વાત ગત વર્ષ ચોમાસા દરમિયાનની છે.
તે દિવસે મારો મૂડ ઠીક નહોતો, ખબર નહિ કેમ પણ સવારથી રાહુલ સાથે ચિડિયા સ્વભાવમાં વાત કરી રહી હતી. પ્રેમ કહાણી ચાલ્યા પછી આવું પહેલી વાર હશે કે હું એનાથી સરખી વાત નહોતી કરતી, કદાચ એનું કારણ કે હવે અમે બંને અલગ થવાના હતા! આ વાતના અણસાર ક્યાંક ને ક્યાંક અમને બંનેને આવી રહ્યા હતા.
ત્યારે એણે અચાનક કહ્યું, ચાલ બહાર ક્યાંક આંટો મારી આવીએ તારું મૂડ ઠીક થશે. હું તૈયાર થઈ અને અમે બંને ટુ વ્હીલર લઈને નીકળ્યા શહેરમાં ચક્કર લગાવવા.
ફરતાં ફરતાં કોઈ એક શૉપિંગ મોલમાં પહોંચ્યા, ત્યાં અમે મોલ ફરી રહ્યાં, એને તો કંઇ લીધું નહિ, મને પણ કંઈ ખાસ ગમ્યું નહી એટલે અમે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. પરત ફરતા એક્સિટ ગેટ આગળ ગાર્ડએ અમને રોક્યા અને કહ્યું બિલ બતાવો..ત્યારે મેં કહ્યું અમે કોઈ શોપિંગ નથી કરી, ત્યારે તેમણે કહ્યું, ‘વાંધો નહિ તમારા હાથમાં જે બેગ છે એ ચેક કરાવી લો.’
ત્યારે હું થોડી થોડી ઉશ્કેરાઈ ગઈ અને રાહુલ સામે જોઈને મોઢું બગાડ્યું, એણે આંખો પટપટાવી અને કહ્યું આપી દે ને ચેક કરવા, પછી મેં પરાણે બેગ ચેક કરવા માટે આપ્યું, ત્યારે તો હું વધારે ઉશ્કેરાઈ અને ગાર્ડને કટાક્ષભર્યા શબ્દોમાં કહેવા લાગી, ‘લો લો આ આખું બેગ ફેદી લો’
રાહુલ શાંત હતો, તે આ બધું જ નિહાળી રહ્યો હતો,
સિક્યોરિટી ઉપર ગુસ્સો કરતા જ તરત તેને મને ટકોર કરી કે ‘બેબી આવું વર્તન ન કર.’
ત્યારે મેં ચૂપચાપ ત્યાંથી એક્સિટ કર્યું અને તરત રાહુલ પણ મારી પાછળ બહાર આવ્યો, તે મને હજુ કંઈક કહેવા જઈ રહ્યો હતો તે પહેલા જ મેં એને કહી દીધું,
‘તું દૂર જા મારાથી, તારો અને મારો કોઇ મેળ નથી, આપણે બંને એ હવે અલગ થઈ જવું જોઈએ!!’
ત્યારે એનો ચહેરો જે આશ્ચર્ય અને પ્રશ્નોથી ભાવવિભોર થઇ ગયેલો તે હાલ પણ મારી આંખોમાં અકબંધ છે!
આવું કહેતા મારું પણ કાળજું જાણે કપાઈ ગયું, અને એ પણ મને જોતો રહી ગયો..
થોડા સેકન્ડ અમે બંને ચૂપ રહ્યાં અને એ અચાનક બોલ્યો, ‘હે બેબી, તું અચાનક આવું કેમ બોલે છે!! શું થયું, મારી શું ભૂલ થઈ, તું મને જણાવ, પણ કહે કે તું આવું કેમ બોલી!’