ગામની સાંકડી શેરીઓમાં એક વૃદ્ધ પત્રવાહક રોજ સવારે પત્રો વહેંચવા નીકળતો. હરિપ્રસાદ નામના આ પત્રવાહકને સૌ ‘હરિકાકા’ કહીને બોલાવતા. 16 વર્ષથી એ આ વિસ્તારમાં ટપાલ પહોંચાડતા હતા. હરિકાકાની ઉંમર સાઠને વટાવી ચૂકી હતી, પરંતુ નિવૃત્તિનું નામ નહોતું લેતા. વિધવા પુત્રી અને નાના પૌત્ર-પૌત્રીઓનું ભરણપોષણ કરવાની જવાબદારી હતી એમની પર.
એક વહેલી સવારે મારુતિનગરની શેરી નંબર ચારમાં આવેલા એક ઘરના દરવાજે ટકોરા પાડતાં હરિકાકાએ કહ્યું, “અરે, કોઈ છે? તમારો પત્ર લઈ લો.”
અંદરથી એક કન્યાનો મધુર અવાજ આવ્યો, “હા, હું આવું છું… થોડી રાહ જુઓ.”
લગભગ પાંચ મિનિટ વીતી ગઈ, પણ કોઈ દરવાજો ખોલવા આવ્યું નહીં. હરિકાકાએ ફરીથી બૂમ પાડી, “અરે ભાઈ! કોઈ છે કે નહીં? તમારો પત્ર લઈ લો… મારે બીજી ઘણી જગ્યાએ જવાનું છે… હું વધારે સમય રાહ જોઈ શકું તેમ નથી!”
કન્યાનો અવાજ ફરી સંભળાયો, “કાકા, જો તમને ઉતાવળ હોય તો પત્ર દરવાજાની નીચેથી અંદર સરકાવી દો. હું આવું છું, પણ થોડો સમય લાગશે.”
હવે વૃદ્ધ પત્રવાહકે ચિડાઈને કહ્યું, “ના, હું અહીં ઊભો છું. આ રજિસ્ટર્ડ પત્ર છે, કોઈનાં હસ્તાક્ષર જોઈશે.”
આશરે દસ મિનિટ પછી દરવાજો ખૂલ્યો.
હરિકાકા આ વિલંબ માટે ખૂબ ચિડાયેલા તો હતા જ, હવે તે કન્યા પર બરાડવાના જ હતા, પરંતુ દરવાજો ખૂલતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તેમની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. તેમનો બધો ગુસ્સો પળભરમાં ઓગળી ગયો.
તેમની સામે એક નાની વિકલાંગ કન્યા હતી, જેનો એક પગ નહોતો.
છોકરીએ અત્યંત માસુમિયત સાથે પત્રવાહક તરફ પોતાનો હાથ લંબાવ્યો અને કહ્યું, “મારો પત્ર આપો…”
હરિકાકા ચૂપચાપ પત્ર આપીને અને તેના હસ્તાક્ષર લઈને ત્યાંથી ચાલ્યા ગયા.
આ વિકલાંગ છોકરી, જેનું નામ કુંજલ હતું, ઘણીવાર પોતાના ઘરમાં એકલી જ રહેતી હતી. તેની માતા આ દુનિયામાં નહોતી અને પિતા, નીરવભાઈ, નોકરીના સિલસિલામાં બહારગામ આવતા-જતા રહેતા. કુંજલની દેખભાળ માટે એક કામવાળી બાઈ, શારદાબેન, સવાર-સાંજ તેની સાથે ઘરમાં રહેતી, પરંતુ પરિસ્થિતિવશ દિવસના સમયે તે પોતાના ઘરમાં બિલકુલ એકલી જ રહેતી.
સમય વીતતો ગયો.
મહિને-બે મહિને જ્યારે પણ કુંજલ માટે કોઈ પત્ર આવતો, હરિકાકા એક અવાજ આપતા અને જ્યાં સુધી કુંજલ દરવાજા સુધી ન આવે ત્યાં સુધી ધીરજથી દરવાજા પર ઊભા રહેતા. ધીરે ધીરે દિવસો વીતતાં બંને વચ્ચે સૌહાર્દ અને ભાવનાત્મક લગાવ વધતો ગયો. હરિકાકા કુંજલને પોતાની દિકરી જેવી માનવા લાગ્યા હતા.
એક દિવસ કુંજલે ખૂબ ધ્યાનથી હરિકાકાને જોયું તો તેણે નોંધ્યું કે હરિકાકાના પગમાં જૂતાં નહોતાં. તેઓ હંમેશાં ખુલ્લા પગે જ ટપાલ વહેંચવા આવતા હતા.
ચોમાસાની ઋતુ આવી.
પછી એક દિવસ જ્યારે હરિકાકા પત્ર આપીને ચાલ્યા ગયા, ત્યારે કુંજલે, જ્યાં ભીની માટીમાં હરિકાકાના પગના નિશાન બન્યા હતા, તે પર કાગળ રાખીને તે પગના નિશાનનું ચિત્ર ઉતારી લીધું.
બીજા દિવસે તેણે પોતાને ત્યાં કામ કરતી શારદાબેન પાસે તે માપનાં જૂતાં મંગાવીને ઘરમાં રાખી લીધાં.
દિવાળી આવવાની હતી તે પહેલાં હરિકાકાએ મોહલ્લાના બધા લોકો પાસેથી તહેવાર પર બક્ષીસ માંગી. પરંતુ કુંજલ વિશે તેમણે વિચાર્યું કે નાની છોકરી પાસેથી શું ભેટ માંગવી, પણ શેરીમાં આવ્યો છું તો તેને મળી તો લઉં.
સાથે સાથે હરિકાકા એ પણ વિચારવા લાગ્યા કે તહેવારના સમયે નાની છોકરી પાસે ખાલી હાથે મળવું યોગ્ય નહીં રહેશે. ઘણો વિચાર કરીને તેમણે કુંજલ માટે દસ રૂપિયાની શેરડીની પટ્ટી અને થોડી મીઠાઈ ખરીદી.