સાગર અને શ્વેતા બંને એકબીજાને કોલેજ સમયથી ઓળખતા હતા, કોલેજ સમયની મિત્રતા થોડા સમય પછી પ્રેમમાં પરિવર્તિત થઇ હતી. બંનેનો પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હતો, સમય જતા સાગર લગ્ન માટે વિચારી રહ્યો હતો તેને શ્વેતાને વાત કરી હતી અને બંને પરિવાર પણ તે બંનેના સંબંધથી પરિચિત હોવાથી કોઈને વાંધો નહોતો.
સાગર ના પરિવારની ઈચ્છા હોવાથી સાગર અને શ્વેતાની કુંડળી પણ કરાવવામાં આવી હતી અને તે બંને વચ્ચે ઘણા ગુણ મળતા હોવાથી લગ્ન માટે નક્કી કરવામાં આવ્યું.
સાગર અને શ્વેતાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા બંને પરિવારે લગ્નમાં ખૂબ જ ધામધૂમથી આનંદ કર્યો હતો. સાગર અને શ્વેતા પણ ખુશ હતા કારણ કે તેનો ત્રણ વર્ષ જૂનો સંબંધ આજે લગ્નમાં પરિવર્તિત થયો હતો.
લગ્નને આશરે એક વર્ષ પૂરું થયું હતું ત્યાં જ બંને વચ્ચે કોઈને કોઈ બાબતને લઈને નાના મોટા ઝઘડા થતા રહેતા. શ્વેતા કોઈ પણ ઝઘડો થાય ત્યારે એવું એવું કહેતી જે અન્ય કોઈના ધ્યાનમાં પણ ન આવે. કોઈપણ નાનામાં નાની ભૂલ હોય તેનું પણ જાણે શ્વેતાના મગજમાં લિસ્ટ થઈ જતું.
બધા લોકોને હવે બસ એ જ લાગી રહ્યું હતું કે જો આ બંને વચ્ચે અવારનવાર ઝગડવાનું બંધ નહીં થાય તો વાત છેલ્લે છુટાછેડા એ આવીને પહોંચી જશે. બધા લોકોએ તેની બનતી કોશિશ કરી લીધી જેથી કરીને આ સંબંધને બચાવી શકાય પરંતુ બધી કોશિશો જાણે વ્યર્થ જતી હતી.
શ્વેતાને સમજાવવા ઘણા લોકો આવતા પરંતુ કોઈ પણ આવે એટલે શ્વેતા તરત જ તેના સાસરીના લોકોની નાનામાં નાની ભૂલ પણ ગણાવા લાગતી અને તેના પતિની પણ બધી ખામીઓ નું જાણે લિસ્ટ કરીને કહેતી અને સાથે એ પણ કહેતી કે એની સાથે રહેવું હવે કોઈ સંજોગોમાં શક્ય નથી.
તે હવે એક મિનિટ પણ તેના પતિ સાથે રહેવા નહોતી માંગતી, પરંતુ જેમ તેમ કરીને પોતાની જિંદગી જીવી રહી હતી. તેના સંબંધમાં તિરાડ પડતાં આડોશ પાડોશના બધા લોકોને આ વાતની જાણ હતી કે શ્વેતા અને સાગર નો સંબંધ હવે તૂટવા સુધી પહોંચી ગયો છે.
એક દિવસ તો શેરીમાં ફળ વેચનારા મહેશભાઈ ફળ લઈને નીકળ્યા, ૭૦ વર્ષના મહેશભાઈ ફળ નો વેપાર વર્ષોથી કરતા અને અહીંયા પણ તેઓ વર્ષોથી ફળ વેચવા માટે આવતા.
શ્વેતા ના ઘર પાસે આવીને તેને કહ્યું બહેન કંઈ ફળ લેવાના છે, શ્વેતા ઘરની બહાર આવી અને પૂછ્યું કાકા તમારી પાસે કયા કયા ફળ છે?
મહેશભાઈ એ જવાબ આપતા કહ્યું કે મારી પાસે સફરજન, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, તરબૂચ વગેરે છે. આમ પણ શ્વેતાના ઘરમાં ફળ લેવાના જ હતા એટલે તેને બહાર આવીને ફળ ઉપર નજર કરી. શ્વેતા સફરજન જોવા લાગી.