રાતનો સમય હતો. ઘડિયાળમાં ત્રણ વાગી રહ્યા હતા. એક ખૂબ જ કરોડપતિ માણસ. પૈસાની જીવનમાં કોઈ જ ખામી નહીં. પરંતુ કોઈ કારણોસર આજે તેને નિંદર નથી આવતી, સુવાની કોશિષ પણ કરી, રૂમમાં એસી પણ ચાલુ હતું. એટલે કમફર્ટ નો તો કોઈ સવાલ જ નહોતો. ઘણા પડખાં ફેરવ્યા પરંતુ તેને ઊંઘ નથી આવતી.
ઘણી વખત તે માણસ રાત્રિના પણ ચા પીવાની ટેવ ધરાવતો હતો. એટલે ચા પણ પી લીધી, એમ સમજીને કે કદાચ હવે ઊંઘ આવી જાય. તેમ છતાં ઊંઘ ન આવે. ઉપરાઉપરી બે સિગરેટ પણ પીધી પરંતુ તેને કોઈ કારણોસર ઊંઘ નહોતી આવતી.
તેનું ઘર ખૂબ જ વિશાળ હતું, અને તેને ધાબા ઉપર ઉપર અતિ સુંદર બગીચો બનાવ્યો હતો. તેને ત્યાં ધાબા ઉપર જઈને બગીચામાં પણ ચક્કર માર્યા, બગીચામાંથી પણ ખૂબ જ સુંદર સુગંધ આવી રહી હતી પરંતુ તે માણસને ઘણું બધું કર્યા પછી પણ ઊંઘ નહોતી આવતી.
ફરી પાછો તે માણસ ધાબેથી નીચે આવી ગયો અને ગાડીની ચાવી લઈને પાર્કિંગમાંથી ગાડી કાઢી અને બહાર જતો રહ્યો. બહાર બધા રોડ સુમસામ હતા રાત્રિના ત્રણ વાગ્યા હોય એટલે સહજ છે કે બહુ ઓછા લોકો તમને જોવા મળે.
ગાડીમાં ફરતાં ફરતાં તેને વિચાર આવ્યો કે હજી એક સિગરેટ પીવી છે, એટલે સિગરેટ તો તેની સાથે હતી પરંતુ લાઇટર ન હતું.
તે માણસને સિગરેટ પીવાની ટેવ હતી એટલે તેની બંને ગાડીમાં હંમેશા માટે સિગાર લાઇટર રહેતું. તેને ગાડીમાં શોધ્યું પરંતુ આજે જ તેને મળ્યું નહીં. રાત્રીનો સમય હતો એટલે દુકાન પણ ખુલ્લી ન હોય.
જતા જતા એક બિલ્ડીંગ દેખાયું જેમાં સિક્યુરિટી ની કેબીનમાં કોઈ બેઠું હતું એવું લાગ્યું, એટલે તેણે વિચાર્યું કે આ માણસ પાસે તો લાઇટર અથવા બાકસ હશે જ.
એટલે કારને બિલ્ડિંગથી સહેજ દૂર ઊભી રાખી અને ચાલ તો ત્યાં સિક્યુરિટી કેબિન સુધી તે માણસ પહોંચ્યો.
સિક્યુરિટી કેબિન કાચ વાળી હોવાથી અંદર કોણ છે તે દ્રશ્ય બહાર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું, એક માણસ સિક્યુરિટી કેબિન માં રહેલા મંદિર પાસે બેઠો હતો અને રડી રહ્યો હતો. તેની આંખમાં રીતસરની કરુણતા દેખાઈ રહી હતી અને ચહેરો પણ એકદમ ઉદાસ થઈ ગયો હતો.
તે માણસ કેબિનમાં અંદર ગયો અંદર જવા નો અવાજ થયો એટલે તરત જ ત્યાં ભગવાનને પ્રાર્થના કરી રહેલો માણસ સ્વસ્થ થઈ ગયો અને ત્યાંથી ઉભો થઇ ગયો.
પેલા માણસે વિચાર્યું કે મને ઘણા વિચાર આવ્યા પરંતુ ભગવાન સમક્ષ બેસવાનો વિચાર કેમ ન આવ્યો? કદાચ જો પહેલા જ ભગવાનનું ધ્યાન ધર્યું હતું તો શાંતિથી નીંદર આવી ગઈ હોત. તે ત્યાં લાઇટર માંગવા ગયો હતો પરંતુ માણસ નું મોઢું અને તેના ચહેરાના હાવભાવ જોઈને તેને દયા આવી ગઈ.