અવની અને વૈભવના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યાં હતાં. તેઓને સંતાનમાં એક દીકરી હતી, જેની ઉંમર સાત વર્ષની હતી. બન્નેનું લગ્નજીવન એકદમ સુખેથી પસાર થઈ રહ્યું હતું. ઘરમાં અવની, વૈભવ તેઓની દિકરી અને વૈભવ ના માતા પિતા એમ કુલ મળીને પાંચ સભ્યો રહેતા હતા.
વૈભવ એક ફેશન બ્રાન્ડમાં છેલ્લા છ વર્ષથી નોકરી કરી રહ્યો હતો. દરરોજની જેમ આજે પણ સવારે વહેલા જાગી ને તૈયાર થઈને નાસ્તો કર્યો, દીકરીને સ્કૂલે જવાનું હતું એટલે તરત જ દીકરીને સ્કૂલે મૂકી આવ્યો અને ફરી પાછો આવીને વૈભવ ના પિતા ની દવા લેવાની હતી એ દવા પણ લઈ લીધી.
આવીને પત્નીએ ટિફિન તૈયાર રાખ્યું હતું જે લઈને તરત જ વૈભવ નોકરીએ જવા માટે નીકળી ગયો. જતાં જતાં એ જ વિચારી રહ્યો હતો કે આજે મોડું તો નથી થઈ ગયું ને અને ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ માં સમય જોયો ત્યારે ખબર પડી કે થોડું મોડું થઈ ગયું છે. પરંતુ તરત જ ઓફિસે પહોંચીને પોતાની જગ્યા પર જઈ રહ્યો હતો.
તે હજુ ઓફિસ પહોંચ્યો કે તરત જ તેનો ફોન રણક્યો, જોયું તો ઘરેથી પત્ની નો ફોન હતો. ફોન ઉપાડ્યો તો સામેથી પત્નીએ પૂછ્યું કે આજે કઈ તારીખ છે? પતિએ કહ્યું આજે 2 તારીખ છે. બોલને શું કામ હતું?
પત્નીએ કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો, તરત જ અચાનક ફોન કાપ્યો એટલે વૈભવ થોડો ગભરાઈ ગયો. કે માત્ર તારીખ પૂછીને ફોન કાપ્યો એટલે તે ઘણો ડરી ગયો અને વિચારવા લાગ્યો કે આજે એવી કઈ તારીખ છે જે અગત્યની છે?
તેને વિચાર કરવા લાગ્યો કે આજે પોતાનો જન્મદિવસ પણ નથી, પત્નીનો પણ જન્મદિવસ નથી, દીકરી નો જન્મદિવસ પણ નથી, એનિવર્સરીનો દિવસ પણ નથી, માતા પિતા નો જન્મદિવસ પણ નથી, પિતા ની દવા લેવાની હતી તે આજે સવારે જ આવી ગઈ છે, ગઈકાલે જ લાઈટ બિલ ભરી દીધું છે, મોબાઈલ નું રિચાર્જ પણ થયેલું છે. તો પછી આખરે પત્નીએ તારીખ કેમ પૂછી?
વૈભવ આ વિચાર માં ને વિચાર માં બેઠો હતો ત્યાં જ અંદર બેઠેલા બોસ એ તેને બોલાવ્યો. તરત જ વૈભવ એ અંદર જવા લાગ્યો. જતાં જતાં વિચારતો હતો કે આજે કદાચ મોડો આવ્યો છું એટલા માટે જ બોસ બોલાવતા હશે, શું કોઈ બીજું કારણ તો નહીં હોયને ફરી પાછો એક બીજો ડર મનમાં રાખીને તે બોસની કેબિનમાં ગયો.
બોસ તેને અમુક નવા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માટે બોલાવી રહ્યા હતા. આ બધું સાંભળીને અત્યંત રાહત નો શ્વાસ લીધો અને બધું કામ જોઈને તે ફરી પાછો પોતાની જગ્યાએ પાછો આવી ગયો.