તપતા સૂરજના મધ્યમ કિરણો બારીમાંથી રૂમમાં પ્રસરી રહ્યા હતા જ્યારે વિવેક અને માહી પોતાના મમ્મીના ઘરે પહોંચ્યા, સરપ્રાઈઝ આપવા માટે પહેલા કોઈને જણાવ્યું નહોતું કે તેઓ આવી રહ્યા છે.
માહી પણ બજારમાંથી મીઠાઈ અને નાની એવી કેક લઈને આવી હતી, દરવાજે પહોંચીને ડોરબેલ વગાડી એટલે થોડા સમય પછી દરવાજો ખુલ્યો, કોણ છે એવા શબ્દો સામે ઊભેલા સુનિતાબેન બોલ્યા દરવાજો આખો ખૂલ્યો કે તરત જ વિવેક અને માહી દેખાઈ ગયા, તેના ચહેરા ઉપર તરત જ મુસ્કાન આવી ગઈ.
માહી પણ તેની સાસુને જોઈને હરખાઈ ગઈ, ગળે લગાડીને કહ્યું મમ્મી, સરપ્રાઈઝ! આજે અમે તમને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા છીએ. શેની સરપ્રાઈઝ? અરે તમારો આજે જન્મદિવસ છે, એટલે જ તો અમે આજે સવારે વહેલા નીકળી ગયા હતા.
કેક કટીંગ કરીને જન્મદિવસ ઉજવ્યો, સુનિતાબેન ને આ બધું ઓછું અનુકૂળ આવતું તેમ છતાં દીકરા વહુનું માન રાખવા માટે તેઓએ થોડી કેક ખાઈ લીધી, કંઈ કામ હોવાથી તેઓ પાછા રૂમમાં ચાલ્યા ગયા.
વિવેક અને માહી ત્યાં હોલમાં રહેલા સોફા ઉપર બેઠા હતા,. ઘણા દિવસે તેઓ તેના મમ્મીના ઘરે આવ્યા હતા. સરપ્રાઈઝ પણ આપી દીધી પરંતુ સરપ્રાઈઝ નો જશ્ન લાંબા સમય સુધી ચાલ્યો નહીં, ચા પીતા વખતે વાતોનો રુખ અચાનક જ તે જુના પરંતુ મજબૂત મકાનની બાજુ ચાલ્યો ગયો. જ્યાં સુનિતાબેન એકલા જ રહેતા હતા.
ચા ની ચુસકી લેતા લેતા માહી એ અચાનક કહ્યું વિવેક, આપણે મમ્મીનું આ ઘર વેચી નાખીએ તો? એની બદલામાં એક નાનો ફ્લેટ લઈ લઈએ, થોડા પૈસા પણ બચી જશે અને આ આવડું મોટું ઘર માતા એકલા રહે છે તો શું કામનું? અને સાથે સાથે ફ્લેટમાં કોઈ હેલ્પ કરવા વાળું પણ મળી રહેશે.
વિવેકનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. આ સાંભળીને વિવેક જગ્યા પરથી ઉભો થઈ ગયો અને તેની પત્નીને કહ્યું, શું કહી રહી છો માહી? તું આ ઘર વેચવાની વાત કરી રહી છે? પિતાના અવસાન પછી માતાએ જ ખૂબ જ મહેનત કરીને આ ઘરને બચાવ્યું છે, સાથે સાથે તેણે જ અમને ઉછેર્યા છે. માતાએ તેને બચાવવા માટે લોહી અને પરસેવો આપ્યો છે અને તું તેને વેચવાની વાત કરે છે? તેના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો.
માહી પણ ચોંકી ગઈ. તેણે વિચાર્યું ન હતું કે આ વાત વિવેકનેઆટલી બધી અસર કરશે, તે સમજાવવા માંગતી હોય કે બીજા કોઈ ઉદેશ્યથી પરંતુ તેને આ વાત આજે વિવેક સામે રાખી દીધી હતી. પણ વિવેકે વચ્ચેથી કહ્યું, આપણે મમ્મીનું ઘર નહીં વેચીએ, બરાબર? અહીં તે ખુશ અને સલામત છે. તેને બીજું કંઈ જ જોઈતું નથી.