જુના જમાનાની વાત છે. અરવિંદભાઈ પોતાના બે દીકરા સાથે રામપુર માં રહેતા હતા. અરવિંદભાઈ ને ખુબ સારો વેપાર હતો. અનાજ કરિયાણા નો મોટો વેપાર હતો. મોટા દીકરા એ હવે કારોબાર સાંભળી લીધો હતો. અને નાનો દીકરો હજુ ભણતો હતો. અરવિંદભાઈ ની ખુબ જ ઇચ્છા હતી કે મોટા ને પરણાવી ને ચાર ધામ ની જાત્રા કરવા જવું છે. અને એ સમય પણ આવી ગયો મોટા દીકરા ના લગ્ન બે મહિના થઈ ગયા અને હવે અરવિંદભાઈ યાત્રા કરવા નીકળ્યા.
અરવિંદભાઈ ચાર મહિના પછી યાત્રા એ થી આવવાના હતા.સુખી ઘર હોવાથી ઘરમાં કોઈ જાતની તકલીફ નહોતી અરે ઘરમાં નોકર-ચાકર વગેરે પણ હતા. અને નવી વહુને તો ઘરનું કોઈ કામ કરવાની જરૂર જ ન રહેતી, સવારે તેનો પતિ દુકાને જાય અને તેના પતિ નો નાનો ભાઈ ભણવા માટે જાય.
અને સાંજે જ્યારે ભણીને નાનો ભાઈ પાછો આવે ત્યારે એ પણ દુકાને જતો અને રાત્રે જમવાનો સમય થાય ત્યારે બંને ભાઈ ઘરે રૂપિયાના થેલા ભરીને આવી જતા. ખૂબ જ સારો ધંધો થતો હોવાથી દરરોજ બન્ને ભાઈઓ દુકાનેથી સાથે આવે ત્યારે રૂપિયાના થેલા લઈને આવતા.
એક દિવસ પત્ની ને વિચાર આવ્યો કે જો મારા પતિને બીજો કોઈ ભાઈ ન હોત તો આ બધું મારા પતિનું જ હોત. અને આવા વિચારને કારણે તેના મનમાં ખોટ આવી ગઇ, એક દિવસ અચાનક જ તેઓના ઘરમાં રાત્રે ચોરી થઇ અને રૂપિયા ભરેલા થેલા અને તિજોરી માં રાખેલા અનેક દાગીના ચોરી થઈ ગયા.
જાણે વહુને તો હવે મોકો મળી ગયો હોય તેમ બધા લોકો સમક્ષ તે કહેવા લાગી કે આ ચોરી તેના દિયરે કરી છે. અને આ વાત તે ગામમાં પણ બોલવા લાગી અને પોતાના જ દિયર ને બદનામ કરવા લાગી. તેના પતિએ તેને ઘણું સમજાવવાની કોશિશ કરી પરંતુ તે માની નહીં અને દિયરને બદનામ કરવા અને ગમે તેમ કરી ને ઘર માંથી કાઢવા માટે અવનવા કાવતરા કરવા લાગી. જ્યારે મોટો ભાઈ જાણતો હતો કે આ ચોરીમાં તેના નાના ભાઈ નો કોઇ જ વાંક નથી.
આ ચોરીની જાણ રાજાને થઈ એટલે રાજાએ તેના સૈનિકોને ચોર પકડવા માટે આદેશ આપ્યો. સૈનિકો ચોર ને શોધવા લાગ્યા. ગણતરીના દિવસોમાં જ સૈનિકોએ ચોરને પકડી લીધા અને ચોરની સાથે રૂપિયા પણ પકડાઈ ગયા અને ઘરેણાઓ જેની ચોરી થઈ હતી તે પણ પકડાઈ ગયા.