બેટા તને ખબર છે તારી મમ્મીનો સ્વભાવ બહુ ચીડિયો થઇ ગયો હતો, એ પોતે જે રીતે ઝીણવટ થી અને એકદમ ચોખ્ખાઈ સાથે જિંદગી જીવી હતી તેવી અપેક્ષા તે તારી વહુ પાસે રાખે એ શક્ય નથી. અને ખાસ કરીને હવે બદલાતા સંજોગોમાં તો એ બિલકુલ શક્ય નથી. અને આ જ વસ્તુ ને કારણે રોજ ઘરનું વાતાવરણ ગરમ અને અશાંત બની જાય તેવું હું ઈચ્છતો નહોતો. સવારે જાગીને એકબીજાના મોઢા પણ જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ કે ઘર નું પતન થવાનું નક્કી છે.
અને હું જરા પણ એવું નહોતો ઈચ્છતો કે આપણા ઘરનું એક પણ સભ્ય આ વાતાવરણને કારણે ગંભીર બીમારીનો ભોગ બને અથવા આપણા ઘરમાં ન બનવાની ઘટના બને, એટલે મેં પ્રેમથી જ આ રસ્તો અપનાવી લીધો છે. અને દીકરા તું જરા પણ મનમાં નહીં લેતો. કારણ કે જતું કરે તેને જ તો મા-બાપ કહેવાય ને! અને હા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડે તો હું બેઠો છું એ વાત યાદ રાખજે, આપણે બંને ભલે દૂર હોય પરંતુ દૂર હોવાથી હું તારો બાપ કે તું મારો દીકરો મટી નથી જતો. ભલે આપણા વિચારો નથી મળતા, પરંતુ પ્રેમ તો એટલો જ છે. દીકરા, હજુ એક વાત કે જ્યારે મતભેદ હોય ત્યારે જુદા થઈ જવું જ સારું છે કારણ કે જો મનભેદ થયા પછી જુદા પડીએ તો ફરી પાછું એક થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
અને હા એક અગત્યની વાત કરવી હતી દીકરા તે જે બેંકમાં નવું ઘર લેવા અને અમારાથી જુદા થવા માટે લોનની અરજી કરી હતી તે બેન્કનો મેનેજર મારા મિત્રનો દીકરો છે, તેને મળજે તારે મકાન નવું લેવાની કોઈ જરૂર નથી આપણું જે મકાન છે તે મેં તારા નામે જ કરી નાખ્યું છે અને પેપર તેની પાસેથી જ લઈ લેજે.
દીકરા તારો પગાર હજુ ટૂંકો પડે એમાં તુ લોનના હપ્તા ના ભરીશ કે પછી ઘર ચલાવીશ? જેનો દીકરો હેરાન થતો હોય અને અમે આનંદ કરીએ એવો તારો બાપ નથી, તમે સુખી થાવ અને કાયમ આનંદમાં રહો એ જ તો અમારું સપનું હોય છે. ચલો દીકરા હવે આરતીનો સમય થઈ રહ્યો છે તારી મમ્મી નીચે મારી રાહ જોઇને ઉભી છે. ફોન રાખું છું.
દીકરાના આંખમાં જે આંસુ એ સાચવી ને બેઠો હતો તે બધા એક સાથે નીકળી પડ્યા, ચોધાર આંસુએ તેને પપ્પા નો ફોન કાપ્યો. અને પછી મનોમન જ બોલવા લાગ્યો પપ્પા મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી છે, ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. દીકરા ની પત્ની પાછળ જ ઉભી હતી તેને આ હકીકતની જાણ થઈ એટલે તેણે તરત જ કહ્યું આપણે આજે જ ગાડી કરીને મમ્મી અને પપ્પાને લેવા જઈએ અને તરત જ અત્યારે ઘરે લઈ આવીએ.
દીકરાનાં આંસુ સુકાયા નહોતા એટલામાં પત્નીએ આમ કહ્યું એટલે ફરી પાછું રડી પડ્યો અને કહ્યું બહુ મોડું થઈ ગયું છે! હું મારા પપ્પાને જાણું છું કે તે જલ્દી માં કોઈ જ નિર્ણય નથી કરતા અને જો નિર્ણય તેમને લઈ જ લીધો હોય તો એ નિર્ણયમાં કોઈ દિવસ તે ફેરફાર કરતા નથી. મને આજે સારી રીતે સમજાઈ ગયું કે દુનિયામાં જતું કરવાની તાકાત જે માતા-પિતા પાસે હોય છે તેવી કોઈ પાસે હોતી નથી.
આજે તે દીકરાને સમજાઈ ગયું હતું કે આપણે બાળપણમાં મા-બાપ પાસેથી જે પ્રેમ ની લોન લીધી હતી, તે તેના ઘડપણમાં ચૂકવવાની જવાબદારી આપણી જ હતી. માતા-પિતા આપણી પાસેથી બીજી તો કોઈ આશા નથી રાખતા પણ એટલું જરૂર ઈચ્છા હોય છે કે તેને તે રીતે બાળપણમાં સંતાનને પ્રેમ કર્યો હોય, તે સંતાન તેને ઘડપણમાં પણ એટલો જ પ્રેમ કરે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં આ સ્ટોરી કેવી લાગી તેનો પ્રતિભાવ પણ અચૂક આપજો.