રસીલાબેન ને એક મહિના માટે બહારગામ જવાનું થયું. ત્યારે તેની નવી આવેલી બહુ રાધિકાને બોલાવીને તેને કહ્યું બેટા હું એક મહિના માટે બહારગામ જઈ રહી છું, આ સમયગાળા દરમિયાન તને એક કામ સોંપીને જાઉં છું હું જેવી રીતે ઠાકોરજીની સેવા કરતી આવી છું એવી જ રીતે તું પણ ઠાકોરજીની સેવા કરજે.
તેના સાસુએ તેની વાત આગળ વધારતા કહ્યું કે ઠાકોરજી તૈયાર થઈ જાય ત્યારે તેને અરીસામાં મોઢું દેખાડીને જો તે હસવા ના લાગે તો સમજવું કે તેઓ બરાબર તૈયાર નથી થયા. અને બીજી વાર તૈયાર કરવા તેમજ સારી રીતે તૈયાર કરવા. વહુએ તેના સાસુની વાત સાંભળીને કહ્યું ભલે તમે કહ્યું એ રીતે હું નિયમિતપણે દરરોજ ઠાકોરજીની સેવા કરીશ.
વહુ એકદમ ભોળા સ્વભાવની હતી. બીજા દિવસે સાસુ ના કહ્યા પ્રમાણે વહુએ ઠાકોરજીની સેવા કરી, અને સેવા કરીને ઠાકોરજીને અરીસો બતાવવા લાગે અને પોતે પણ જોવા લાગી કે ઠાકોરજી હાસ્ય કરે છે કે નહીં પરંતુ અરીસામાં જોઈને ઠાકોરજી હસતા નહોતા એટલે રાધિકાને થયું કે મારી કંઈક ભૂલ હશે.
એટલા માટે જ ઠાકોરજી હસતા નથી, એટલે બધો શણગાર ફરીથી વ્યવસ્થિત કરીને સેવા કરીને ફરીથી અરીસો બતાવ્યો પરંતુ ઠાકોરજી હસતા નહોતા. રાધિકાએ આમને આમ ત્રણથી ચાર વખત શણગાર કર્યો પરંતુ ઠાકોરજી હસતા ન હતા. એટલે ઠાકોરજીના બધા વસ્ત્ર કાઢીને ફરીથી સ્નાન કરાવ્યું.
ત્યાર પછી ફરીથી સ્નાન કરાવીને બધા શણગાર ફરીથી કર્યા અને અરીસો બતાવ્યો પરંતુ પહેલાની જેમ જ ઠાકોરજી હસતા નહોતા. હવે નવી નવી વહુ રાધિકા થોડી ગભરાઈ ગઈ કે તેના સાસુએ કહ્યું છે તે પ્રમાણે સેવા કરે છે પરંતુ ઠાકોરજી હસતા નથી. એટલે નક્કી તેની કંઈક ભૂલ હશે.
પોતાની કંઈક ભૂલ થતી હશે એવું સમજીને તેને ફરીથી સ્નાન કરાવ્યું,. ફરી પાછા તૈયાર કરે અને આમને આમ લગભગ 17 વખત ઠાકોરજીને સ્નાન કરાવીને શણગાર કર્યો. અને બપોરના જમવાનો સમય થઈ ગયો હતો, ઠાકોરજીને પણ થયું કે જ્યાં સુધી મને હસતો નહીં જોવે ત્યાં સુધી રસોઈ નું કામ નહીં આગળ વધે.
અને રસોઈ નહીં કરે તો મને ભોગ કઈ રીતે લગાડશે, એટલે ઠાકોરજીએ પણ જાણે હસવાનું નક્કી કરી લીધું હતું.. 18 મી વખત ઠાકોરજીને તૈયાર કરીને જ્યારે અરીસો બતાવ્યો ત્યારે ઠાકોરજી ધીરે ધીરે હસવા લાગ્યા એટલે વહુ ને થયું કે હવે બરાબર સેવા થઈ છે. તેને ફરી પાછો અરીસો બતાવ્યો.