શ્રુતિ ના લગ્ન થયાને 12 વર્ષ થઈ ચૂક્યા હતા, તેને બે સંતાન હતા એક દીકરો અને દીકરી. શ્રુતિ અને તેના પતિનું દાંપત્યજીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું. શ્રુતિને બે ભાઈઓ પણ હતા જેના બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. અને શ્રુતિ ના માતા પિતા અને બંને ભાઈઓ બધા સાથે જ રહેતા હતા.
પરંતુ અચાનક જ 4 મહિના પહેલા શ્રુતિ ના માતા પિતા કોઈ કામસર બહારગામ જઈ રહ્યા હતા ત્યારે તેઓનો અકસ્માત થયો હતો અને શ્રુતિએ તેના માતા-પિતાને એક સાથે ગુમાવી દીધા. બે દિવસ પછી રક્ષાબંધન આવવાની છે. અને માતા-પિતાના ગયા પછીની પહેલી રક્ષાબંધન હતી.
રક્ષાબંધનના દિવસે શ્રુતિ તેના પિયરમાં બંને બાળકોને સાથે લઈને ગઈ હતી. ઘરનો માહોલ થોડોક ભારે હતો, અને થોડો ભાવુક પણ હતો કારણ કે તેના માતા-પિતા નો અવસાન થયું તેને માત્ર ચાર મહિના થયા હતા. અને આમ અચાનક આકસ્મિક વિદાય થી પરિવારમાં દુઃખ હતું.
માતા પિતાના ગયા પછી રક્ષાબંધન ઉપર તેના બંને ભાઈઓનું વર્તન કેવું હશે આ પ્રશ્ન શ્રુતિને મૂંઝવતો હતો. તે આખરે તેના પિયરમાં આવી ગઈ હતી તેના બંને ભાઈઓ નું વર્તન સામાન્ય હતું. બંને ભાભીઓ પણ રસોડામાં હતી. એમાંથી મોટા ભાભી થોડા થોડા સમયે બહાર આવી અને ફરી પાછા અંદર જતા રહેતા હતા.
બધાએ સાથે જમવાનું નક્કી કર્યું હોવાથી બધા જમવા બેઠા, બન્ને ભાઈઓ જમતી વખતે પણ ખૂબ જ શાંત બેઠા હતા અને સામાન્ય વાતો થઇ રહી હતી. રક્ષાબંધન ઉપર કાયમની જેમ શ્રુતિ તેના ભાઈઓ માટે પ્રેમથી રાખડીઓ તેના પસંદગીની મીઠાઈઓ વગેરે લઈને આવી હતી.
મહુર્ત પ્રમાણે નક્કી કરેલા સમય મુજબ બંને ભાઈઓને રાખડી પહેરાવી અને તરત જ શ્રુતિ થોડી ભાવુક થઈ ગઈ કારણ કે તેને તેના માતા-પિતાની યાદ આવવા લાગી. ખાસ કરીને તેના પિતાની ખૂબ જ યાદ આવી કારણ કે દર વખતે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે ત્યારે બહારગામ રહેતા ફઈ ની રાખડી પિતાને શ્રુતિ પોતે જ બાંધતી. અને પિતા પણ તેને અવારનવાર કહેતા કે શ્રુતિ પણ મારી દીકરી નહીં પણ દીકરો જ છે.
માતા-પિતા ચાર માળનું વૈભવી મકાન શહેરના અનેક વિસ્તારોમાં નાના-મોટા ઘર અને ગામડામાં ઘણી જમીન વગેરે છોડીને ગયા હતા. આ સિવાય પિતા એ અંગત બચાવેલા રૂપિયા પણ ઘણા હતા જે કોઈ દિવસ તેને વ્યર્થ ખર્ચો નહોતો કર્યો.
બંને ભાઈઓને રાખડી બાંધી એટલે બંને ભાઈઓ શ્રુતિને પગે લાગ્યા અને તેની થાળીમાં એક કવર રાખ્યું. શ્રુતિ વિચારમાં પડી ગઈ કે હજુ મારા માતા-પિતા ગયા તેને ચાર મહિના પણ નથી થયા અને અત્યારથી જ લાગે છે હું મારા ભાઈઓ ઉપર બોજ બની રહી છું કારણકે નહિતર દર વખતે રક્ષાબંધન ઉપર મને મારી પસંદ ની સાડી ડ્રેસ, એક કપડા રમકડા અને કંઈક ઘરેણું તેમજ તેને મનપસંદ વસ્તુઓ નું ભોજન કરાવ્યા પછી જ તેને પિયરથી વિદાય આપતા.
તેના માતા-પિતા ગયા તેને ચાર મહિના પણ નહોતા થયા અને રક્ષાબંધન ઉપર શ્રુતિને જાણે ઇશારો મળી ગયો. શ્રુતિ તેના પિયરમાં કશું બોલી નહીં, સાંજે પતિ તેડવા આવ્યા એટલે તેની સાથે પોતાની ઘરે બાળકો સાથે જતી રહી. પિયરમાં બધાને આવજો કરતા કરતા પણ તેનું મન થોડું ભારે થઈ ગયું હતું.