સુરેશભાઈ ના બે દીકરા હતા. બંને દીકરા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા અને બન્ને દીકરાઓને પેટે પાટા બાંધીને પણ બન્ને દીકરાઓને ભણાવવામાં સુરેશભાઈએ કોઈ ખામી નહોતી રાખી. સુરેશભાઈ ના બંને દીકરા ભણવામાં હોશિયાર હોવાથી બંને દીકરાઓ એન્જિનિયર બને છે.
સુરેશભાઈ ની સામાન્ય નોકરી હતી, તેમ છતાં તેઓએ બંને દીકરાને ભણાવ્યા અને સુરેશભાઈ પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કારણ કે બંને પુત્ર ભણીને એન્જીનિયર થઈને વિદેશમાં નોકરી કરવા માટે ગયા હતા.
વાર્ષિક લગભગ એક કરોડ રૂપિયા જેટલું વેતન તેના પુત્રોને મળતું હતું. હવે સુરેશભાઈનો પણ નિવૃત્તિનો સમય આવે છે સુરેશભાઈ પોતે નિવૃત થયા પછી એવું વિચારે છે કે બંનેમાંથી જો કોઈ એક દીકરો ભારત પાછો આવી જાય તો તેની સાથે રહે, પરંતુ વિદેશ ગયા પછી પાછું ભારત આવવા માટે બંનેમાંથી એક પણ દીકરો તૈયાર ન થયો.
દીકરાઓને જાણ કરી તો દીકરાઓએ ઉલટુ સુરેશભાઈને વિદેશ આવીને રહેવાની સલાહ આપી. આ ઉંમરે વિદેશ જવું તે વાત સુરેશ ભાઈ ના મગજ માં બેસતી નહોતી. સુરેશભાઈએ તેની પત્ની સાથે પણ આ બાબતની ચર્ચા કરી પહેલા તો બંને વિદેશ રહેવા જવા માટે તૈયાર નહોતા થતા. પછી જેમ તેમ કરીને તેઓ વિદેશ જવા માટે તૈયાર થઈ ગયા.
સુરેશભાઈ અને તેની પત્ની વિદેશ તો જતા રહ્યા પરંતુ તેઓનું ત્યાં મન જરા પણ લાગતું નહોતું એટલે થોડા સમય ત્યાં રહ્યા પછી તેઓ ફરી પાછા ભારત રહેવા માટે આવી ગયા.
ભારત આવ્યા પછી દુર્ભાગ્યવશ સુરેશભાઈ ની પત્ની ને લકવો થઈ ગયો અને તેની પત્ની સંપૂર્ણપણે પતિની સેવા ઉપર જ નિર્ભર થઈ ગઈ. સુરેશભાઇના પત્નીથી હલનચલન પણ ન થતું અને થોડા સમય પછી તેઓ કંઈ બોલી પણ ન શકતા.
સવારના નિત્યક્રમથી લઈને જમવાનું, દવા લેવાની વગેરે બધા કાર્ય સુરેશભાઈ ના ભરોસે જ તેની પત્ની કરી શકતી હતી. અને સુરેશભાઈ પણ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રેમથી તેની પત્ની ની સેવા કરી રહ્યા હતા. બંને દીકરાઓ વિદેશમાં રહેતા હતા, આથી સુરેશભાઈ અને તેની પત્ની બંને એકલા જ રહેતા હતા. દરરોજ થોડા સમય માટે પાડોશીઓ સુરેશ ભાઈ ના ઘરે આવતા, અને થોડા સમય સુધી બંનેનો સમય પણ પસાર થઈ જતો.
થોડા સમય પછી એક રાત્રે સુરેશભાઈ પોતાની પત્નીને જમાડી તેને દવા આપીને તેને સૂવડાવે છે અને બાજુમાં જ રહેલા પલંગ ઉપર પોતે પણ સૂઈ જાય છે.
સુરેશ ભાઈ ની તબિયત પણ થોડી નબળી રહેતી પરંતુ કોઈ દિવસ પત્ની ના મોઢે આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો. એ રાત્રે સુરેશભાઈને અચાનક હૃદયરોગનો હુમલો આવે છે અને તે મૃત્યુ પામે છે. સવારે પત્ની ની આંખ ખુલે છે ત્યારે તેને જોયું કે થોડે દૂર બાજુમાં રહેલા પલંગ પર પતિ સૂઈ રહ્યા છે. તેઓએ થોડા સમય સુધી પતિના જાગવાની રાહ જોઈ. ઘણા સમય સુધી પતિ ન જાગ્યા એટલે તેઓને કંઈક અણબનાવની આશંકા થઈ પરંતુ પોતે વધારે કશું કરી શકે તેમ ન હતા, તેઓ કંઈ બોલી પણ ન શકતા હતા અને હલનચલન ની તો વાત જ દૂર હતી.