મોટો દીકરો પણ આવું કહીને તેના રૂમમાં ચાલ્યો ગયો. પાછળથી એકલા બેઠા બેઠા પિતા ભાવુક થઈ ગયા અને વિચારવા લાગ્યા કે નાનો દીકરો આવું બોલી ગયો ત્યારે એવું લાગ્યું કે કદાચ મોટો દીકરો મારા પક્ષમાં વાત કરશે પરંતુ એને પણ…
અંતે પિતાએ પોતાને આશ્વાસન આપતા મનમાં જ કહ્યું હશે જેમ દીકરાઓને મંજૂર હોય એમ કરવા દો…
બધા જમવા બેઠા પરંતુ વાતાવરણ હજુ ખૂબ જ શાંત હતું, પરિવારના બધા લોકોએ જમી લીધું ત્યાર પછી પિતાએ કહ્યું જીગ્નેશ અને કેતન તમે બંને રાતે ઓફિસે થી પાછા આવો પછી જમીને આપણે સંપત્તિની વહેચણી કેમ કરવી તે માટે મળીશું…
રાતના રોજીંદા સમય અનુસાર ઓફિસેથી બન્ને ભાઈઓ ઘરે આવ્યા અને જમીને નવરા થઈને પિતા પાસે ભેગા થયા. પિતાએ કહ્યું કે આપણી પાસે ગામડે જે જમીન છે તે અંદાજે ત્રણ કરોડ રૂપિયાની થાય છે અને આપણે જે ઘરમાં રહીએ છીએ આ ઘરની કિંમત અંદાજે બે કરોડ રૂપિયા જેટલી ગણાય એટલે આપણી પાસે આ પાંચ કરોડની સંપત્તિ છે હવે તેની વહેંચણી કેવી રીતે કરવી એ કેતન જણાવશે.
એટલે જાણે બધું તૈયાર કરીને આવ્યો હોય અને બોલી નાખે એ રીતે કેતને કહ્યું મને મોટાભાઈને ઉંમર પ્રમાણે સંપત્તિમાં હિસ્સો મળશે. એટલે કે મોટાભાઈ ની ઉંમર ૩૫ વર્ષની છે એટલે એની પાસે સંપત્તિનો ૩૫ ટકા હિસ્સો રહેશે અને નાનો ભાઈ એટલે કે મારી ઉંમર ૨૫ વર્ષની છે એટલે મારી પાસે આ સંપત્તિનો ૨૫ ટકા હિસ્સો રહેશે. અને બાકીના જે ૪૦ ટકા સંપતિ છે તે સંપત્તિ પિતાની એટલે કે તમારી જ રહેશે.
દીકરા-વહુ બધા ત્યાં ભેગા થયા હતા. બધા લોકો આ નિર્ણય સાંભળીને એકદમ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને પિતાને આ નિર્ણય જરા પણ ગળે ના ઉતર્યું એટલે કહ્યું ભાઈ તું શું બોલી રહ્યો છે…
એટલે તરત જ કેતને કહ્યું મારા અને મોટાભાઈ ની ઉંમર માં દસ વર્ષનો તફાવત છે હું જ્યારે ભણતો અને સાથે સાથે રમતો પણ ખરો ત્યારે મે જોયું છે કે મોટાભાઈ મારાથી પણ નાની ઉંમરમાં જ તમારી સાથે ધંધામાં જોડાઇ ગયા હતા. અને હું તો આ ધંધામાં ભણતર પૂરું કરીને પછી આવ્યો છું, અને સાચું કહું તો આ ધંધાને અહીં સુધી પહોંચાડવામાં મુખ્ય ફાળો તમારો જ કહેવાય પપ્પા, કારણકે તમે ધંધો શરૂ કર્યો અને ધંધા ને આગળ વધારવામાં જે ફાળો આપ્યો એના કારણે જ ધંધો અહીં સુધી પહોંચી શક્યો છે.
અને તમારી પાસે સંપત્તિ એટલા માટે જ છે કારણકે લોકોના ઘરમાં મેં જોયું છે કે ભાગ પડી ગયા પછી એકથી વધારે સંતાન હોય તો માતા-પિતા કોની સાથે રહેશે અથવા ઘણી વખત તો એના પણ ભાગ પડી જતા હોય છે એટલે એવું કંઈ પણ આપણા ઘરમાં ન થાય અને આજે પણ બધાને જાણ રહે કે સૌથી વધારે હિસ્સો તમારો જ છે એટલા માટે મેં આ રીતે ભાગ કરવાનો નિર્ણય કર્યો છે.
આટલું કહીને કેતન ઉભો થઈને પિતા ને પગે પડી ગયો અને કહ્યું તમને સવારે ખોટું લાગ્યું હોય તો માફી માગું છું પરંતુ જો તમે ભાગ પાડ્યો હોત તો તમે અમને બંનેને સરખે ભાગે સંપત્તિ વહેતી હોત જે મને મંજુર નહોતું, અને મારું યોગદાન ધંધામાં મોટાભાઈ કરતા 10 વર્ષ ઓછું છે.
અને હજુ પણ હું તમને એક વાત કહેવા માગું છું કે મેં આ નિર્ણય કર્યો છે એ તમને બધાને બરાબર લાગે તો જ આપણે આ નિર્ણયને માન્ય રાખીશું.
પિતાના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ખૂબ જ ભાવુક થઈ ગયા, અને કહેવા લાગ્યા કે મને તમારા બંને ઉપર ભરોસો છે કે તમે અમને બંનેને સાચવશો એટલા માટે મારી પાસે જે સંપત્તિ રાખી છે એ રાખવાની કોઈ જરૂર નહોતી. પરંતુ જીગ્નેશ અને કેતન બંનેએ કહ્યું કેતન નો નિર્ણય બરાબર છે અને એ જ માન્ય રાખો પછી પિતાએ એ નિર્ણય ઉપર મોહર લગાવી દીધી. અને પિતા પણ વિચાર કરવા લાગ્યા કે હું કેટલો ભાગ્યશાળી છું કે લોકો સંપત્તિના ભાગ પાડે ત્યારે ઘણી વખત લાગણીના પણ ભાગ થઈ જતા હોય છે એની બદલે સંપત્તિના જ ભાગ પાડ્યા અને લાગણીના ભાગ અનેક ગણા વધારી દેવામાં કેતને જે વિચારીને નિર્ણય લીધો છે તે ખરેખર એકદમ ઉચ્ચ વિચાર છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટ કરીને આ સ્ટોરી ને 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.