એક વખત એક રાજા ને સપનું આવ્યું કે તેના બધા દાંત અચાનક તૂટી ગયા અને તેના મોઢામાં આગળનો એક મોટો દાત જ બચ્યો હતો. રાજા ને થયું કે આ સપનાનો શું મતલબ હશે એટલે સવારે રાજાએ દરબારમાં પોતાનું સપનું સંભળાવજો અને તેનું ફળ શું હશે.
કોઈને ફળાદેશ ખબર તો નહોતી પરંતુ મંત્રીઓ એવી સલાહ આપી કે આપણે સપનાના વિશેષજ્ઞો ને બોલાવીને આ સપનાનો ફળાદેશ પૂછવો જોઈએ. એટલે રાજ્યમાં એવી જાહેરાત કરવામાં આવી કે જે પણ કોઈ, વિદ્વાન, જ્ઞાની રાજા અને તેના સપના નું પરિણામ જણાવશે તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે.
આખા રાજ્યમાં આ સમાચાર પ્રસરી ગયા એટલે ઘણા લોકો દરબારમાં આવ્યા પરંતુ રાજાને કોઈના પણ જવાબ થી સંતોષ થયો નહીં.
એક દિવસ એક વિદ્વાન માણસ દરબારમાં આવ્યો જેને કાશીથી પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી દરબાર માં આવીને કહ્યું મહારાજ હું તમારા સપના નો સાચો ફળાદેશ જણાવી શકું છું. રાજા સહિત તમામ દરબારીઓ એ વ્યક્તિ તરફ કુતૂહલથી જોવા લાગ્યા. રાજાએ પોતાનું સપનું સંભળાવ્યું અને પછી કહ્યું કે જણાવો ભાઈ મારા આ સપનાનો શું ફળાદેશ હોઈ શકે છે?
પેલી આવેલી વ્યક્તિએ કહ્યું મહારાજ તમારું સપનું ખૂબ જ બેકાર છે આ સપના ના ફળ સ્વરૂપે તમારા સામે જ તમારા પરિવારના બધા સભ્યો મરી જશે અને તમે સૌથી છેલ્લે બધા સભ્યો ગુમાવ્યા પછી મૃત્યુ પામશો. આ સાંભળીને રાજા ને ગુસ્સો આવી ગયો અને એ ગુસ્સો એ હદે વધી ગયો કે તરત જ એ વ્યક્તિને બંદી બનાવી દીધો અને જેલમાં ધકેલી દીધો.
થોડા દિવસો પસાર થયા પછી ફરી પાછો એક સાધારણ માણસ તે દરબારમાં આવ્યો અને બોલ્યો મહારાજ તમે મને તમારું સપનું જણાવો હું તેનો સાચો ફળાદેશ ભણાવવાની કોશિશ કરીશ. રાજાએ પોતાનું આખું સપનું સંભળાવ્યું સપનું સાંભળીને એ વ્યક્તિ થોડો વિચારમાં પડી ગયો થોડો વિચાર કર્યા પછી તે વ્યક્તિએ રાજાને કહ્યું મહારાજ તમને ખૂબ જ સારું સપનું આવ્યું છે, પ્રજાજનો ઉપર ભગવાનની વિશેષ કૃપા છે કે તમારા જેવા ધર્માત્મા સદાચારી અને પ્રજાપાલક રાજા અમને મળ્યા અને તમને ભગવાને દીર્ઘ આયુષ્ય આપ્યું છે. મહારાજ તમે તમારા પરિવારમાં સૌથી લાંબું જીવશો અને આ રાજ્યનું સૌભાગ્ય છે કે તમે વરસો સુધી આ રાજ્યમાં રાજ કરશો.
સપનાનો આવો ફળાદેશ સાંભળીને રાજા એકદમ ખુશ થઈ ગયા અને તે વ્યક્તિ પ્રત્યે પોતાની ખુશી વ્યક્ત કરી. તે વ્યક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું તેમજ એ વ્યક્તિને ઘણી સોનામહોરો આપી. અને ધન પણ આપ્યું.