શીતલના લગ્નને ઘણા વર્ષો થઈ ચૂક્યા હતા, અને હવે તેના ઘરમાં બીજો પ્રસંગ આવ્યો હતો. થોડા જ દિવસોમાં તેની નણંદ ના લગ્ન થવાના હતા. આથી નણંદ ના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. અને ઘરમાં પૈસાની કોઈપણ જાતની ખામી ન હોવાથી લગ્ન પણ ખૂબ ધામધૂમથી થવાના હતા. આમ જોવા જઈએ તો શીતલ અને તેની એકની એક નણંદ બંને બહેનપણીઓ જેવી જ થઈ ચૂકી હતી. નણંદ જેવો સંબંધ તો હતો જ નહીં.
નણંદ ના લગ્ન થયા પછી ઘર કેટલું ખાલી ખાલી થઈ જશે, બસ આ જ વિચાર શીતલ ના મગજ માં ફર્યા કરતો. આખું ઘર મહેમાનોથી ભરાયેલું હતું, ચારે બાજુ સંગીતની ગુંજ સંભળાઈ રહી હતી, કોઈ લગ્નમાં કરવાના ડાન્સ ની તૈયારીઓ કરી રહ્યું હતું તો ઘણા લોકો એકબીજા સાથે મજાક-મસ્તી કરી રહ્યા હતા. ઘરનું વાતાવરણ આનંદમય હતું પરંતુ શીતલને નણંદ ના લગ્ન થયા પછી ઘર ખાલી ખાલી થઈ જશે એની ચિંતા તો હતી પરંતુ સાથે સાથે વધુ એક ચિંતા પણ હતી. નણંદ ના લગ્નમાં શીતલના પિયરથી શું શું વસ્તુ આવશે, એની જાણે અમુક લોકો રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને શીતલના સસરા ની બહેન એટલે કે શીતલ ની ફઈજી સાસુ.
હજુ તો આ ચિંતા કરી રહી હતી ત્યાં જ અવાજ આવ્યો ભાભી, વહુ ને ત્યાંથી કોઈ આવ્યું કે નહીં?
અરે લગ્ન કાલે છે ને, તો આજે સાંજ સુધીમાં કોઈ આવી જશે. તમે શું કામ પરેશાન થઇ રહ્યા છો? આવું કહીને શીતલ ના સાસુ આ સવાલને ટાળવાની કોશિશ કરતા રહ્યા…
ફઈ શરૂ થઈ ગયા… “જોઈએ તો ખરી શું લઈને આવે છે? આમ પણ શું લઈને આવશે? અભયને પણ લગ્ન વખતે ક્યાં કશું આપ્યું હતું, બધા સગા-સંબંધીઓ વચ્ચે આપણું નાક કપાઈ ગયું હતું.”
શીતલ ભલે બાજુમાં ન હતી પણ આ બધી વાતો તે સાંભળી રહી હતી, શીતલ ના સાસુ અને સસરા તેમજ શીતલ ના પતિ અભય કાયમ એવી કોશિશ કરતા કે આ વાતની શીતલ ને ખબર ના પડે, પરંતુ અંતે શીતલને આ વાતની ખબર પડી ગઈ.
શીતલ ને થોડી વધુ ચિંતા થવા લાગી, કારણ કે તેના પિયરમાંથી શું આવશે તેની તેને તો ખબર જ હતી. તેના મમ્મી અને પપ્પા ના ગુજરી ગયા પછી તેના ભાભીએ તેની સાથે નહીં બરાબર સંબંધ રાખ્યો હતો. એક જ શહેરમાં બંને રહેતા હોવા છતાં વર્ષમાં લગભગ એક બે વખત જ પિયર જવાનું થતું. શીતલ ના પિયરમાં પણ પૈસાની કોઈ પ્રકારની ખામી ન હતી. પરંતુ તેના ભાઇ અને ભાભી નું વર્તન માતા પિતાના ગયા પછી શીતલ સાથે સાવ બદલાઇ ચૂક્યું હતું…
નીચે થી અવાજ આવ્યો, નોકરે કહ્યું શીતલ ભાભી તમારા ભાઈ આવ્યા છે. તમને મમ્મીજી બોલાવે છે. નોકર નો અવાજ સંભળાયો એટલે શીતલ નીચે જઈ રહી હતી ત્યારે શીતલ નો ભાઈ તેની સાસુ સાથે વાત કરી રહ્યો હતો…
તેનો ભાઈ ખૂબ જ ઉતાવળમાં હતો, “અરે નહીં નહીં, કંઈ નહીં ફાવે… હું બસ આ દેવા આવ્યો છું. કાલે ફરી પાછું બધાને લઈને આવીશ, બીજું કંઈ કામ હોય તો જણાવજો.” બસ આટલું કહીને તેનો ભાઈ નીકળવા લાગ્યો…
શીતલ એ કહ્યું અરે ભાઈ પાણી તો પી લે, ભાઈએ કહ્યું ના અત્યારે થોડી ઉતાવળ છે પછી હું આવું છું આટલું કહીને તેનો ભાઈ ત્યાંથી નીકળી ગયો.
શીતલ નું મન ભરાઈ ગયું, કારણકે તેનો ભાઈ આવ્યો હતો પણ પાંચ મિનિટ પણ રોકાયો નહીં. તેના ભાઈને વળાવીને પાછી આવી ત્યારે તેનો ભાઈ લઈને આવ્યો હતો તે બેગમાં નજર કરી તો એક સાડી પડી હતી અને બે-ત્રણ મીઠાઈ ના ડબ્બા હતા.