રચના ની દીકરી રુચિની સગાઈ 6 મહિના પહેલા થઈ ચૂકી હતી. લગ્ન ને હજુ સમય હતો, બંને પરિવારે ભેગા થઇ ને નક્કી કર્યું હતું કે લગ્ન એક વર્ષ પછી કરવામાં આવે, લગ્ન ને હજુ પણ છ મહિનાનો સમય હતો, પરંતુ અત્યારના સમયથી રચનાને એક ચિંતા તેના મનમાં સતાવી રહી હતી. રચના તેના સાસરે અત્યંત સુખી હતી એટલે કે તેનું સાસરું એકદમ સુખી પરિવાર હતો પરંતુ તેના પિયરમાં તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી. એટલા માટે તેને ઘણી વખત ચિંતા થતી કે તેનો ભાઈ મામેરા નો વ્યવહાર કઈ રીતે કરશે.
તેના ભાઈની આર્થિક પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હતી અને તે માત્ર પોતાનું ગુજરાન પણ માંડ માંડ ચલાવતો. એટલા માટે રચના અને તેના ભાઈ વિશે ખૂબ જ ચિંતા થતી કે એ ગરીબ કઈ રીતે મામેરુ કરશે? અને જો બિચારો મામેરુ માંડ માંડ પૂરું પણ કરશે તેનો પૈસો પણ ખર્ચ થશે પરંતુ લોકો તો તેના આપેલા કપડાં મજાક જ ઉડાવશે.
આ ચિંતા રચનાને અંદરથી ખૂબ સતાવી રહી હતી પરંતુ રચના તેનું કંઈ કરી નહોતી શકતી, ઘણી વખત તેને વિચાર આવતો કે તે તેના પતિને વાત કરે પરંતુ પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી વાતવાતમાં તેઓ ગુસ્સે થઈ જતા અને એટલા માટે જ તેના પતિને પણ તેને કોઈ વાત નહોતી કરી.
લગ્નની તૈયારીઓ પણ ચાલુ હતી જેમ જેમ નજીક આવતા હતા તેમ લગ્નની તૈયારીઓ પુરજોશમાં થવા લાગી, બધી નવી વસ્તુઓ લેવા કે જોવા રચના તેની દીકરી અને આખો પરિવાર જાય ત્યારે ફરી રચનાના મનમાં મામેરા નો વિચાર આવી જતો અને તે ઉદાસ થઈ જતી. અને ભગવાનને પ્રાર્થના કરવા લાગતી કે મારા દીકરી ના લગ્ન એકદમ વ્યવસ્થિત પૂર્ણ થઈ જાય અને કોઈ વિઘ્ન ન આવે.
બીજી બાજુ તેના ભાઈને પણ તેની એકની એક ભાણેજ માટે મામેરુ કરવાનો અત્યંત ઉત્સાહ હતો પરંતુ કહેવાય છે કે ગમે તેટલો ઉત્સાહ હોય પણ વ્યવસ્થા ન હોય તો કોઈ પણ માણસ મજબૂરીમાં તેની પાસે જેટલી સગવડતા હોય એટલું જ વ્યવસ્થા કરી શકે છે. ભલે તે અત્યંત ગરીબ હતો તેનો મહિનાનો ખર્ચો પણ માંડ માંડ નીકળી શકતો પરંતુ કોઈપણ દિવસ ઉછીના પૈસા લઈને તેને એક પણ કામ નહોતું કર્યું. એટલે આ વખતે પણ નક્કી કર્યું હતું કે મારાથી જેટલું થાય તેટલું મામેરુ કરીશ, પણ કોઈ પાસેથી પૈસા નહી માંગુ.
તેના મનમાં અત્યંત ઉત્સાહ હતો કે બધા લોકો જોતા રહી જાય એવું મામેરું કરવું છે પરંતુ સાથે સાથે તે એ હકિકત થી પણ પરિચિત હતો કે એવું કરવું હોય તો ઘણા બધા પૈસા ની જરૂર પડે જે તેની પાસે બિલકુલ નહોતા. તે મનમાં વિચારતો કે તેનું મજૂરીકામ વધારી દેશે અથવા દિવસ રાત મહેનત કરીને પણ વધુ કામ કરીને બને તેટલા વધારે પૈસા કમાશે જેથી ભાણેજ નું મામેરૂ સારું કરી શકે.
આ બધી વાત ઘરમાં માત્ર રચના જ નહીં પરંતુ તેના પતિ પણ જાણતા હતા કે રચના ના ભાઈ ની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, અને તેનો નિયમ છે કે તે કોઈ પાસેથી પૈસા પણ ઉછીના ક્યારેય નહીં લે. અને રચના પણ તેને કોઈ વાત નહીં કરે. પરંતુ અચાનક તેને મનમાં એક વિચાર આવ્યો કોઈને કહ્યું નહીં, અને ફરી પાછા બધા લગ્નની તૈયારીમાં પડી ગયા.
જેમ જેમ લગ્નના દિવસો નજીક આવે તેમ રચના વધુને વધુ ચિંતા કરતી રહેતી કે શું થશે, સાથે ભગવાનને પ્રાર્થના પણ કરતી કે બધું સારી રીતે સંપૂર્ણ પાર થઈ જાય. અંતે એ દિવસ આવી ગયો જ્યારે લગ્નના પ્રસંગો શરૂ થવા લાગ્યા. પ્રસંગમાં બધા લોકો ધામધૂમથી પ્રસંગ ને માણી રહ્યા હતા પરંતુ હજી પણ રચનાના ચહેરા ઉપર ચિંતા દેખાઈ રહી હતી.