાવી અને આવી તો અનેક યાદો તેના સ્મરણમાં હતી.
સાથે સાથે અમુક ખરાબ યાદો પણ આજે તાજા થઈ રહી હતી. તેના સાસુએ તેની સાથે ગમે તેટલું સારું કર્યું હોવા છતાં સસરાના ગયા પછી તેને જે તેની સાસુ સાથે કર્યું તે કેમ યાદ ન હોય, સસરાના ગયા પછી દગો દઈને બધુજ સૌથી પહેલા પોતાના નામે કરાવ્યું હતું અને પછી તો સાસુની રોટલી પણ જાણે તેને ભારે પડવા લાગી.
વર્ષો પહેલા ની પતિ સાથે થયેલી વાતચીત પણ આજે તાજી થઈ ગઈ કેમ પતિને બેધડક કહી દીધું હતું કે તમને કહી દઉં છું કે તમારી માં ને મારાથી નહીં સચવાય, તમે તેને ગામડે મોકલી દો. અથવા બીજી કોઈ વ્યવસ્થા કરો.
વાત સાંભળીને પતિએ પૂછ્યું હતું કે પરંતુ સરિતા તું તો જાણે છે કે ગામડામાં તેને રાખવાવાળું કોઈ નથી અને અહીં મમ્મી રહે એમાં શું વાંધો છે તને, હવે તો સંપત્તિ પણ તારા નામે છે. પતિ એ ખૂબ જ બેબસ થઈને આ વાત કહી હતી પરંતુ એ વાતનો જવાબ પણ સવિતા પાસે તૈયાર હતો તેને કહ્યું કે
હું કંઈ નથી જાણતી બસ મારે તમારી મમ્મી અહીંયા જોઈએ નહીં, અને સંપત્તિની વાત છે તો એ તો હવે આ ઉંમરમાં સંપત્તિનું શું કરશે? એને જેટલા ખર્ચામાં જોઈશે એટલા પૈસા આપણે આપી દઈશુ. પતિ પત્ની વચ્ચે થયેલી આ બબાલ બહાર તેની સાસુ સાંભળી રહ્યા હતા.
પરંતુ દીકરાના ઘરમાં ઝઘડો આગળ ન વધે તેમ જ દીકરા નું ઘર ન તૂટે એટલે પોતે જ થોડા દિવસ પછી દીકરાને કહ્યું બેટા મારું અહીંયા મન નથી લાગતું તું મને ગામડે મૂકી જા.
દીકરો પણ સમજી ગયો હતો કે માતાને આખી વાતની ખબર પડી ગઈ છે. પરંતુ હવે તેને રોકવાનો પણ ઘણો પ્રયાસ કર્યો પણ બધા પ્રયાસ વ્યર્થ ગયા. દીકરાએ પૌત્રના માટે પણ રોકાઈ જવા માટે કહ્યું પરંતુ દાદી જાણે લાગણી હીન થઈ ગયા હોય અથવા દીકરાનું ઘર બચી જાય એ માટે મહેનત કરી રહ્યા હોય પરંતુ તે શહેરમાં રોકાયા નહીં.